સુહાગભાઇ નવા વર્ષમાં પોતાના માટે નવી કાર ખરીદવાનું આયોજન કરતા હતા. તેમણે ચાર-પાંચ મોડેલ પણ જોઈ રાખેલા અને તેમાંથી પત્ની શાલિની અને જુવાન દીકરા સાથે વાત કરીને આખરે એક મોડેલ ફાઇનલ કરેલું. બજેટમાં આવતું હતું અને રીવ્યુ પણ સારા હતા એટલે પરિવારે તેના માટે સાત લાખ અલગ કરી દીધા.
તેમની કાર હવે છ વર્ષ જૂની થઇ ગયેલી. જો કે કારમાં કોઈ મિકેનિકલ ફોલ્ટ તો નહોતો પરંતુ સુહાગભાઈને લાગ્યું કે કઈ વાંધા વચકા ચાલુ થાય તે પહેલા જ નવી ગાડી લઇ લઈએ. આ વર્ષે કોરોના પેન્ડેમિક દરમિયાન તેમના ધંધામાં શરૂઆતમાં ખૂબ નુકશાન થયેલું. મળેલા ઓર્ડર કેન્સલ થઇ ગયેલા અને ખરીદેલો માલ વેડફાઈ જાય તેવી સ્થિતિ આવી ગયેલી. ત્રણેક મહિના એવી સ્થિતિમાંથી પસાર થયા બાદ પોતાની કોઠાસૂઝથી તેમણે ધંધામાં પરિવર્તન કરેલું અને તેનાથી ગાડી પાટા પર તો આવી એટલું જ નહીં, તેની સ્પીડ પણ વધી ગઈ. નફો બમણો થઇ ગયો અને હવે તો નવી ગાડી ખરીદવા જેટલી સગવડ પણ થઇ ગઇ.
પોતાના આ નિર્ણયને નવા વર્ષની શરૂઆતમાં અમલમાં મૂકવા આતુર સુહાગભાઇ એક મિત્ર સાથે તેના વિશે વાત કરી રહ્યા હતા.
‘વિષ્ણુ, આ વર્ષે નવું મોડેલ લોન્ચ થયું ને એ લેવું છે.‘ સુહાગભાઈએ કહ્યું.
‘કેટલાનું પડશે?’
‘સાતેક જેટલું થાય છે પણ નવા વર્ષની સ્કીમમાં થોડું ડિસ્કાઉન્ટ મળશે એટલે સાડા છ માં છૂટે તેવું લાગે છે.‘
‘સારું સારું. ખૂબ ખૂબ અભિનંદન.‘ વિષ્ણુભાઇએ સ્મિત સાથે કહેલું.
‘તમારો શું પ્લાન?’
‘આ વર્ષે કેટલાય કારીગરોના ઘરમાં પૈસે-ટકે તંગી ચાલી રહી છે. એટલે મારો વિચાર છે કે દુકાનમાં ચાર-પાંચ લાખનો માલ ભરાવી લઉં. આમ તો સ્ટોક પડ્યો છે આગળ ત્રણેક મહિના ચાલે તેટલો, પણ હવે તહેવારોની સિઝનમાં થોડું કામ મળે તો કારીગરોના છોકરાને પણ મીઠાઈ ખાવા મળેને?’ વિષ્ણુની આંખોમાં ચિંતા અને કરુણાની લાગણીઓ ઝલકતી હતી.
વિષ્ણુનો આ જવાબ સાંભળીને સુહાગભાઇનું હૈયું કંપી ઉઠ્યું. તેને અહેસાસ થયો કે કેટલી સાચી વાત કરી છે વિષ્ણુએ. વિષ્ણુ તો હજી પાંત્રીસ વર્ષનો હતો અને તેની તો હજુ મોજ-શોખ કરવાની ઉંમર છે, પરંતુ તે કેટલો માનવલક્ષી અને સેવાભાવી વિચારો ધરાવે છે! પોતે આટલો સ્વાર્થી વિચાર કર્યો અને કોરોના પેન્ડેમિકનો ભોગ બનેલા આ વર્ગ વિશે જરાય ન વિચાર્યું.
‘વિષ્ણુ તારો વિચાર તો ખૂબ સરસ છે. મને લાગે છે મારે પણ તે દિશામાં કૈંક વિચારવું જોઈએ.‘ સુહાગભાઈથી બોલાઈ જવાયું.
‘ગરીબોને તો સરકારે અનાજ આપ્યું અને દાનવીર લોકોએ પણ સહાય કરી. પરંતુ ખાસ કરીને માધ્યમ વર્ગના લોકો જેમનો રોજમદારીનો વ્યયસાય મુશ્કેલીમાં આવી ગયો તેઓનું શું? તેઓ કોને કહેવાય જાય? કોની પાસે હાથ ફેલાવે?’ વિષ્ણુ બોલી રહ્યો હતો ત્યારે તેની આંખોમાં એક પ્રતિબદ્ધતા ભારોભાર છલકાતી હતી.
સાંજે ઘરે જઈને સુહાગભાઈએ આ વાત પત્ની શાલિની અને પુત્રને કરી.
‘પપ્પા, વાત તો સાચી છે. આપણી ગાડી તો હજી એકદમ નવી જ લાગે છે. આવતા વર્ષે નવી કાર લઈશું. આ વર્ષ ખરેખર જ કેટલાય લોકો માટે કપરું રહ્યું છે. આપણા ઉપર ભગવાનની કૃપા રહી તો તેનો ફાયદો જરૂરિયાતમંદને થાય તેનાથી વધારે સારું શું હોઈ શકે.‘ પુત્રએ પણ સહાનુભૂતિ દર્શાવી.
‘હું પણ આ વાતથી સહમત છું. તમે એવું કૈંક કરો જેનાથી જરૂરિયાતવાળા લોકોને ફાયદો થાય. અને આપણે ક્યાં દાન કરીયે છીએ. ચીજ લઈને જ પૈસા આપવા છે ને. આખરે તો તેમને રોજીરોટી મળી રહે તેટલું જ આપણે કરીએ છીએ ને?’ શાલિનીબેને પત્નીધર્મ નિભાવતા પતિની વાતને સહમતી આપી એટલું જ નહિ પરંતુ અંતરથી પણ તેને થઇ આવેલું કે પોતાના રુતબાનો દેખાડો કરવા કરતા એવા મધ્યમવર્ગીય લોકો વિશે વિચારીએ જેઓ કોઈની સામે હાથ પણ ફેલાવી શકતા નથી.
‘તમારી બંનેની પણ સંમતિ હોય તો હું આ વર્ષે કાર ખરીદવાનો પ્લાન માંડી વાળું છું અને આપણા કચ્છના કારીગરોને કામ આપી દઉં છું. કાલે જ હું તેમને ત્રણ લાખ રૂપિયાનો ઓર્ડર આપી દઈશ. એક વાર ડિલિવરી આવી જાય પછી થોડા દિવસમાં બીજો ઓર્ડર આપીશું. અને જરૂર પડશે તો પડતર કિંમતે વેંચી નાખીશું. આપણને નહિ તો તે ભલા મહેનતુ માણસોને તો ફાયદો થશે.‘ સુહાગભાઇ બોલી રહ્યા એટલે તેમનો બધો બોજ હળવો થઇ ગયો હોય અને શરીર જાણે ઢીલું પડી ગયું હોય તેવો અહેસાસ થયો. તેમના રોમેરોમમાં એક નવી ચેતના અને ઉર્જાનો સંચાર થયો હોય તેવું લાગી રહ્યું હતું. સાંજનું ભોજન કરી કૃતજ્ઞતાની લાગણી મનમાં સમેટીને તેઓ શાંતિથી ઊંઘ્યાં.
(રોહિત વઢવાણા)
(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)