‘મારે આ નોકરી નથી કરવી હો. આમાં તો મારો કોઈ વિકાસ દેખાતો નથી.’ વિજયે તેની પત્ની પારુલને કહ્યું.
‘પણ શા માટે તું નોકરી છોડવા માંગે છે? અત્યારે શાંતિથી જે છે તેને પકડી રાખ અને પછી તક મળે ત્યારે કૈંક નવું જોઈ લેજે.’ પત્નીએ વિજયને સમજાવવાનો નાહક પ્રયત્ન કર્યો.
‘ના, ના. હવે મારે તો જરાય વધારે વિલંબ નથી કરવો. છેલ્લા કેટલાય વર્ષોથી કોઈ પ્રગતિ નહિ, પ્રમોશન નહીં. એના કરતાં તો હું એવી જગ્યાએ જતો રહું જ્યાં મારી કદર થાય. જ્યાં મારી ટેલેન્ટની જરૂર હોય.’ વિજય જાણે નિશ્ચય કરી ચૂક્યો હતો.
‘સારું. તમારી મરજી, પણ મારી સલાહ તો એ છે કે સમજી વિચારીને કરજો જે કાંઈ કરો એ.’ પારુલે એટલું કહીને વાતને પડતી મૂકી. એના મનમાં ડર તો હતો જ કે વિજય ક્યાંક ખરેખર નોકરી ન છોડી દે તો સારું.
છ મહિના પહેલા થયેલી આ વાતચીત બાદ ઘટનાઓ ખૂબ ઝડપથી ઘટી. વિજયે સિત્તેર હજારના પગારની નોકરી છોડી દીધી. નોકરી છોડ્યા પછી એ પોતાનો બિઝનેસ શરુ કરશે અથવા તો બીજી કંપનીમાં નોકરીએ જોડાશે તેવો પ્લાન કરેલો. જલ્દીથી પોતાના નીકળતા પૈસા ઉપાડી લીધા અને તેમાં પોતાની બચત ઉમેરી જોઈ તો બધું મળીને વીસેક લાખ રૂપિયા જેટલી રકમ એકત્ર થઇ.
થોડા દિવસ કોશિશ કરી કે બીજી કોઈ કંપનીમાં થોડી ઊંચી પોસ્ટ પર નોકરી મળી જાય, પણ કાંઈ ખાસ મેળ પડ્યો નહિ એટલે વિજય નાસીપાસ થયો અને પરિણામ સ્વરૂપે ચિડચિડાપણું વધ્યું. રાત્રે સમયસર ઊંઘે નહિ અને સિગારેટ પર સિગારેટ ફૂંક્યા કરે. પારુલ કંઈ બોલે તો ગુસ્સે થઇ જાય અને ‘હું નોકરીએ નથી જતો એટલે તું મને મેણા મારશે? ઘર તો ચાલે છે ને?’ તેવું કહીને ઝઘડી પડે. થોડા દિવસ પછી પારુલે પણ કાંઈ કહેવાનું બંધ કરી દીધું.
નોકરી છોડ્યાના એકાદ મહિના પછી વિજયે એક મિત્ર સાથે મળીને રેસ્ટોરન્ટ ખોલવાની યોજના બનાવી. રેસ્ટોરન્ટનો એને કોઈ અનુભવ નહોતો પણ મિત્રને રસોઈ પર સારી ફાવટ એટલે રસોડું તે સંભાળશે અને મેનેજમેન્ટ વિજય જોઈ લેશે તેવું નક્કી થયું. રેસ્ટોરન્ટના ઉદ્ઘાટનમાં મિત્રો અને સગાવહાલાં સૌને બોલાવ્યા અને જમાડ્યા. થોડા દિવસ થયા એટલે રેસ્ટોરન્ટ ચાલવા લાગ્યું. ત્રણ માણસો રાખેલા એમનો પગાર નીકળે તેટલા પૈસાનો વકરો થઇ જતો.
‘ધીમે ધીમે જામી જશે..’ વિજયે પારુલને કહ્યું.
એક મહિનો રેસ્ટોરન્ટ ચલાવ્યું હશે ત્યાં કોરોનાને કારણે લોકડાઉન આવ્યું અને રેસ્ટોરન્ટ બંધ કરવાનો વારો આવ્યો. મૂડી રેસ્ટોરન્ટમાં લગાવી દીધી હતી. ભાડું ચાલતું હતું. માણસોના પગાર કેમ કરીને કરવા તે ચિંતા ઉભી થઇ. પાર્ટનરે કોઈ નાણાકીય ભાગીદારી નોંધાવી નહોતી એટલે તેના તરફથી પૈસાનું યોગદાન માગી શકાય તેમ નહોતું.
બે મહિનાના લોકડાઉન પછી ધીમે ધીમે ફરીથી બજાર ખૂલવા માંડી પણ રેસ્ટોરન્ટ ચલાવવાનો જે ખર્ચો હતો એટલા ગ્રાહકો કોરોનાના સમયમાં આવે તેમ નહોતું. ખોટ જશે તે નક્કી હતું અને હજી એકાદ વર્ષ તો પરિસ્થિતિ એવી જ રહેશે તે વાત વિજયને સમજાઈ ચૂકી હતી.
‘હું વિચારું છું કે રેસ્ટોરન્ટ બંધ કરી દઉં.’ એકવાર વિજયે પારુલને કહ્યું.
‘મેં તો પહેલા જ ના કહેલી કે રેસ્ટોરન્ટ ન ખોલો. જેમાં આપણો અનુભવ ન હોય તેવા ધંધામાં ન પડવું જોઈએ.’
‘તારી મરજી તો એવી જ હતી કે હું નોકરી જ ન છોડું અને ત્યાં જ જીવનભર સડ્યા કર્યું. ભલે ત્યાં મારી કોઈ પ્રોગ્રેસ ન હોય.’ વિજયે ફરીથી એવા જ રુઆબ અને છણકાથી જવાબ આપ્યો.
‘તમે શા માટે નોકરી છોડેલી? રેસ્ટોરન્ટ ખોલવાનું આયોજન તમારા મગજમાં હતું?’
‘ના.’
‘નોકરી છોડવા માટે છોડવી તેનો શો અર્થ? બીજો કોઈ પ્લાન જ મનમાં ન હોય તો ક્યા સપના પૂરાં કરવાની વાત કરતા હતા તમે? બીજે ક્યાં તમને પ્રોગ્રેસ દેખાતી હતી?’ પારુલના સવાલો વિજયના હૃદય સોંસરવા નીકળી ગયા.
‘પ્રોગ્રેસ… પણ નોકરીમાં તો નુકસાન જ હતું ને..’ વિજયને કોઈ સચોટ દલીલ ન મળી.
‘સ્થિરતા તો હતી ને? અને જ્યાં સ્થિરતા હોય ત્યાં સ્થગિતતા પણ હોઈ શકે. પ્રગતિ કે પ્રમોશન ધીમા હોઈ શકે, પણ જ્યાં સુધી બીજો જાનદાર વિકલ્પ ન હોય ત્યાં સુધી…’ પારુલ બોલતી રહી પણ વિજય ત્યાંથી ઉઠીને બીજા રૂમમાં જતો રહ્યો.
(રોહિત વઢવાણા)
(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)