મેરઠઃ મેરઠની ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટી ફરી એક વાર વિવાદમાં આવી છે. આ વખતે મામલો એમ.એ. પોલિટિકલ સાયન્સના બીજા સેમિસ્ટરના પ્રશ્નપત્ર સાથે જોડાયેલો છે, જેમાં પુછાયેલા એક પ્રશ્ને મોટો વિવાદ ઊભો કર્યો છે. વિદ્યાર્થીઓને પ્રશ્ન નંબર 87 અને 93ને લઈને આક્ષેપ હતા. આ પ્રશ્નોની સોશિયલ મિડિયા પર તીવ્ર ટીકા થઈ રહી છે.
વાસ્તવમાં પરીક્ષાના પ્રશ્નપત્રમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની તુલના નક્સલવાદી અને આતંકવાદી સંગઠનો સાથે કરવામાં આવી હતી.
આ પ્રશ્ન સામે અખિલ ભારતીય વિદ્યાથિ પરિષદ (ABVP) સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓએ ઉગ્ર આક્ષેપ કર્યા હતા અને યુનિવર્સિટીની ફેકલ્ટી સાથે વાતચીત કરી હતી. પહેલા વિદ્યાર્થીઓને રજિસ્ટ્રારની ઓફિસમાં જવા નહીં દેવા માટે ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના વિરોધમાં વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર પણ કર્યો હતો.
એ પછી વિદ્યાર્થીઓ અને રજિસ્ટ્રાર સહિત અન્ય અધિકારીઓ વચ્ચે ચર્ચા થઈ હતી. એમએ. પોલિટિકલ સાયન્સના પેપરમાં એક પ્રશ્ન હતો: નીચેનામાંથી કોને પરમાણુ જૂથ નથી માનવામાં આવતું?
આ માટે ચાર વિકલ્પ આપેલા હતા:
- નક્સલવાદી જૂથ
- જમ્મુ-કાશ્મીર લિબેરેશન ફ્રન્ટ
- દલ ખાલસા
- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
આ પ્રશ્ન બહાર આવતાની સાથે જ સોશિયલ મિડિયા પર તોફાન મચી ગયું. લોકો ગુસ્સે થયા અને આ પ્રશ્નની તીવ્ર નિંદા કરવા લાગ્યા કે એક રાષ્ટ્રવાદી સંગઠનને આતંકવાદી અથવા ઉગ્રવાદી સંગઠનોની સાથે કેમ સામેલ કરવામાં આવ્યું.
વિવાદ વધતાં આ પ્રશ્ન તૈયાર કરનારી પ્રોફેસર સીમા પવાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી. સીમા પવાર મેરઠ કોલેજમાં રાજકીય વિજ્ઞાનનાં પ્રોફેસર છે એ પછી યુનિવર્સિટીએ તેમને પરીક્ષા અને મૂલ્યાંકનના તમામ કામમાંથી હટાવી દીધાં છે. હવે તેઓ ન તો પેપર બનાવી શકશે, ન તો તેને લગતા કોઈ પણ કાર્યમાં ભાગ લઈ શકશે.
