8થી 12 ડિસેમ્બર સુધી 24થી વધુ ચૂંટણીસભાઓ ગજવશે PM

ગાંધીનગર– ગુજરાતની પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે ગુરુવારે સાંજે 5 વાગે ચૂંટણી પ્રચારનો અંત આવ્યો છે. છેલ્લાં ઘણાય દિવસથી ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી પ્રચાર જોરશોરથી કર્યા છે. ભાજપે 9મી ડિસેમ્બરના રોજ યોજાનાર મતદાન માટે બૂથ મેનેજમેન્ટ અને ડોર ટુ ડોર પ્રચાર ઝૂંબેશ પૂર્ણ કરી છે. હવે પ્રજા કોનો પ્રચાર સ્વીકાર કરી, કોને તાજ પહેરાવશે તે જોવાનું રહ્યું.14 ડિસેમ્બરના રોજ યોજાનારી બીજા તબક્કાની 93 બેઠકો માટે વડાપ્રધાન દ્વારા 24 જેટલી જાહેર સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત અનેક વિધાનસભા ક્ષેત્રમાં રેલી અને રોડ શો યોજવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. છેલ્લા પંદર વર્ષ બાદ પ્રથમ વખત મોદીની ગેરહાજરીમાં ચૂંટણી લડવામાં આવી રહી છે વડાપ્રધાન માત્ર જાહેરસભા સંબોધી જતા રહે છે. વડાપ્રધાને તેમની ચૂંટણી સભાઓ દરમ્યાન સતત ચોથી વખત ભાજપ માટે ચૂંટણીમાં વિજયની આશા વ્યક્ત કરી રહ્યાં છે.
ભાજપ પક્ષ દ્વારા આગામી તા.8 થી 12 ડિસેમ્બર સુધી વડાપ્રધાનની 24 જેટલી સભાઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. વડાપ્રધાન દ્વારા તેમના શાસનમાં ગુજરાતે કરેલ પ્રગતિને સતત દહોરાવી રહ્યાં છે. અને આગામી દિવસોમાં ગુજરાતની વધારે પ્રગતિ થાય તે દિશામાં વિચારણા કરી રહ્યાં છે.
વડાપ્રધાન તેમની ચૂંટણી સભાઓમાં ખાસ કરીને વીજળી, પાણી, શિક્ષણ, આરોગ્ય સેવાઓ અને કૃષિની બાબત પર ભાર મૂકી વિસ્તૃત માહિતી પ્રજા સમક્ષ રજૂ કરતા રહ્યાં છે. આવનારા દિવસોમાં યુવાનોને રોજગારી મળે અને જી.એસ.ટી થી સરળતા રહે તેવા વિસ્તારોનો આડકતરો સંદેશો આપતા રહ્યા છે. આવનાર દિવસોમાં ગુજરાત સતત વિકાસ કરે તે પ્રકારના ચોક્કસ આયોજન કરવામાં આવી રહ્યાં છે. તેમણે જ્યાં જ્યાં ચૂંટણી સભાઓ સંબોધી છે ત્યાં માત્ર ને માત્ર વિકાસના મુદ્દાને ધ્યાને લઇ આગળ વધવાની દિશામાં ભાર મુકયો છે. ઉપરાંત શાંતિના માહોલમાં ચૂંટણી કાર્ય પૂર્ણ થાય તે વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પક્ષના કાર્યકરોને ડોર ટુ ડોર જઈ સરકારે કરેલા કામોની વિગતો સમજાવવા અપીલ કરી છે.
વડાપ્રધાનની આ વખતની ચૂંટણી સભાઓમાં વિકાસની વાતો સાથે સાથે રાહુલ ગાંધી પર સીધા પ્રહારો કરવામાં આવ્યા છે. ભૂકંપ જેવી પરિસ્થિતિમાંથી ગુજરાતને ફરીથી ચેતનવંતુ બનવવા ભાજપ તરફથી તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. ગુજરાતની પ્રજા નાના મોટા પડકારો ઝીલી સતત મહેનત કરી પ્રગતિ કરી રહી છે ત્યારે આ પ્રગતિને કોઈ રોકી શકે તેમ નથી.