ગાંધીનગર– ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગીમાં વ્યસ્ત છે. યોગ્ય અને નિષ્ઠાવાન ઉમેદવારોની પસંદગી કરવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે. બે દાયકાથી સત્તામાં રહેનાર ભારતીય જનતા પાર્ટીમાં હવે પક્ષની અંદર અભિમાન અને ઘમંડ જોવા મળી રહ્યું છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે પક્ષમાં રોષ વધતો જોવા મળી રહ્યો છે. એટલું જ નહિ સામાન્ય નાગરિકો પણ આ પક્ષ પ્રમુખ સામે જાહેરમાં ખરાબ શબ્દોના ઉચ્ચારણ કરતા જોવા મળે છે.પ્રદેશ પ્રમુખની સામે ભાજપ પક્ષની વાત કરીયે તો રાજ્યના તમામ જિલ્લાઓમાંથી એક અવાજ આવતો રહ્યો છે કે આવા ઘમંડી પ્રમુખ હોય તો પાર્ટી ક્યાંથી આગળ આવશે. આ વખતે ગુજરાતમાં જ્ઞાતિવાદના મહાસંગ્રામ ચાલી રહ્યો છે, ત્યારે આવા પ્રદેશ પ્રમુખ કોઈપણ સંજોગોમાં ચાલી શકે નહી તેવા રાજકીય સંકેતો પક્ષના મોવડી મંડળને મળી રહ્યા છે.
ભાજપના શાસનને હવે પક્ષના જ સિનીયર નેતાઓએ વખોડવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં પૂર્વ નાણાપ્રધાન યશવંતસિંહ, શત્રુઘ્નસિંહા, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાયી પણ રાજધર્મ નિભાવવો એમ કહી કટાક્ષ કર્યો હતો. અને એવો સૂર વ્યક્ત કર્યો હતો કે પક્ષ મહાન છે વ્યક્તિ નહિ. એનો જવાબ ગુજરાત અને હિમાચલની ચૂંટણીમાં જોવા મળશે તેવી વાતો પણ દહોરાવી છે. તાજેતરમાં ગુજરાત ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીના પોતાના જિલ્લામાં જ વિરોધનો વંટોળ શરૂ થયો છે. ગુજરાતના રાજપૂત સમાજે પ્રદેશ પ્રમુખ જાહેરમાં માફી માંગે તેવા ઉચ્ચારણો કર્યા છે. અને સમાજની એકતા બતાવી છે.
ભાજપના ધારાસભ્યો, મંત્રીમંડળના મંત્રીઓ અને સંગઠનના લોકોમાં પણ હાલના પ્રદેશ પ્રમુખ સામે આંતરિક લડાઈ વધી ગઈ છે. ધીરે ધીરે પ્રદેશ પ્રમુખ સામે જાહેરમાં વિરોધનો વંટોળ ઉભો થતો જોવા મળી રહ્યો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં પણ સિનિયર કાર્યકરો આ પ્રદેશ પ્રમુખની નકારાત્મક ભૂમિકા સામે નારાજ છે. ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ તાલુકા કક્ષાએ કાર્યકર સ્નેહમિલન યોજાય છે, તેમાં જવાનું ટાળી રહ્યા છે. કાર્યકરોનો રોષ તેમની આંખે દેખાઈ રહ્યો છે અને તેનો ભોગ બનવાની કોઈપણ સંજોગોમાં તૈયારી નથી. પ્રદેશ પ્રમુખ બન્યા પછી ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં પ્રવેશ નથી કર્યો, પક્ષના સિનિયર કાર્યકરોમાં પ્રદેશ પ્રમુખના વાણી વર્તન સામે રોષ જાહેરમાં જોવા મળી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં જો ભાજપને બાહુંમતી મળે તો માત્રને માત્ર વડાપ્રધાનના કારણે બાકી કોઈ કાર્યોના કારણે નહિ, તાજેતરમાં વિકાસ ગાંડો થયો છે નો પ્રચાર પણ ખુદ ભાજપના જ લોકો કરી રહ્યા છે.