ફરીથી સંબંધને એક તક આપી હોય તો?

આલાપ,

આપણે માણસજાત કેટલી તકલાદી છીએ નહીં? આપણે ક્યારેય કોઈ વિચાર પર, કોઈ નિર્ણય પર કે કોઈ અવસ્થામાં કાયમ નથી રહી શકતા. જો કે એ જ કદાચ માણસનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે અને દુઃખના નાશનું કારણ પણ!

એક સમય એવો હતો કે તું મારો શ્વાસ હતો. હું સતત વિચારતી કે તારા વગર જીવન શક્ય બને ખરું? આ વિચાર માત્રથી શ્વાસ રૂંધાતો. મને એ વાતની પ્રતીતિ થઈ કે હું તારા વગર ન જ જીવી શકું. હું તારા પ્રેમમાં ગળાડૂબ હતી અને આપણો પ્રેમ એ મારા પક્ષે તાકાત બનવાના બદલે નબળાઈ બની રહ્યો હતો એ પણ મને ધીમે ધીમે સમજાતું હતું પરંતુ મેં સ્વીકારી લીધેલું કે આ પ્રેમ જ મારી જીવાદોરી છે.

જો કે વખત ક્યારેય કોઈનો થયો છે? સંજોગોએ વળાંક લીધો અને આપણે છૂટા પડવાનું થયું. છૂટા તો પડ્યા, પણ એ તો દુનિયાના દ્રષ્ટિકોણથી, બાહ્ય રીતે. બાકી પ્રેમમાં છૂટવાનું ક્યાં શક્ય હોય છે?

આજે વીતેલી બધી જ વાતો યાદ આવી રહી છે. દિવાળીનો સમય છે અને આવી જ એક દિવાળીએ તેં મને રાધા-કૃષ્ણની મૂર્તિ ભેટ આપતાં કહેલું,  ‘સારુ, હવે જીવનમાં હવે એક જ ધ્યેય રહ્યું છે કે હું તારી સાથે જ જીવું, તારી સાથે જ વૃદ્ધ થાઉં અને તારી સાથે જ મરું.

જીવનની દરેક બદલતી મોસમ પણ તારી સાથે માણું. પ્રગતિના દરેક પડાવ તારો હાથ ઝાલીને પાર કરું’

ત્યારે મેં તને વચન નહીં, મારું જીવન આપી દીધેલું. એ પછી દરેક મોસમ સાથે જીવ્યા. જીવનના દરેક ચડાવ-ઉતાર એકબીજાના સંગાથે જોયા, જાણ્યા અને માણ્યા. આજે એ વીતેલા વર્ષો વિશે વિચારતાં સમજાય છે કે એ સમયની બેશૂમાર ચાહતનું માત્ર સ્વરૂપ જ બદલાયું છે. ચાહત તો આજે પણ બરકરાર છે.

ધારો કે, આજે ફરીથી આ સંબંધને એક તક આપી હોય તો?? તો કદાચ દીપાવલીની રંગોળીના તમામ રંગો મારી સફેદ બેરંગ જિંદગીમાં ભરાઈને કલરફૂલ બની જાય. મારું જીવન પણ દીપાવલીના દીવાથી પ્રકાશિત થઇને ઝગમગે અને તારા આગમનથી મારા જીવનમાં ફરીથી ખુશીઓના ફટાકડા ફૂટે, પણ છતાં શું આ શક્ય છે?

મારી જીવનસફરમાં હમસફર બનવા બદલ તને થેંક્સ.

-સારંગી.

(નીતા સોજીત્રા)