કાળી ચૌદશ: શું અંધકારનો સ્વીકાર ન કરી શકાય?

ધન તેરસ અથવા ધન્વન્તરી તેરસ પછીનો દિવસ એટલે કાળી ચૌદસ. હવે વિચાર આવશે કે ધનતેરસ તો લક્ષ્મીજીની પૂજાનો દિવસ છે તો પછી આયુર્વેદની વાત ક્યાંથી આવી? સમુદ્ર મંથન વખતે ધન્વતરી આ દિવસે પ્રગટ થયા હતા. છે ને અદ્ભુત વાત? શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું હોય તો ધનની પ્રાપ્તિ થવાની શક્યતા ઉભી થાય છે. લક્ષ્મીજી પછી ધન્વતરી આવ્યા અને તેમની પાસે અમૃત હતું. જીવનમાં જેમ વધારે ઊંડાણમાં જતા જઈએ તેમ જીવનના વિકારો, ઈચ્છાઓ, મહેચ્છાઓ વિગેરે પુરા થઇ અને અંતે જીવન અમૃતમય બને છે. સ્વાસ્થ્ય અને મનની શક્તિ સાથે જોડાયેલું પર્વ એટલે કાળી ચૌદશ. મહાકાળી એટલે વિજયની દેવી. સાધનાની દેવી. મનની શક્તિની દેવી. ઈચ્છાપૂર્તિની દેવી. એવું કહેવાય છે કે મંત્ર તંત્ર માટે આ દિવસ શ્રેષ્ઠ મનાય છે. નૈવેદ માટે પણ આ દિવસનું મહત્વ છે. સ્વ થી ઉપર જઈ અને સ્વ ની જાગૃતિ માટે આ પર્વ છે એમ કહી શકાય.

ત્રિદેવી એ આપણા જીવનના મુખ્ય ત્રણ પાસા સાથે જોડાયેલ છે. એવું પણ કહી શકાય કે આ પાંચ દિવસનો તહેવાર પાંચ તત્વોને ઉજાગર કરવા માટે છે. કાળી ચૌદશ એટલે ભૂમિ તત્વ સાથે જોડાયેલ પર્વ. વ્યક્તિની આંતર ચેતના સાથે જોડાયેલું પર્વ. ભારતમાં તો અંધકારને પણ પૂજાય છે. અંધકારની ઉર્જાને સકારાત્મક દિશા આપીને એનાથી ચેતના પ્રાપ્ત કરવાની વાત માત્ર ભારતમાં છે. ભારતીય નિયમો વિજ્ઞાન આધારિત છે. માણસની આસપાસ જે અંધકાર છે એનાથી પણ વધારે ઘોર અંધકાર એની અંદર છે.

પોતાની અંદર જોવાની શક્તિ ન હોવાના કારણે માણસ બાહ્ય અંધકારથી ડરે છે અથવા એનાથી દુર ભાગે છે. બહુ બહુતો જાત જાતના ઉપકરણો વાપરી અને થોડોક અંધકાર દુર કરી અને અંધકારને હરાવવાના વહેમમાં રાચે છે. શું અંધકારનો સ્વીકાર ન કરી શકાય? તમે જયારે કોઈ પણ પ્રકાશ વિના જગતને જોવા મથો છો ત્યારે બધું જ ધીમે ધીમે જોઈ શકાય છે. આપણી દ્રષ્ટિ વિકસિત થવા લાગે છે. એવુજ જીવનના અંધકારનું છે. હવાતિયા મારવા કરતા અંધકારનો સ્વીકાર એ ધીમે ધીમે દ્રષ્ટિનો વિકાસ કરી અને અંધકારમાંથી માર્ગ કાઢવામાં મદદ કરે છે.

જેમ સૌમ્ય સ્વરૂપ દેવી કાલિકા સ્વરૂપે અસુરોનો સંહાર કરીને અવિરત બની ગયા હતા તેવી જ રીતે સમય અને સંજોગોની સામે સતત ગતિશીલ રહેવા માટેની સ્થિરતા આ પર્વની સાધનાથી મળે છે. સંસાર પરિવર્તનશીલ છે અને એ પરિવર્તનમાં ઘણા તડકા છાંયા આવે પણ એ બધાનો સ્વીકાર એટલે કાળી ચૌદશની સાધના. જેમ દરેક પડકાર માણસને વધારે મજબુત બનાવે છે તેમ જ દરેક સાધના પણ માણસને વધારે ચૈતન્ય પ્રદાન કરે છે. આ દિવસે કુળદેવીને દરેક કુળની પરંપરા અનુસાર નૈવેદ અર્પણ કરવામાં આવે છે. અને નિયમ એવો છે કે સમગ્ર પરિવારની હાજરીમાં નૈવેદ અર્પણ કર્યા બાદ સાથે પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ. દિવાળી એટલે ભારતનું મુખ્ય પર્વ. એના આગલા દિવસે પરિવાર ભેગો થાય એટલે તહેવાર સાથે જ ઉજવાય. પરિવારની ભાવના સતત જાગૃત રહે. છે ને કમાલની વાત?

(મયંક રાવલ- વાસ્તુ સાયન્ટીસ્ટ)