‘અરે તારી…’ પ્રતીક ગાળો બોલતા બોલતા મોટર ગાડીની પાછળ દોડ્યો

પ્રતીક ઘરેથી ઓફિસે જવા નીકળ્યો. બાઈકને કીક મારતા તેણે ઘડિયાળમાં નજર કરી. 8:30 વાગી ગયા હતા. આજે તો ચોક્કસ મોડું જ થશે, તેણે મનોમન વિચાર્યું.

ઝડપથી બાઈક ચાલુ કરીને પોતે ટ્રાફિકમાંથી પોતાનો રસ્તો કરતો આગળ નીકળી રહ્યો હતો ત્યાં ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ રેડ મળ્યું. આજે આ લાલબતીએ પણ મોડું કરાવવાનું ધાર્યું લાગે છે, તેણે ચિડાતા ચિડાતા પોતાની જાત સાથે સંવાદ કર્યો. પ્રતીકની આદત હતી કે જ્યારે ગુસ્સામાં હોય ત્યારે એકલો એકલો બડબડ કરે અને જે મનમાં આવે તે જાણે પોતાની સાથે વાતચીત કરી રહ્યો હોય તે રીતે બોલે.

બીજા ત્રણેય રસ્તાઓ માટે વારાફરતી લીલી બત્તી થઈ પછી સૌથી છેલ્લો વારો પ્રતીક જ્યાં ઉભો હતો તે રસ્તાનો આવ્યો. પ્રતિકે બાઈક બંધ કર્યું જ નહોતું અત્યાર સુધી. પેટ્રોલનો ધુમાડો કરીને રાહ જોઈને ઉભેલો પ્રતીક હવે ઝડપથી આગળ નીકળી જવા માંગતો હતો ત્યાં તેની બાજુમાં રહેલી મોટરગાડી એવી રીતે ચાલી કે પ્રતીકનો રસ્તો રોકાયો અને તેને બ્રેક મારવી પડી.

‘આંધળો છે અલ્યા, દેખાતું નથી.’ પ્રતિકે ગુસ્સામાં બૂમ પાડી.

મોટર ગાડી રોકાઈ અને તેમાંથી પેસેન્જર સાઈડમાં બેઠેલો માણસ બહાર આવ્યો અને તે પ્રતીક તરફ ધસી આવ્યો.

‘શું ઉતાવળ ફાટી પડી છે તને?’ છ ફુટ ત્રણ ઇંચ ઊંચાઈવાળા મજબૂત બાંધાના એ માણસે શર્ટની બાઈ ચડાવતા તાવથી પૂછ્યું.

પ્રતીકનો ગુસ્સો ખરાબ હતો. તેણે બાઈકની ઘોડી ચડાવી અને નીચે ઉતર્યો અને પેલા માણસને હાથ બતાવતા કહ્યું, ‘તને દેખાતું નથી? આડાઅવળી ગાડી ચલાવે છે મારો રસ્તો બ્લોક કરી દીધો તે.’

‘અત્યાર સુધી તો તારો રસ્તો બ્લોક કર્યો હતો પણ હવે જા તું તારે, નીકળી જા આગળ.’ એમ કહેતા એ માણસે પ્રતીકની બાઇકમાંથી ચાવી ખેંચી લીધી અને ઝડપથી ભાગીને પોતાની ગાડીમાં બેસી ગયો.

પ્રતિકે તેની પાછળ દોડતા બે ત્રણ ગંદી ગાળો બકી દીધી પણ તે માણસ તેના હાથમાં આવ્યો નહિ. મોટરગાડી ઝડપથી આગળ દોડી અને પેલો માણસ ગાડીની બારીમાંથી હાથ કાઢીને ચાવી લટકાવતો પ્રતીકને ચિડાવતો આગળ નીકળી ગયો.

‘અરે તારી…’ પ્રતીક ગાળો બોલતા બોલતા મોટર ગાડીની પાછળ દોડ્યો પરંતુ એ ગાડી એટલી ઝડપે ચાલી રહી હતી કે પ્રતીક તેને આંબી ન શકે. ડ્રાઈવરે જાણી જોઈને ગાડી એટલી જ ભગાડી કે પ્રતીક દોડવાનું બંધ ન કરે. લગભગ સોએક મીટર પાછળ દોડાવીને તે માણસે ચાવી રસ્તા વચ્ચે ફેંકી દીધી. પ્રતીક ચાવી પાસે પહોંસીઓ ત્યાં મોટર ઝડપથી ભાગતી ટ્રાફિકમાં ભળી ગઈ.

પ્રતીકનો શ્વાસ ભરાઈ આવ્યો હતો. તે પેટ પકડીને રસ્તામાં ઉભો ઉભો લાંબા શ્વાસ ભરી રહ્યો હતો. તેની નજર સામે રસ્તા પર નીચે બાઈકની ચાવી પડી હતી. થોડો શ્વાસ ઓછો થયો પછી પ્રતીકે ચાવી ઉઠાવી અને હાંફતો હાંફતો તે બાઈક પાસે આવ્યો.

આ બધું થયું તે દરમિયાન પ્રતીકના મોઢામાંથી અમુક અમુક સમયના અંતરે અલગ અલગ ગાળો નીકળી રહી હતી અને જો કોઈ લખવા બેસે તો ગાળોની એક લાંબી યાદી તૈયાર થઈ જાય તેટલી વિવિધતાવાળી ગાળો પ્રતીક બોલી ગયો હતો.

તેણે કિક મારી અને બાઇક ચાલુ કર્યું અને લીવર દેવા જતો હતો ત્યાં ફરીથી ટ્રાફિક લાઈટ લાલ થઈ ગઈ. હવે પ્રતીકનો ગુસ્સો વધી ગયો પરંતુ ગુસ્સા સાથે તેની આંખમાં આંસુ આવી ગયા. તે માંડ માંડ પોતાની જાતને રડતા રોકી શક્યો.

સવારથી મોડું થઈ રહ્યું છે અને આ બધી મથામણ આજે જ મારી સાથે થવાની હતી, તેણે દિવસની શરૂઆતને દોષ દેતા કહ્યું. પહેલા થયું હતું એવી જ રીતે ફરીથી બીજા ત્રણે રસ્તાઓનો વારો આવ્યા પછી જ પ્રતીકને ગ્રીન સિગ્નલ મળ્યું.

રસ્તામાં ગુસ્સા અને અફસોસના મિશ્ર ભાવ સાથે પ્રતીક લાલ પીળો થઈ રહ્યો હતો અને તેની આંખોમાં લાલાશ અને ભીનાશ બંને આવી ગયા હતા. બાઈક ચલાવતા ચલાવતા તેણે એક બે વખત શર્ટની બાઇમાં આંખો લુછીને પોતાની દૃષ્ટિ સાફ કરી લીધી હતી.

ઓફિસ પહોંચ્યો ત્યાં સુધીમાં નવ વાગીને પચીસ મિનિટ થઈ ગઈ હતી. બાઈક જલ્દીથી પાર્ક કરીને તે લિફ્ટ પાસે દોડ્યો. લિફ્ટમાં પ્રવેશવા ગયો ત્યાં દરવાજો બંધ થઈ ગયો અને લિફ્ટ ઉપર નીકળી ગઈ. બીજી લિફ્ટ બાજુ નજર કરી. તે આઉટ ઓફ સર્વિસ હતી.

‘કેવી બેકાર બિલ્ડીંગ છે. મેન્ટેનન્સનું જરાય ધ્યાન જ નથી રાખતા. અઠવાડિયામાં પાંચ દિવસ તો કંઈક ને કંઈક વાંધો હોય જ છે.’ પ્રતિકે ફરીથી પોતાની સાથે સંવાદ આદર્યો.

થોડીવાર રાહ જોયા પછી લિફ્ટ નીચે આવી એટલે પ્રતીક કપાળે આવેલો પરસેવો લૂછતાં અંદર પ્રવેશ્યો અને સાતમા ફ્લોર પર જવા માટે બટન દબાવ્યું. લિફ્ટનો દરવાજો બંધ થયો અને તે ઉપર જઈને પહેલા ફ્લોર પર રોકાઈ. ત્યાંથી કોઈ લિફ્ટમાં આવ્યું અને દરવાજો ફરીથી બંધ થયો. લિફ્ટ ઉપર તરફ ચાલી અને બીજા ફ્લોર પર રોકાઈ. પહેલા માળથી લિફ્ટમાં ચડેલો માણસ બીજા માળે બહાર નીકળી ગયો. પ્રતીકના મોઢામાંથી ફરીથી ગાળ નીકળવા જય રહી હતી કે સાલ્લા એક ફ્લોર માટે થઈને શા માટે લિફ્ટ રોકતા હશે – પણ તેણે ઓફિસની મર્યાદા જાળવીને પોતાના શબ્દોનો ઘૂંટડો ભરી લીધો.

લિફ્ટ ફરી ચોથા મળે રોકાઈ અને તેની સાથે જે બે ત્રણ જણા લિફ્ટમાં હતા તેમાંથી એક વ્યક્તિ બહાર નીકળી.

લિફ્ટ જ્યારે છઠ્ઠા માળે પહોંચી ત્યારે પ્રતીકને યાદ આવ્યું કે તેની બેગ તો તે બાઈકમાં જ ભૂલી ગયો હતો અને ઓફિસની ચાવી તો બેગમાં હતી. તેણે જોરથી પોતાના લમણે હાથ ઝીંક્યો અને એક ગાળ બોલીને પાર્કિંગમાં જવાનું બટન દબાવ્યું પણ લિફ્ટમાં સાતમા માળનું બટન પહેલાથી દબાયેલું હતું એટલે તે ઉપર જઈને જ રોકાઈ.

સાતમાં મળે લિફ્ટ ઉભી રહી અને દરવાજો ખુલ્યો કે પ્રતીકના બોસ લિફ્ટ પાસે જ ઊભા હતા. તેણે પ્રતીક સામે જોયું. પ્રતીકે બોસને ગુડ મોર્નિંગ કહીને માથું ઝુકાવ્યું. તેના બોસે જવાબમાં માત્ર હકારમાં માથું હલાવ્યું. તેના ચહેરા પર રહેલા ભાવથી પ્રતીક સ્પષ્ટ સમજી શકતો હતો કે આજે તેનો વારો નીકળવાનો છે.

પ્રતીકને તો નીચે ચાવી લેવા જવાનું હતું પણ હવે બોસની સામે ફરીથી નીચે જાય તો કેટલાય પ્રશ્નોના જવાબ લિફ્ટમાં જ આપવા પડે એટલે તે ચૂપચાપ બહાર નીકળી ગયો.

લિફ્ટ નીચે ગઈ પછી પ્રતિકે ફરીથી બટન દબાવ્યું. લિફ્ટ આવે ત્યાં સુધીમાં તેના ત્રણ ચાર કલીગ ત્યાંથી પસાર થયા અને ગુડ મોર્નિંગ કે હેલ્લો કર્યું પણ પ્રતીકનો મૂડ ખરાબ હતો એટલે તેણે માત્ર માથું હલાવીને જવાબ આપ્યો.

થોડી ક્ષણોમાં લિફ્ટ ઉપર આવી. પ્રતીકે પાર્કિંગનું બટન દબાવ્યું. એક બે જગ્યાએ રોકાતી રોકાતી લિફ્ટ પાર્કિંગમાં પહોંચી એટલે તે બહાર નીકળ્યો અને બેગ બાઈકમાંથી ઉઠાવી એટલામાં બોસની ગાડી પસાર થઈ. બોસની કડક નજર પ્રતીક પર પડી.

‘આજે નસીબ જ ખરાબ છે. જે થશે તે જોઈ જશે,’ એવું વિચારતો તે ફરીથી લિફ્ટમાં ઉપર ગયો.

એક કલાક પછી બોસે તેને પોતાની ઓફિસમાં બોલાવ્યો.

‘પ્રતીક, આજે ફરીથી મોડો આવ્યો? ક્યારે હું તારી પાસેથી સમયસર આવવાની અપેક્ષા રાખી શકું?’ બોસે સીધો જ પ્રશ્ન કર્યો.

‘સર, મને મોડું એટલે થયું કે….’ કહેતા પ્રતીકે સવારે બનેલી પૂરી ઘટના સવિસ્તાર વર્ણવી દીધી.

બોસ તેની વાત ધ્યાનથી સાંભળી રહ્યા હતા.

‘હવે આમાં મારો શું વાંક? પેલા મોટરગાડી વાળાએ જો મને ન પજવ્યો હોત તો…’ પ્રતીક આગળ બોલવા જઈ રહ્યો હતો કે બોસે તેને અટકાવ્યો.

‘પ્રતીક, વાંક તારો છે. પહેલાં તો તું ઘરેથી નીકળતી વખતે ટ્રાફિક સિગ્નલ અને બીજી કોઈ પરિસ્થિતિને ગણતરીમાં રાખીને ન નીકળ્યો. બીજું એ કે તારી આગળ આવેલી મોટરગાડી બહુ બહુ તો એક મિનિટ મોડું કરત પરંતુ તે લડાઈ શરૂ કરી એટલે તે એક મિનિટ વીસ મિનિટમાં બદલાઈ. સૌથી મહત્ત્વની વાત તો એ કે જ્યારે સવારથી બધું જ તારી અપેક્ષા વિરુદ્ધ થઈ રહ્યું હતું ત્યારે તારે શાંત અને એકાગ્ર મન રાખીને આગળ વધવાનું હતું, જેથી કરીને ખરાબ પરિસ્થિતિ વધારે ન વણસે. પરંતુ તારા ગુસ્સાને કારણે તે પોતાના મન પર નિયંત્રણ ગુમાવ્યું અને બધું તારા હાથમાંથી નીકળતું ગયું. અહી પણ તું બેગ ભૂલી ગયો – જો મન શાંત હોત તો એવું ન થાત.’

બોસની આ વાતથી પ્રતીક મનોમન સહમત થઈ રહ્યો હતો.

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ ભારતીય હાઈ કમિશન, કેન્યામાં ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)