અંતે એક દિવસ કંટાળેલા સ્ટાફે મેનેજરને પાઠ ભણાવવાનું નક્કી કર્યું

‘તારાથી કોઈ કામ સારી રીતે નથી થતું. મેં તને કહ્યું હતું કે બે વખત ચેક કરીને જ ઇમેલ મોકલજે. ભૂલ થઇ ગઈ ‘ને?’ મનીષ ગુપ્તાએ મહેકને ઠપકો આપતા કહ્યું.

મનીષ ગુપ્તા એક માર્કેટિંગ કંપનીમાં મેનેજર હતો અને મહેક ત્યાં માર્કેટિંગ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી. તેનું કામ તો સારું હતું પરંતુ મનીષ ગુપ્તાને ટીકા કરવાની આદત હતી. બધા લોકોના કામમાં તે કોઈને કોઈ ભૂલ કાઢ્યા જ કરે. કંપનીના લોકો ધીમે ધીમે મનીષ ગુપ્તાની આ આદતથી કંટાળવા લાગેલા.

‘તને મેં કેટલીવાર સમજાવ્યું છે કે કોઈ કાગળ પ્રિન્ટ કરે તો આગળ પાછળ બંને બાજુ પ્રિન્ટિંગ હોવું જોઈએ. પરંતુ જો ટોપિક બદલાયો હોય તો એ ધ્યાન રાખવાનું કે તે પાછળના પેજ પર ના આવે. જો આ સાતમા પાના પર જે છે તે નવો ટોપિક છે. ત્યાં પેજ બ્રેક આપીને નવા પેજથી શરુ કરવું જોઈતું હતું. તારું કામમાં જરાય ધ્યાન લાગતું નથી.’ મનીષ ગુપ્તાએ વિકાસને ટોકતા કહેલું. તેના અવાજમાં ક્યારેય નરમી કે આદર હોતો નહિ. ભાષા પણ લોકોને અપમાનિત કરે તેવી જ રહેતી.

‘સોરી સર. ગઈકાલે મેં નવા પેજમાં પ્રિન્ટ કરેલું તો તમે સૂચના આપેલીને કે બેક તો બેક પ્રિન્ટિંગ જ કરવું. એટલે મેં આજે પેજ બ્રેક ન આપ્યું.’ વિકાસે મનીષ ગુપ્તાને સમજાવવાની કોશિશ કરી.

‘તું દલીલ બહુ કરે છે મારી સામે. ચુપચાપ સૂચના સાંભળતા શીખ.’ મનીષ ગુપ્તાએ ગુસ્સાથી કહ્યું.

‘જી સર.’ કહીને વિકાસે તેની ઓફિસમાંથી બહાર નીકળી ગયો. તેનો ચેહરો રોવા જેવો થઇ ગયો હતો. ઓફિસના બીજા લોકોએ તે જોયું એટલે સમજી ગયા કે શું થયું હશે. ઓફિસના બધા સ્ટાફ માટે હવે આ સામાન્ય વાત બની ગઈ હતી.

‘યાર આ ગુપ્તાએ તો બધાના નાકમાં દમ કરીને રાખ્યો છે. ગમે તેવું કામ કરો એને પસંદ જ નથી આવતું. પહેલા ચોક્સી સાહેબ હતા તે કેવા શાંત હતા, સૌને પ્રોત્સાહિત કરતા. કોઈ ભૂલ થઇ જાય તો પણ પ્રેમથી સમજાવતા. પણ આ ગુપ્તા તો, બાપ રે.’ પરવેઝે એક દિવસ લંચ બ્રેકમાં બધા સાથે બેઠા હતા ત્યારે કહ્યું.

‘તું એકદમ સાચું બોલી રહ્યો છે પરવેઝ. મારા હાથમાં હોત ને તો તો હું અહીંયા નોકરી જ ન કરત.’ મહેકે પરેશાન થતા કહ્યું. તેને તો મનીષ ગુપ્તા જરાય ગમતો નહોતો.

બધા લોકો વચ્ચે આવી વાત ચાલી રહી હતી કે વિકાસે તેમની સામે એક પ્રસ્તાવ મુક્યો. ‘આપણે કંપનીને રજૂઆત કરીએ કે આ માણસને અહિયાંથી બદલી નાખે. એ રહેશે તો કોઈ શાંતિથી કામ નહિ કરી શકે.’

‘પણ આપણા કહેવાથી એમ કઈ કંપની મેનેજરની બદલી ન કરે. વળી જો હેડઓફિસમાં એવું લાગશે કે આપણે બધા ભેગા મળીને યુનિયનબાજી કરીએ છીએ તો તેમનો આપણા કામ પરથી વિશ્વાસ ઉઠી જશે.’ મહેકે પોતાનો અભિપ્રાય આપ્યો.

‘હું પણ એવું જ ઈચ્છું છું કે આપણે કોઈ સારો બોસ મળે. આખો દિવસ કામ કરવું અને તેમાં પણ આવી કચ કચ ચાલ્યા કરે તો મારુ તો કામ કરવાનું મોટિવેશન ખતમ થઇ જાય છે.’ પરવેઝે પોતાની સમસ્યા કહી અને તેની સાથે બધાયે સહમતી દર્શાવી.

કોઈક રીતે તો આ સમસ્યાનો ઉકેલ લાવવો જ પડશે તેવું ત્રણેયે નક્કી કર્યું. ઓફિસમાં પચીસેક જેટલા લોકો કામ કરતા હતા. પરવેઝ, વિકાસ અને મહેકને ખાતરી હતી કે બીજા લોકો પણ આવું જ વિચારતા હશે અને પોતપોતાના ગ્રુપમાં આ રીતે જ વાત કરતા હશે. પરંતુ પ્રશ્ન એ હતો કે બિલ્લીના ગાળામાં ઘંટડી કોણ બાંધે. બૉસને ચેલેન્જ કોણ કરે. ડાયરેક્ટ હેડક્વાર્ટર સુધી જઈને પહોંચવું કે બીજી કોઈ રીતે અહીં જ ઉકેલ શોધવવાની કોશિશ કરવી એ પણ સમજાતું નહોતું.

થોડા દિવસ વીત્યા. મનીષ ગુપ્તાનો ત્રાસ ઘટ્યો નહિ. કેટલાય લોકો સાથે તેને બોલચાલ થઇ ગઈ. કોઈ કોઈ વખત તો લોકો ગુસ્સો કરીને તેની ઓફિસનો દરવાજો પછાડીને પણ નીકળવા લાગ્યા. કોઈ લોકો બહાર નીકળીને રડી પડતા તેવું પણ થતું. આ સ્થિતિ વધારે ચાલશે તો ખરેખર જ ઓફિસ નહિ ચાલી શકે. પરંતુ કરવું શું? ઉકેલ કેવી રીતે લાવવો.

‘હેલો, મારું નામ માનસી છે. મેં આજે જ ઓફિસ જોઈન કરી છે.’ એક દિવસ સવારે નવી આવેલી યુવતીએ પોતાના તરફ સૌનું ધ્યાન દોરતા કહ્યું. સાડા પાંચ ફૂટ ઊંચી એ યુવતી ઊંચી હિલના સેન્ડલ, દેખાઈ આવે એવું મેકઅપ, બ્રાન્ડેડ મોડર્ન કપડાં અને મોંઘુ પરફ્યુમથી સજ્જ હતી. લોકોની નજર તેના ચેહરા પર જાણે ચોંટી ગઈ.

‘હેલો, ઇઝ એવરિથિંગ ઓલરાઇટ?’ તેણે ફરીથી આવાજ દીધો એટલે લોકોને હોંશ આવ્યા.

‘હેલો માનસી, હેલો માનસી….’ ના અવાજથી રૂમ ગુંજી ઉઠ્યો. તેના આવવાથી જાણે રૂમમાં અલગ પ્રકારની ઉર્જા આવી ગઈ હોઈ તેવું લાગ્યું.

‘યાર, આ છોકરીને જોઈને જ પેલા ગુપ્તાના ચેહરા પર સ્માઈલ આવી જાય છે. તેની સામે તો એ એકદમ મીંદડી જેવો બની જાય છે. એકેયવાર એની સામે ઊંચી અવાજમાં વાત કરતો નથી.’ પરવેઝે એક દિવસ લંચમાં વાત કરી.

‘એવું તો શું છે એમાં?’ મહેકે જરા ચીડાતા પૂછ્યું.

‘એટલી સુંદર છે ને, ભલભલા ગુપ્તા તેની સામે હથિયાર મૂકી દે.’ વિકાસે આંખ મારીને મહેકને વધારે ચીડવી.

‘અચ્છા?’ મહેકે ખભા ઉછળતા કહ્યું.

‘મારો પોઇન્ટ એ છે કે જો આપણે માનસીને કોન્ફિડન્સમાં લઈને કોઈ રીતે ગુપ્તાનો વ્યવહાર સુધારી શકીએ તો ન તો આપણે ફરિયાદ કરવી પડે કે ન તો તેનો વિરોધ કરવો પડે.’ પરવેઝે પોતાનો પોઇન્ટ મુક્યો.

‘પણ એવું કેવી રીતે બને? માનસી સાથે સારો વ્યવહાર કરે એનો અર્થ એવો નથી કે તેનો સ્વભાવ બદલી જાય. અને માનસી સાથે જો એનો વ્યવહાર સારો હોય તો તે આપણી સાથે કેવી રીતે કોઈ પ્લાનમાં શામેલ થાય?’ મહેકે પ્રશ્ન કર્યો.

‘વાત તો તારી સાચી છે. પરંતુ એકવાર માનસીને બોલાવીને આપણે વાત કરીએ. જો ટાઢા પાણીએ ખાસ જતી હોય તો કોઈને કઈંજ નુકશાન ન થાય.’ પરવેઝે વાત આગળ ચલાવી.

‘ઓકેય. લેટ્સ ટ્રાઈ.’ વિકાસ અને મહેક એકસાથે બોલ્યા.

બે સપ્તાહ પછી સૌને નોટિસ મળી કે આજે બપોરે ચાર વાગ્યે કોન્ફરન્સ રૂમમાં મનીષ ગુપ્તા સાહેબ સૌને સંબોધિત કરશે.

‘આ શું છે ભાઈ?’ વિકાસે પૂછ્યું.

‘તું જોતો જા.’ પરવેઝે કોલર હલાવતા સ્ટાઈલમાં કહ્યું.

બપોરે ચાર વાગ્યે બધા કર્મચારીઓ રૂમમાં હાજર હતા. મનીષ ગુપ્તા હાથમાં એક ફાઈલ લઈને પ્રવેશ્યા અને તેની પાછળ પાછળ માનસી પણ આવી. સૌની નજર મનીષ ગુપ્તા કરતા વધારે માનસી પર હતી. બ્લેક કોર્પોરેટ સૂટ, હાઈ હીલના સેન્ડલ અને તેનું હંમેશનું પરફ્યુમ. ચેહરા પર મોહક સ્મિત અને આંખોમાં અજબની મસ્તી.

‘ફ્રેન્ડ્સ, આજે આપણે સૌ એકઠા થયા છીએ એક ખાસ પ્રકારની ટ્રેનિંગ માટે. માનસી આપણી નવી એમ્પ્લોઈ છે અને આજે તે આપણને એક કલાકની ટ્રેનિંગ દ્વારા ઓફિસમાં કાર્યક્ષમતા કેવી રીતે વધારી શકાય તેના અંગે સમજાવશે. ફ્લોર ઇઝ યોર્સ માનસી.’ કહીને એક ખુરસી પર બેસતા મનીષ ગુપ્તાએ માનસીને મંચ પર બોલવા માટે જગ્યા આપી.

‘થેન્ક યુ સર. મારા માટે એક ઑપર્ચ્યૂનિટિ છે કે હું આપ સૌની સમક્ષ ઓફિસની કાર્યક્ષમતા વધારવા અંગે નાની ટ્રેનિંગ આપી રહી છું. ઓફિસ એટલે ઇમારત, કોમ્પ્યુટર, ટેબલ અને સ્ટેશનરી નહિ પરંતુ તેમાં કામ કરતા વ્યક્તિઓ. અહીંની કાર્યક્ષમતા વધારવી હોય તો આ બધા ઉપકરણો અને સુવિધાઓ કરતા વધારે ધ્યાન આપણે લોકો પર આપવું જોઈએ. જો ઓફિસમાં કામ કરતા લોકો ખુશ રહે, મોટીવેટેડ રહે અને કામ પ્રત્યે પ્રેમ ધરાવે તો જ કાર્યક્ષમતા વધી શકે.’

માનસીએ પોતાની ટ્રેનિંગ શરુ કરી. જેમ જેમ તે બોલતી ગઈ અને ઓફિસનું વાતાવરણ પ્રેમ, અંદર અને પરસ્પર સમ્માનથી ભરેલું હોવું જોઈએ, એકબીજાની કદર કરવી જોઈએ, એકબીજાને મદદ કરવી તથા પ્રોત્સાહિત કરવા જોઈએ તેવા પાઠ ભણાવતી ગઈ તેમ તેમ મનીષ ગુપ્તાનો ચેહરો શરમથી ઢળતો ગયો અને બીજા સૌના ચેહરા પર વિજેતા હોવાની લાગણી આવતી ગઈ.

મહેક અને વિકાસે પરવેઝ સામે જોયું અને ઇશારાથી પૂછ્યું કે આ બધું શું છે. પરવેઝે કોલર હલાવ્યો અને સ્ટાઇલ મારી એટલે બંને સમજી ગયા કે આ પૂરું આયોજન તેનું જ છે.

‘સર, આ સિસ્ટમને સારી રીતે લાગુ કરવા માટે આપણે દર મહિને અજ્ઞાત વોટિંગ અને ફીડબેક લેવું જોઈએ. આપણે એક ફોર્મ બનાવીએ જેમાં બધા જ કર્મચારીઓના નામ હોય અને સૌ તેમના પાંચ ગુણ અંગે એક થી દશની રેન્જમાં માર્ક આપે. દર મહિને જેને સૌથી વધારે માર્ક મળે તેણે બેસ્ટ એમ્પ્લોયી ઓફ ધ મન્થ જાહેર કરીયે.’

આખા લેક્ચર દરમિયાન બરાબરના ફસાયેલા મનીષ ગુપ્તાએ કહ્યું, ‘હા, હા, કેમ નહિ. આપણે જરૂર શરું કરવું જોઈએ.’

‘અને તેમાં આપણા બધાના નામ હોવા જોઈએ, બરાબર ને?’ માનસીએ પૂછ્યું.

‘હા હા હોવા જ જોઈએ.’

‘ગુડ. થેન્ક યુ સર. હું આજે જ ફોર્મ બનાવી દઈશ. દર મહિને સૌ એકબીજા સાથે કેટલા આદર, સન્માન, સહકારથી વર્તે છે તેના આધારે આ ફીડબેક આપવામાં આવશે.’

ટ્રેનિંગ પુરી થઇ. સૌ પોતપોતાની ડેસ્ક પર બેઠા. ફોર્મ બધાને પહોંચાડવામાં આવ્યા. ત્યારબાદ મનીષ ગુપ્તા ક્યારેય કોઈની સામે ઊંચા અવાજે બોલી પણ જાય કે તરત જ પોતાનો ટોન બદલી નાખતો. એકવાર સિસ્ટમ શરું કરી એટલે હવે તેમાંથી બચવાનો કોઈ ઉપાય તેની પાસે નહોતો.