ગુજરાતમાં ડોલ્ફિનનું સફળ સંરક્ષણ : ૬૮૦થી વધુ નોંધાઈ

ગાંધીનગર: વન્યજીવોની સાથેસાથે સૌથી સુંદર અને આકર્ષક જળચર જીવ એવા ‘ડોલ્ફિન’ના સંરક્ષણ-સંવર્ધનમાં ગુજરાતે દેશભરમાં મહત્વનું યોગદાન આપ્યું છે. વર્ષ ૨૦૨૫ની છેલ્લી ગણતરી મુજબ ગુજરાતના ૪,૦૮૭ ચો.કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે ૬૮૦થી વધુ ડોલ્ફિન નોંધાઈ છે.

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, જળચર તેમજ વન્યજીવ પ્રવાસન ક્ષેત્રે ગુજરાતે મોટી હરણફાળ ભરી છે. રાજ્યના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ એવા શિવરાજપુર અને પોશિત્રાનો દરિયાકિનારો ડોલ્ફિન જોવા માટે ‘બેસ્ટ સ્પોટ’ તરીકે ઊભરી આવ્યા છે, કારણ કે અહીંનું પાણી ખૂબ જ સ્વચ્છ હોવાથી ડોલ્ફિન સરળતાથી નજરે પડે છે.

કચ્છનો અખાત બન્યો ડોલ્ફિનનું મુખ્ય ઘર

મંત્રી અર્જુન મોઢવાડિયાએ ઉમેર્યું કે, છેલ્લા ૧૨ વર્ષમાં મેન્ગ્રુવની સાથે જળચર પ્રાણીઓના વિકાસ માટે અનેક સંયુક્ત પ્રયાસો કરાયા છે.

  • મરીન નેશનલ પાર્ક (ઓખાથી નવલખી): ૧,૩૮૪ ચો.કિ.મીના વિસ્તારમાં સૌથી વધુ ૪૯૮ ડોલ્ફિન હોવાની સંભાવના છે.

  • કચ્છ વર્તુળ (ઉત્તર ભાગ): ૧,૮૨૧ ચો.કિ.મી. વિસ્તારમાં ૧૬૮ ડોલ્ફિન.

  • ભાવનગર વિસ્તાર: ૪૯૪ ચો.કિ.મી.માં ૧૦ ડોલ્ફિન.

  • મોરબી વિસ્તાર: ૩૮૮ ચો.કિ.મી.માં ૪ ડોલ્ફિન નોંધાઈ છે.

આમ, કચ્છના અખાતમાં આવેલો ભારતનો આ પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ડોલ્ફિનનું મુખ્ય આશ્રયસ્થાન બન્યો છે. આ સંરક્ષણ કાર્યમાં કચ્છથી ભાવનગર સુધીના માછીમારોનું યોગદાન પણ પ્રશંસનીય રહ્યું છે.

શિકાર કરવો એ જામીનપાત્ર ગુનો નથી

ડોલ્ફિન એ લુપ્ત થતી પ્રજાતિઓમાં સામેલ હોવાથી તેનો શિકાર કરવો કે તેને નુકશાન પહોંચાડવું એ કાયદાકીય રીતે બિન-જામિનપાત્ર ગુનો છે. સ્વસ્થ સમુદ્રી ઇકોસિસ્ટમ અને આહાર શ્રૃંખલાનું સંતુલન જાળવવામાં ડોલ્ફિન અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે.

ગુજરાતની ડોલ્ફિનની વિશેષતાઓ

ગુજરાતના દરિયામાં મુખ્યત્વે બે પ્રકારની ડોલ્ફિન જોવા મળે છે:

૧. ઇન્ડો-પેસિફિક હમ્પબેક ડોલ્ફિન: વિશિષ્ટ ખૂંધ અને પૂંછડીથી ઓળખાતી આ ડોલ્ફિન અરબી સમુદ્રમાં વધુ જોવા મળે છે. જે આશરે ૨.૫ થી ૩.૨ મીટર લાંબી અને ૧૫૦ થી ૨૫૦ કિગ્રા વજન ધરાવે છે.

૨. બોટલનોઝ ડોલ્ફિન: આકર્ષક શરીર અને ‘બોટલ’ જેવા મોઢાના આકારવાળી આ ડોલ્ફિન પોતાના મૈત્રીપૂર્ણ સ્વભાવ માટે જાણીતી છે.

સસ્તન પ્રાણી હોવાના કારણે ડોલ્ફિનને માછલીઓની જેમ ચૂઇ હોતી નથી, જેથી તે ફેફસાં દ્વારા શ્વાસ લેવા દર થોડી મિનિટે પાણીની સપાટી પર બહાર આવે છે. આ અદ્ભુત દ્રશ્ય પ્રવાસીઓ માટે મોટું આકર્ષણ કેન્દ્ર બન્યું છે. ઉલ્લેખનીય છે કે ગંગા ડોલ્ફિન એ ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી છે, જેને ૫ ઓક્ટોબર ૨૦૦૯ના રોજ માન્યતા આપવામાં આવી હતી.