અમેરિકામાં દિવાળી પહેલાં દિવાળી!

“આવજો કહી રહેલા શરદપૂનમનીનાં ગરબા સાથે દિવાળી પહેલા એકબીજાને મળી હેપી દિવાળી કહેવાનો આનંદ પણ અલગ હોય છે. જે પરદેશમાં જ શક્ય બને છે.”

દિવાળી માત્ર ભારતમાં જ નહિ પરંતુ ભારતની બહાર પણ રંગેચંગે ઉજવાય છે. તેની એક ઝલક અમેરિકામાં ડેલાવર સ્ટેટનાં ગુજરાતી સમાજ દ્વારા ઉજવાઈ ગયેલી દિવાળી પૂર્વેની દિવાળીનું આયોજન જોતા સમજાય છે.

દિવાળી આવે તે પહેલા જ તેનો ઉલ્લાસ જણાય છે. પાંચ દિવસનો તહેવાર અહી પંદર દિવસ ચાલે છે. દિવાળીનો તહેવાર વિશ્વના દરેક દેશમાં ધામધૂમથી ઊજવાય છે અને અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીયો રહેતા હોવાથી તેનું મહત્ત્વ અહીં વધી જાય છે. ડેલાવર ભલે નાનું સ્ટેટ છે પરંતુ અહી ગુજરાતીઓની સંખ્યા પ્રમાણમાં ઘણી છે.

ડેલાવરના ગુજરાતી સમાજના પ્રેસીડેન્ટ કાશ્મીરાબેન પટેલે સમાજના બીજા ટીમ મેમ્બર્સ સાથે મળીને સુંદર આયોજન કર્યું હતું. આ ફેસ્ટીવલને વધુ જાનદાર બનાવવા સરગમ મ્યુઝીકલ ગ્રુપને બોલાવાયું હતું જ્યાં લાઈવ હિન્દી નવા જુના ગીતો સાથે ગોરલ, સ્મિતા અને જ્હોને સુંદર પર્ફોમન્સ આપ્યું હતું.

 

આ સેલિબ્રેશનમાં આશરે 375 મહેમાનો હાજર રહ્યા હતા. જ્યાં ગુજરાતી ટ્રેડીશનલ ફૂડ સાથે લાઈવ મ્યુઝીકનો લ્હાવો હતો.

“દિવાળી એટલે રંગ દીપ અને ઉલ્લાસ” દેશથી દૂર રહીને પણ સંસ્કૃતિને જાળવી રાખવાનો પૂરો પ્રયત્ન કરાવાય છે.. આ સાથે શરદપૂર્ણિમા નિમિત્તે ગરબા અને દૂધપૌઆનું પણ આયોજન કરાયું હતું.

દિવાળીની ઉજવણી સુંદર મઝાના હોલમાં કરાઈ હતી. અંદર દાખલ થતાની સાથે સુંદર રંગોળી અને દીવડાઓ નજરે ચડતા. બધા સુંદર ટ્રેડીશનલ ડ્રેસ અને સાડીઓ પહેરીને આવ્યા હતા. જોતાજ લાગતું કે દિવાળી આંગણે આવી ગઈ.

અમેરિકામાં લગભગ દરેક સ્ટેટમાં એક કે એકથી વધારે ભારતના અલગ અલગ પ્રાંતોના સમાજની ગોઠવણી છે. જેના દ્વારા આવી અનેક પ્રવૃત્તિઓ ચાલે છે જ્યાં સંસ્કૃતિની જાળવણી અને તહેવારોની ઉજવણી માટે અનેક કાર્યો થતા રહે છે. આ માત્ર એક વ્યક્તિનું કાર્ય નથી અહી સહુએ સાથે મળીને કાર્ય કરવાના રહે છે.

રેખા પટેલ (ડેલાવર)