અમદાવાદ– વિધાનસભા ચૂંટણી માટે ગતિમાન પ્રચારકાર્યમાં રોજેરોજ બંને પક્ષ નવાં તરકસ છોડે છે. આ વખતે ભાજપે નવું તરકસ છોડવા સોશિઅલ મીડિયાનો સહારો લીધો છે. ભાજપની સોશિઅલ મીડિયા કેમ્પેઇનિંગમાં મોદી વિરુદ્ધ અન્યનો સીનારિયો સર્જવાનું નક્કી કરાયું છે ત્યારે મોદીના કામના પ્રચાર કરતી નવી રણનીતિ અજમાવાઇ રહી છે.
સોશિઅલ મીડિયા પર બંને પક્ષોના કાર્યકર્તાઓ જામી પડ્યાં છે પણ ભાજપના પેજ પર મોદીના પાંચેક વિડીયોમાંથી ચારમાં વડાપ્રધાન મોદીના જ છે. પક્ષના પેજ પર ‘મોદી છે ને’ #ModiCheNe એવા હેશટેગ સાથે અપલોડ કરાયાં છે.વિડીયોની થીમમાં કહેવાયું છે કે મોદી છે તો ગુજરાત સેફ છે. આ ઉપરાંત અન્ય એક વિડીયો સીરીઝ-‘હું છું વિકાસ’ નામથી રીલીઝ થયો છે. જેમાં મુખ્યપાત્ર તરીકે જાણીતાં અભિનેતા મનોજ જોશી નજરે પડી રહ્યાં છે. તેઓ આ વિડીયોમાં વિકાસના પાત્ર સાથે કોંગ્રેસ અને જાતિઆધારિત રાજનીતિ કરવાવાળાઓ પર બોલી રહ્યાં છે. તેમાં એમ પણ કહેવાયું છે કે એક ગુજરાતી જે ભારતને આખા વિશ્વમાં સર્વશ્રેષ્ઠ બનાવવા જઇ રહ્યો છે. આ વિડીયોને પાંચ લાખથી વધુ લોકોએ જોઇ લીધો છે.
2002 પછી પ્રથમવાર ભાજપ નરેન્દ્ર મોદી વિના ચૂંટણી લડી રહ્યો છે પણ ફક્ત તેમનું જ નામ લઇને લડી રહ્યો છે અને આ ચૂંટણીમાં પણ વિકાસનો મુદ્દો જ ઉઠાવી રહ્યો છે.