ભાજપનાં MP કંગના રણોતે રાહુલ ગાંધીને કહ્યું, ‘કલંક’

નવી દિલ્હીઃ ભાજપનાં સાંસદ અને અભિનેત્રી કંગના રણૌતે કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને એક કલંક ગણાવ્યા છે. સાંસદ કંગનાએ આક્ષેપ મૂક્યો છે કે રાહુલ ગાંધી દરેક જગ્યાએ જઈને ભારતને બદનામ કરે છે.

કંગના રણૌત શું બોલ્યાં?

રાહુલ ગાંધી પર નિશાન સાધતાં કંગનાએ કહ્યું હતું કે તેઓ એક કલંક છે. બધાને ખબર છે કે તેઓ દરેક જગ્યાએ દેશને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે, દેશની ટીકા કરે છે. જો તેઓ દેશની ટીકા કરે છે, કહે છે કે અહીંના લોકો ઝઘડાળુ છે, અહીંના લોકો ઈમાનદાર નથી, તો આ બધાથી તેઓ બતાવવા માગે છે કે ભારતના લોકો નાસમજ છે. જો તેઓ આ જ કહેવા માગે છે, તો એ કારણે હું તેમને કલંક કહું છું. તેઓ હંમેશાં દેશને શર્મનાક સ્થિતિમાં મૂકે છે. દેશને પણ તેમના પર શરમ આવે છે.

હકીકતમાં, કંગના રણૌત દિલ્હીમાં ખાદી મુદ્દે વાત કરી રહ્યાં હતાં. એ દરમિયાન કંગનાએ કહ્યું  હતું કે તમે જોઈ શકો છો કે મેં ખાદીની સાડી અને ખાદીનો બ્લાઉઝ પહેર્યો છે. આપણા સ્વદેશી કપડાં અને ફેબ્રિકની આજે આખી દુનિયામાં ભારે માગ છે. જેમ વડાપ્રધાન કહે છે, દુર્ભાગ્યવશ આપણે ચીજવસ્તુઓ માટે બીજા દેશો પર આધાર રાખવો પડે છે, તેથી હવે સંપૂર્ણપણે આત્મનિર્ભર બનવાનો સમય છે. આ પ્રયાસમાં ભલે અમે ખાદીનાં કપડાં ખરીદીએ છીએ, પરંતુ વડા પ્રધાને ‘મન કી વાત’ કાર્યક્રમમાં એક અપીલ કરી હતી, જેમાં તેમણે ખાસ કરીને કહ્યું હતું કે બીજી ઓક્ટોબરે ખાદી ખરીદવા આવવું જોઈએ. તેથી, તેમના શબ્દોનો માન રાખતાં, અમે આજે અહીં આવ્યા છીએ.