એક સમયે ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ ધરાવતી ભાવનગરની બેઠક નવા સીમાંકન પછી ધીમેધીમે કોળી મતદારોનું પ્રભુત્વ ધરાવતી બેઠક બની ચૂકી છે અને એટલા માટે જ ભાજપ અહીં દબંગ નેતા પુરુષોત્તમ સોલંકીની અવગણના કરી શકતો નથી તો કૉંગ્રેસ પણ કોળી મતદારોને નારાજ કરી શકવાની સ્થિતિમાં નથી.
2014 અગાઉની ભાજપની છએ છ જીતમાં ક્ષત્રિય ઉમેદવાર ઊભા રાખ્યા હતા, જ્યારે 2014માં પહેલીવાર કોળી સમાજ અને મહિલા ઉમેદવાર તરીકે ભારતીબહેન શિયાળને ટિકિટ આપી હતી અને એમણે કૉંગ્રેસના પ્રવીણભાઈ રાઠોડને આશરે ત્રણ લાખ મતોથી પરાજય આપ્યો હતો. 1996થી 2009 સુધીની સળંગ પાંચ લોકસભા ચૂંટણીમાં ભાજપના રાજેન્દ્રસિંહ રાણા આ બેઠક પરથી જીત્યા હતા. આ બેઠક પર ભાજપ સાત વાર તો કૉંગ્રેસ માત્ર બે જ વાર જંગ જીતી શક્યો છે. 2009ની ચૂંટણીમાં ભાજપથી છુટ્ટા પડેલા ગોરધન ઝડફિયા અહીંથી ત્રીજા પરિબળ તરીકે મેદાનમાં હતા અને તીવ્ર સ્પર્ધા વચ્ચે રાજેન્દ્રસિંહ રાણા સાંકડી સરસાઈથી જીતી શક્યા હતા. જોકે 2014માં ભાજપે રાજેન્દ્રસિંહ રાણાની જગ્યાએ કોળી સમાજનાં ડૉ. ભારતીબહેન શિયાળને ટિકિટ આપી હતી.
ભાજપે ભારતીબહેનને ફરી ઉમેદવાર તરીકે મેદાનમાં ઊતાર્યાં છે તો કૉંગ્રેસ માટે કોઈ મજબૂત આગેવાનની ગેરહાજરીમાં ટિકિટ ફાળવણી છેલ્લી ઘડી સુધી અઘરી બની હતી. છેવટે સૌરાષ્ટ્રના પટેલ ફેક્ટરને ધ્યાનમાં રાખીને કૉંગ્રેસે મનહર પટેલને ટિકિટ આપી છે.
કોળી સમાજની પ્રભાવશાળી ભાવનગર બેઠક પહેલી નવ ચૂંટણીમાં કૉંગ્રેસની મજબુત પકડમાં હતી. જોકે છેલ્લી સતત 7 ચૂંટણીથી આ વિસ્તાર ભાજપનો ગઢ છે. કુલ 17,57,409 મતદારો ધરાવતી આ બેઠક પર 5,25,000 મતો કોળી સમાજના છે. એ ઉપરાંત, 2,50,000 પટેલ, 2,00,000 ક્ષત્રિય અને 2,75,000 દલિત મતદારો છે. આ લોકસભા મતવિસ્તારમાં તળાજા, પાલિતાણા, ભાવનગર(ગ્રામીણ), ભાવનગર(પૂર્વ), ભાવનગર(પશ્ચિમ), ગઢડા ને બોટાદ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે, જેમાંથી બે કૉંગ્રેસ અને પાંચ ભાજપ પાસે છે.
આ બેઠક એટલા માટે પણ મહત્વની છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ભાવનગરના ધારાસભ્ય છે એટલે આ બેઠક જીતવી ભાજપની પ્રતિષ્ઠાનો પણ પ્રશ્ન છે.
આ બેઠક પર 10 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.