નવી દિલ્હીઃ અતિ રસપ્રદ બની રહેલી લોકસભાની આ ચૂંટણીમાં પરિણામોને લઇને રહસ્ય વધારે ઘેરૂં બનતું જાય છે. કોઇ કહે છે વેવ છે તો કોઇ કહે છે વેવ નથી, પણ કોઇ પરિણામ શું આવશે એ કહી શકવાની સ્થિતિમાં નથી.
12 મે ના રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન થશે એમાં દિલ્હી પણ જોડાશે. સિયાસતના આ જંગમાં કેવાક છે દિલ્હીના રાજકીય સમીકરણો? વાંચો…..
(પ્રૉ. ઉજ્જવલ કે. ચૌધરી)
પાંચ ચરણ પૂરા કર્યા પછી હવે 2019 ની લોકસભાની ચૂંટણી ધીમે ધીમે એના અંતિમ બે ચરણ તરફ આગળ વધી રહી છે. આ બન્ને તબક્કામાં ઉત્તર પ્રદેશ અને બંગાળ જવા રાજયોની મહત્વની બેઠકોનો સમાવેશ તો થાય જ છે, સાથે સાથે એમાં એક શાહી જંગનો પણ સમાવેશ થાય છે.
એ શાહી જંગ છે રાજધાની દિલ્હીનો. 12 મે ના રોજ દિલ્હીની 7 બેઠક પર મતદાન થશે. સંખ્યાની દષ્ટિએ ઉત્તર પ્રદેશ અને બંગાળ મહત્વના રાજયો છે એની ના નહીં, પણ દિલ્હીનું રાજકીય મહત્વ બીજી અનેક દષ્ટિએ વિશેષ છે. કદાચ એટલે જ દિલ્દીની આ 7 બેઠક પર બધાની નજર છે.
એક વાત સ્પષ્ટ છે. આ વખતે અહીં 2014 ની જેમ કોઈ લહેર નથી. 2015 માં પણ મોદી લહેરની સામે ય વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી-આપ નો ભવ્ય વિજય થયો હતો. આ વખતે, કોઇ પક્ષની તરફેણ કે વિરુધ્ધમાં જુવાળનો દેખીતો અભાવ હોવાથી જોવાનું એ જ છે કે જંગે ચડેલા ઉમેદવારોમાં કોનો સ્થાનિક સંપર્ક સૌથી મજબૂત પૂરવાર થાય છે. ઉમેદવારની વ્યક્તિગત લોકપ્રિયતા, સ્થાનિક સંપર્ક અને કાર્યકર્તાઓનું નેટવર્ક મહત્વનાં પૂરવાર થશે.
દિલ્હીની સાતેય લોકસભા બેઠકો હાલ ભાજપના કબ્જામાં છે, પણ વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં 70માંથી માત્ર 3 જ બેઠક ભાજપ પાસે રહી હતી, જ્યારે બાકીની બધી આમ આદમી પાર્ટીએ જીતી હતી. કૉંગ્રેસ પાસે એકેયમાં પ્રતિનિધિત્વ નથી એટલે પહેલી નજરે જંગ સ્પષ્ટ રીતે ભાજપ અને આપ વચ્ચે છે.
રહી વાત કોંગ્રેસની, તો કૉંગ્રેસને અહીં ત્રિકોણીય જંગમાં મહત્વની પાર્ટીને બદલે મત તોડનારી પાર્ટી તરીકે જોવામાં આવે છે. મુસ્લિમ અને દલિતો મતદારોનો કૉંગ્રેસનો પરંપરાગત વૉટર-બેઝ દિલ્હીમાં હવે મોટાભાગે આપ સાથે છે. કૉંગ્રેસે ત્રણ વખત દિલ્હીનાં મુખ્યમંત્રી રહી ચૂકેલાં શીલા દિક્ષિત, જેપી અગ્રવાલ, અજય માકન જેવાં વરિષ્ઠ નેતાઓ અને નોન-પોલિટિકલ ગણાય એવા જાણીતા બોક્સર વિજેન્દ્ર સિંહ જેવા ઉમેદવારોને ઊભા રાખ્યા છે. રાજધાનીની સ્થાનિક સમસ્યાઓ અને પ્રદૂષણ, ડેવલપમેન્ટ, સુરક્ષા તથા રાજ્યના દરજ્જા જેવા મહત્વના મુદ્દાઓ પ્રત્યે કોંગ્રેસે દુર્લક્ષભર્યું વલણ દાખવ્યું છે. પક્ષમાં જ ભાજપવિરોધી ખેમાના આગ્રહ છતાં કૉંગ્રેસ દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવામાં નિષ્ફળ રહી એ પણ કૉંગ્રેસના નબળા પ્રદર્શન માટે કારણભૂત બનશે. અજય માકન સિવાય કૉંગ્રેસનો એક પણ ઉમેદવાર ભાજપ કે આપના ઉમેદવારને લડત આપી શકે એવું દેખાતુ નથી.
આ તરફ, 2014 માં સાતેય બેઠક જીતનારા ભાજપના ઉમેદવારો પાસે હવે મોદી લહેર જેવો કોઈ વધારાનો ફાયદો આ વખતે નથી. ઉલ્ટાનું, ડિમોનીટાઈઝેશનની આડઅસર, ગૂંચવાડાભર્યા જી.એસ.ટી. અને વ્યાપક રીતે કમર્શિયલ પ્રોપર્ટીઝ પર સીલબંદી વગેરેની નકારાત્મક અસરનો સામનો પણ ભાજપના ઉમેદવારોએ કરવાનો છે. ઉપરાંત, સેલિબ્રિટી ઉમેદવાર ક્રિકેટર ગૌતમ ગંભીર અને ગાયક હંસરાજ હંસના લીધે ભાજપના અગ્રણીઓ ધારે છે એવો ફાયદો પક્ષને થવાની સંભાવના પણ ઓછી છે. ગૌતમ ગંભીર સાથે એ બે મતવિસ્તારના મતદાર આઈડી ધરાવતા હોવાનો વિવાદ સંકળાયેલો છે, તો પંજાબથી આવેલા હંસરાજ હંસ અત્યાર સુધી ચાર પોલિટિકલ પાર્ટીમાં આંટાફેરા કરી આવ્યા છે. ભાજપના જ સીટિંગ સાંસદ રમેશ બિધુરી સામે એકથી વધારે ગંભીર ક્રિમિનલ કેસો બોલી રહ્યા છે. હા, પક્ષના અન્ય ઉમેદવારોમાં કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધન, સુપ્રીમ કોર્ટનાં વકીલ મિનાક્ષી લેખી અને યુવા લીડર પ્રવીણ વર્મા વ્યક્તિગત રીતે સારા જાહેરજીવનને લીધે મજબૂત સ્થિતિમાં છે.
વળી, ભાજપે સીટિંગ સાંસદ અને દલિત આગેવાન ડૉ. ઉદિત રાજને ટિકિટ ન આપતા એમણે અત્યંત નારાજગી જાહેર કરી છે એ બાબત દલિત મતો પર નકારાત્મક અસર કરી શકે છે. કમર્શિયલ પ્રોપર્ટી પર સીલબંધીના મુદ્દાને લીધે દિલ્હીમાં ભાજપ તો નુકસાનમાં છે જ, પણ એનાથી સૌથી વધારે છબી ખરાડાઈ છે દિલ્હીના ભાજપ વડા અને સીટિંગ સાંસદ મનોજ તિવારીની.
બીજી તરફ, આમ આદમી પાર્ટી રાજ્યમાં રાજય સરકારની સફળ કામગીરીના મુદ્દે ચૂંટણી લડી રહી છે. શિક્ષણ ક્ષેત્રે, મહોલ્લા ક્લિનિક દ્વારા જાહેર સ્વાસ્થ્ય માટે, સસ્તા ભાવે પાણી ને વીજળીની સુવિધા, રૉડ ને બ્રિજ નિર્માણ અને ઘરના દરવાજે સરકારી સેવા વગેરે જેવા પગલાંને લીધે દિલ્હીમાં આપનું પલડું ઘણું ભારે છે. આપ લોકસભાની આ ચૂંટણી દિલ્હીના રાજ્ય તરીકેના દરજ્જાના મુદ્દા પર લડી રહ્યો છે. આ મુદ્દો એક સમયે ભાજપ અને કૉંગ્રેસ બન્ને પક્ષના મેનિફેસ્ટોમાં હતો, પણ આમ આદમી પક્ષના ઉદય સાથે એ બન્ને પક્ષોએ આ મુદ્દો ફગાવી દીધો છે. 16 લાખ જેટલા મતદારોએ દિલ્હીના રાજ્ય તરીકેના દરજ્જા માટેની પીટિશન પર સહી પણ કરી છે. આપના બે ઉમેદવારોની સ્થિતિ ઘણી સારી ગણી શકાય છે. એમાં એક તો શિક્ષણમાં મોટા પાયે પરિવર્તન લાવનારાં આતિશી માર્લેના અને દિલ્હી બજેટ માટેના સલાહકાર ચાર્ટડ એકાઉન્ટન્ટ રાઘવ ચડ્ડા. આ ઉપરાંત, રાજ્યમાં પક્ષના વડા દિલીપ પાંડે પણ સારું પ્રદર્શન કરે એવી શક્યતા છે.
ઇન શોર્ટ, રાજધાનીમાં જંગ અત્યારે તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નહીં, પણ ભાજપ અને આપ વચ્ચે હોય એવું દેખાઇ રહયું છે. દિલ્હીમાં પબ્લિક ઓપિનિયનના અભ્યાસ પરથી ભાજપને 4થી 5 અને આમ આદમી પાર્ટીને 2થી 3 બેઠક મળે એવી સંભાવના છે.
(લેખક નવી દિલ્હીસ્થિત મીડિયા એકેડેમિક અને કોલમિસ્ટ છે)