ગુજરાતની જે લોકસભા બેઠકોમાં જોરદાર રસાકસી જામશે એવી બેઠકોમાં એક બેઠક અમરેલી લોકસભા બેઠક પણ છે. ભાજપનો ગઢ ગણાતી અમરેલી લોકસભા બેઠક પર 1989થી 2014 સુધીની 8 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર એક વાર જીતી છે. 1989માં જનતા દળના મનુભાઈ કોટડિયા જીત્યા ત્યારથી શરૂ કરીને 2014માં નારણભાઈ કાછડિયાની બીજી વાર જીત થઈ ત્યાં સુધીમાં 2004ના અપવાદને બાદ કરતાં અહીં કોંગ્રેસ જીતી નથી. 1989માં ભાજપ અને જનતા દળ વચ્ચે સમજૂતી હતી તેથી ભાજપે પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો નહોતો. 1991થી ભાજપે પોતાનો ઉમેદવાર ઉભો રાખવાનું શરૂ કર્યું. એ પછી થયેલી 7 ચૂંટણીમાંથી છ ચૂંટણી ભાજપ જીત્યો છે.
2014માં નારણભાઈ વીરજી ઠુમર સામે દોઢ લાખ કરતાં વધુ મતોની સરસાઈથી જીત્યા હતા.
2004માં કોંગ્રેસના વીરજી ઠુમરે દિલીપ સંઘાણીને હરાવીને મોટો આંચકો આપી દીધેલો. એ હાર સાથે સંઘાણીનું વર્ચસ્વ તૂટ્યું પણ ઠુમર પણ ફરી પોતાની જીતને દોહરાવી ના શક્યા. 2009માં નારણભાઈ કાછડિયાએ વીરજીભાઈ ઠુમરનાં પત્ની નીલાબેનને અને 2014માં ખુદ વીરજી ઠુમરને હરાવીને સળંગ બે વાર આ બેઠક ભાજપને અપાવી છે. અમરેલી બેઠકનો ઈતિહાસ ભાજપની તરફેણ કરે છે પણ 2017ની વિધાનસભા ચૂંટણીમાં સમીકરણો એકદમ બદલાઈ ગયાં
અમરેલી લોકસભા બેઠક હેઠળ ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા, મહુવા અને ગારીયાધાર એમ 7 વિધાનસભા મતવિસ્તાર આવે છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માત્ર 2 બેઠકો જીતી શક્યો ને કોંગ્રેસે 7 બેઠકો જીતીને સપાટો બોલાવી દીધો. ભાજપે જીતેલી બંને બેઠકો સાવ પાતળી સરસાઈથી હતી. 2017નાં પરિણામો પ્રમાણે અહીં ભાજપ કરતાં કૉંગ્રેસ હાલ કુલ મતોમાં 42,000 જેટલા મતોની સરસાઈ ભોગવે છે.
મહુવા બેઠક પર ભાજપના રાઘવભાઈ મકવાણા 5009 મતે જીતેલા જ્યારે ગારિયાઘારમાં તો કેશુભાઈ નાકરાણી માત્ર 1876 મતે જીતેલા. આ બે જીત સામે ભાજપના 3 ધુરંધરોને કોંગ્રેસે ધૂળચાટતા કરી દીધેલા. અમરેલીમાં કોંગ્રેસના પરેશ ધાનાણી સામે ભાજપના ધુરંધર બાવકુ ઉંઘાડ હતા. ધાનાણીએ ઉંઘાડને 12029 મતે હાર આપેલી.
કોંગ્રેસે અમરેલીમાં મેળવેલી આ ભવ્ય જીત માટે પાટીદાર અનામત આંદોલન જવાબદાર હતું. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનની અસર સૌથી વધારે 3 જિલ્લામાં વર્તાઈ હતી. ઉત્તર ગુજરાતનું મહેસાણા આ આંદોલનનું એપીસેન્ટર હતું તો સૌરાષ્ટ્રમાં અમરેલી અને મોરબી એ બંને જિલ્લા પણ પાછળ નહોતા.
કૉંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ આ બેઠક માટે દાવેદારી નોંધાવી હતી, પણ છેવટે સર્વસંમત નામ તરીકે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીનું નામ નક્કી થયું. સામે ભાજપે સીટિંગ સાંસદ નારણભાઈને રિપિટ કર્યા છે.
આ બેઠક પર નિર્ણાયક પરિબળ પાટિદારોના મતો કોના તરફ વળે છે એ બાબત છે.
આ વખતે 12 ઉમેદવારોએ આ બેઠક માટે ઉમેદવારી નોંધાવી છે.