નવા સિંમાકન બાદ 2009માં અસ્તિત્વમાં આવેલી આ બેઠક પર છેલ્લી બન્ને ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે. શહેર વિસ્તારમાં આવતી પણ આ અનામત બેઠક પર ભાજપની પકડ છે. જ્યારે કોંગ્રેસ પાસે મજબૂત નેતાગીરીનો અભાવ જોવા મળ્યો છે.
છેલ્લી બન્ને ચૂંટણીમાં ભાજપના કિરીટ સોલંકી જીત્યા છે એટલે ભાજપે એમને રિપિટ કર્યા છે. કોંગ્રેસના સિનિયર નેતા શૈલેષ પરમાર વર્ષ 2009માં હાર્યા હતા. આ વખતે કૉંગ્રેસે રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા રાજુ પરમારને ટિકિટ આપી છે.
અમદાવાદ પશ્ચિમ બેઠકમાં એલિસબ્રિજ, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, અસારવા મળી કુલ 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, જેમાંથી ચાર ભાજપ અને ત્રણ કૉંગ્રેસ પાસે છે. જોકે અહીં કુલ મતોમાં કૉંગ્રેસ ભાજપ કરતાં ઘણા 1,91,000 જેટલા મતોથી પાછળ છે.
અમદાવાદ પશ્ચિમ બેઠકમાં 16,27,399 મતદારોનો છે. જેમાં અંદાજીત પટેલ મતદારોની સંખ્યા 2,30,448, વણિક 1,28,597, દલિત 2,60,229 અને મુસ્લિમ મતદારોની સંખ્યા 2,62,743 જેટલી છે.
ગુજરાતના શહેરી વિસ્તારો ભાજપના ગઢ છે અને આ ગઢમાં ભાજપને હરાવવો સામાન્ય રીતે અઘરો છે.
આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 4 બેઠકો મળી જ્યારે કોંગ્રેસ તેની લગોલગ 3 બેઠકો પર પહોંચી ગયો. 2012માં ભાજપે 7માંથી 5 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસના ભાગે 2 બેઠકો આવી હતી. આ વખતે કોંગ્રેસે ભાજપ પાસેથી 1 બેઠક આંચકી લીધી. આ બેઠક પણ વરસોથી ભાજપનો ગઢ ગણાતી ખાડિયા-જમાલપુર બેઠક હતી
બન્ને પક્ષ માટે મહત્વનું પરિબળ છે કે આ બેઠક પર ભાજપનું સંગઠન ઘણું મજબુત છે, જ્યારે કૉંગ્રેસમાં સંગઠનનો અભાવ છે.
આ બેઠક પરથી લોકસભામાં જવા માટે અત્યારે 13 ઉમેદવારો જંગમાં ઊભા છે.