પરંતુ કુમાર, આ રાજકારણી લોકો છે, તેની સામે વેર ન લેવાય!!!

કુમાર શાળામાં શિક્ષક તરીકે જોડાયો ત્યારથી લઈને આજ સુધીની સફર કઈ ખાસ રસપ્રદ રહી નહોતી. પોતે ભણાવવામાં ખુબ સારો હતો એટલે બધા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં લોકપ્રિય બનેલો. નબળા છોકરાઓને મદદ કરે એટલે તેમના માતા-પિતા વધારે પ્રભાવિત થાય. સ્વભાવે શાંત એટલે સાથી શિક્ષકોમાં પણ કોઈ સાથે લડાઈ ઝગડો ક્યારેય ન થાય. મિતભાષી કુમાર વધારે બોલે નહિ અને ક્યાંય આગળ થવાની કોશિશ ન કરે. પોતાના કામ પૂરતું કામ રાખે અને સૌ સાથે સલામ-નમસ્તે કરીને પોતાના ઘરે રવાના થાય. ક્યારેય શાળા છૂટ્યા પછી બીજા કોઈ શિક્ષકો કે શાળાના અન્ય કર્મચારીઓ સાથે કે પછી કોઈ વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ કે શાળાના ટ્રસ્ટીઓ સાથે પણ સંપર્ક ન કરે, ફોન ન કરે કે ઘરે આવવા જવાનો વહેવાર ન બનાવે. એકંદરે કહીએ તો કુમાર શાળાનો તદ્દન બિનવાચાળ સભ્ય કહી શકાય.

તેની નોકરીને બારેક વર્ષ થયા હશે ત્યારે પ્રિન્સિપાલનો નિવૃત્તિ થવાનો સમય આવ્યો. બધા શિક્ષકોમાં ચડસા ચડસી થવા લાગી અને પોતે કેવી રીતે પ્રિન્સિપાલની ખુરશી પર બેસી શકે તે માટે બધા જ મહત્ત્વાકાંક્ષી શિક્ષકો પ્રયત્નો કરવા લાગ્યા હતા. ખાસ કરીને જે લોકો વરિષ્ઠ હતા અને વધારે અનુભવ ધરાવતા હતા તેઓ પોતાને મજબૂત દાવેદાર માનતા હતા તેમાં કોઈ નવાઈ નહિ. પરંતુ તેની સામે જે નવા શિક્ષકો હતા તે શૈક્ષણિક લાયકાત વધારે ધરાવતા હતા, ડબલ ગ્રેજ્યુએટ કે માસ્ટર કે પછી બીજી કોઈ ડિગ્રી મેળવી હતી તેના આધારે તેઓએ પણ પોતાની ઉમેદવારી જાહેર કરવા માંડેલી. શાળાના ટ્રસ્ટીઓ બહારથી પ્રિન્સિપાલ નહિ લાવે તે વાતની સૌને ખાતરી હતી પરંતુ કોનો વારો એ ઓફિસમાં બેસવાનો આવશે તેની કોઈ ગેરંટી નહોતી જેને કારણે દરેક વ્યક્તિ અસુરક્ષિત તથા લાયક ગણાતી હતી. કોઈનેય પોતાના સંપૂર્ણ યોગ્ય હોવાનો વિશ્વાસ આવી શકે તેમ નહોતો અને કોઈનેય પોતાની લાયકાત ઓછી છે તેવો અંદાજ પણ નહોતો આવતો. આવી સ્થિતિમાં સ્પર્ધા વધારે થાય અને એકબીજાથી આગળ નીકળવાની રેસ લાગે તે વાત સ્વાભાવિક છે.

આ સ્થિતિમાં માત્ર એક જ શિક્ષક અવિચળ રીતે પોતાની સરળતા અને નિરાભિમાની સ્વભાવથી અલગ તરી આવતો હતો અને તે હતો કુમાર. કુમારનો દૈનિક ક્રમ હજીયે એવો જ હતો જેવો તેના શાળામાં જોડાવાના પહેલા દિવસે હતો. આજે પણ તેણે પ્રિન્સિપાલ બનવા માટે કોઈ મહત્ત્વાકાંક્ષા જતાવી નહોતી અને કોઈ પાસે વાત કરી નહોતી. ક્યારેય ટ્રસ્ટીઓ સામે પોતે એવી રીતે રજૂઆત પણ નહોતી કરી કે તેઓને એવું લાગે કે આ વ્યક્તિને પ્રિન્સિપાલ બનાવવા માટે વિચાર કરી શકાય. કુમાર કરતા વધારે તો શાળાનો પટાવાળો પોતાની જાતને પ્રિન્સિપાલની ખુરશી પર બેસવા માટે  લાયક માનતો હતો. પરંતુ જયારે પ્રિન્સિપાલની નિમણૂંકની પ્રક્રિયા શરુ થઇ ત્યારે અંદરો અંદર ચાલી રહેલી સ્પર્ધાને કારણે ટ્રસ્ટીઓએ એવું નક્કી કર્યું કે દરેક શિક્ષકોનો બાયોડેટા મંગાવવો અને દરેકના ઇન્ટરવ્યૂ બહારથી નિષ્ણાંત બોલાવીને કરાવવા. જો ટ્રસ્ટીઓ પોતે ઇન્ટર્યુ લેશે તો મોટા ભાગના સ્ટાફને એવું લાગશે કે તેમની સાથે અન્યાય થયો છે.

આખરે ઇન્ટરવ્યૂ શરુ થયા અને તેમાં કુમારનો વારો પણ આવ્યો. ઇન્ટરવ્યૂ દરમિયાન પણ તેણે ન તો એવી તૈયારી બતાવી કે ન તો એવી આશા રાખી કે તેણે પ્રિન્સિપાલની પોસ્ટ મળી શકે તેમ છે. પરંતુ ઇન્ટરવ્યૂ કમિટીએ માત્ર ત્રીસ મિનિટના ઇન્ટરવ્યૂના આધારે પોતાનો નિર્ણય લેવાને બદલે શાળામાં પૂછપરછ ચલાવી અને પેરેન્ટ્સના મંતવ્યો પણ લીધા. આ સમયે એવું સામે આવ્યું કે જે અન્ય ઉમેદવારો હતા તેમની લોકપ્રિયતા અને સ્વીકૃતિ ગમે તેટલી હોય પરંતુ તેમનો વિરોધ પણ એટલો જ મજબૂત હતો. માત્ર એક જ અજાતશત્રુ સામે આવ્યો અને તે હતો કુમાર. આખરે કુમારને પ્રિન્સિપાલની પોસ્ટ પર બેસાડવામાં આવ્યો. છેલ્લા ત્રણ વર્ષથી કુમાર પ્રિન્સિપાલ બની ગયો હતો અને તેમ છતાંય તે પોતાના સ્વભાવમાં કોઈ પરિવર્તન લાવ્યો નહોતો. સ્ટાફના બધા જ લોકો માટે તે એકસમાન વર્તન કરતો અને કોઈને તેનાથી ખાસ અણગમો થયો હોય તેવું બન્યું નહોતું. પરંતુ હવે બીજા લોકો તેની નજીક આવવાની કોશિશ કરતા હતા. સ્ટાફના લોકો સામે ચાલીને તેને ફોન કરતા. તેને પોતાના ઘરે આમંત્રિત કરતા. વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ પણ તેને માટે ભેંટ મોકલાવતા અને એ રીતે લોકોનું વર્તન તેના માટે બદલાવા લાગ્યું હતું.

આજે સવારે કુમાર શાળાએ પહોંચ્યો અને બે શિક્ષકોને તેણે એડમિશનની પ્રક્રિયા અંગે વાતચીત કરવા બોલાવ્યા હતા તેવામાં તેની ઓફિસનો ફોન રણક્યો. તેણે રીસીવર ઉપાડ્યું અને ‘હેલો’ કર્યું અને પછી સામેથી આવતા અવાજને સાંભળતો રહ્યો. આખરે ‘ભલે, હું જોઉં છું.’ કરીને તેણે ફોન મુક્યો. આ ફોન પછી તે થોડો વિહ્વળ બન્યો.

‘શું વાત છે કુમાર? કઈ ચિંતામાં લાગે છે. કોનો ફોન હતો?’ વસંતરાયે કુમારને પૂછ્યું. વસંતરાય ઉંમરમાં સૌથી મોટા અને શાળાના સૌથી વધારે અનુભવી શિક્ષક હતા.

‘શહેરના મેયરનો. તેના એક ઓળખીતાના એડમિશન માટે.’ કુમારે સ્પષ્ટતા કરી.

‘ઓહ, તો શું કરવાનું છે?’ વસંતરાયે કહ્યું.

‘કઈ નહિ. તમે લોકો પ્રક્રિયાને અનુસરો.’ કુમારે મિટિંગ ટૂંકાવતા કહ્યું.

‘પરંતુ કુમાર, આ રાજકારણી લોકો છે, તેની સામે વેર ન લેવાય. એકાદ છોકરાનું એડમિશન કરાવવામાં વાંધો નહિ. આમેય ટ્રસ્ટીઓનો ક્વોટા હોય છે તેમ પ્રિન્સિપાલનો પણ ક્વોટા હોય છે. તે ત્રણ વર્ષમાં એકેયવાર તેનો ઉપયોગ કર્યો નથી અને તે બધી સીટ ટ્રસ્ટીઓ પોતાના સગાસંબંધીઓથી ભરે છે. તું રિસ્ક ન લે.’ વસંતરાયે ચિંતા જતાવતા કુમારને સલાહ આપી.

‘તમે ચિંતા ન કરો. જોયું જશે.’ કુમારે કહ્યું એને પોતાનો આખરી નિર્ણય સંભળાવી દીધો.

એક સપ્તાહ બાદ ફરીથી વસંતરાય અને બીજા એક શિક્ષક કુમારની ઓફિસમાં બેઠા હતા અને ઓફિસનો ફોન રણક્યો. કુમારે ફોન ઉપાડ્યો અને ધ્યાનથી સાંભળવા લાગ્યો. ‘ધેટ્સ ઓલ રાઈટ. ડોન્ટ વોરી.’ કહીને કુમારે ફોન મુક્યો.

‘શું થયું હવે? આપણું એડમિશનનું લિસ્ટ જાહેર થઇ ગયું છે. ક્યાંક પેલા મેયરનો ફોન તો નથી ‘ને? તે મેયરની ભલામણ પર ધ્યાન ન આપીને બહુ મોટું રિસ્ક લીધું છે કુમાર.’ વસંતરાયે કહ્યું.

‘રિસ્ક તો લીધું જ હતું.’ કુમારે કહ્યું અને પછી કોઈ પ્રતિભાવ વિના ચૂપ રહ્યો.

‘હવે શું થશે?’ વસંતરાય ચિંતિત હતા.

‘કઈ નહિ. એ છોકરાનું એડમિશન થઇ ગયું છે.’ કુમારે ભાવવિહીન સ્વરે કહ્યું.

‘થઇ ગયું? કેવી રીતે? તે તો નથી કરાવ્યું.’

‘મેરિટના આધારે. છોકરાના માર્ક્સ અને બીજા ક્રાઈટેરિયા મેચ કરી ગયા હશે અને તે પોતાની લાયકાતથી જ તમે તૈયાર કરેલા લિસ્ટમાં પસંદગી પામ્યો હશે. થેન્ક યુ કહેવા માટે મેયરે ફોન કર્યો હતો.’ કુમારના અવાજમાં હજુ પણ કોઈ ભાવ જણાતો નહોતો.

‘ભગવાન બેઠો છે તારા પર કૃપાનો હાથ રાખીને કુમાર. તું કોઈ જ રીતે વિચલિત થતો નથી ને એટલે જ એ ઉપરવાળો પણ તારા પર કોઈ આંચ આવવા દેતો નથી.’ વસંતરાયે ભાવુક થતા કહ્યું અને તેની સાથે આવેલા બીજા વરિષ્ઠ શિક્ષકની પણ આંખો ભીની થઇ આવી.

‘હું ભગવાને સૂચવેલી નીતિનું ધ્યાન રાખું છું અને પરિણામની ચિંતા કરતો નથી.’ કુમારના અવાજમાં અડગતા અને મક્કમ વિશ્વાસ હતો.

‘પણ સાહેબ તમને ડર પણ ન લાગ્યો કે જો તું એડમિશન નહિ કરાવે તો પરિણામ અવળું આવી શકે?’ બીજા શિક્ષકે પૂછ્યું.

‘દરેક વખતે કોઈ લલકારે તો તેનું પરિણામ યુદ્ધ જ આવશે તેવું માની લેવાની જરૂર હોતી નથી. સમય અને સંજોગો આપણા હાથમાં નથી હોતા. સમય સાથે લલકાર શમી જાય છે, પરિસ્થિતિ બદલાતા યુદ્ધ કરવાની જરૂરિયાત ખતમ થઇ જાય છે અને ક્યારેક યુદ્ધ લડતા પહેલા જ આપણે જીતી કે હારી જતા હોઈએ છીએ. માટે હું તો ક્યારેય પણ ઉતાવળું પગલું ભરતો નથી અને પરિણામ શું આવશે તેની ચિંતા તો કરતો જ નથી.’ આટલું કહીને ખરેખર તો કુમારે પોતાના જીવનની સ્થિતપ્રજ્ઞતા પાછળનો મંત્ર બતાવી દીધો હતો.

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)