૧૦,૦૦૦ રન. વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપે પૂરા કર્યા. આ છે વિરાટ કોહલીનો સૌથી મોટો વર્લ્ડ રેકોર્ડ.
કોહલીને મહાન ક્રિકેટર બનાવનાર ગુણો આ છે – આક્રમક શૈલી, લડાયક મિજાજ અને અબાઉ ઓલ… ક્રિકેટની રમત અને દેશ પ્રતિ તીવ્ર લાગણી.
કોહલી આટલો સફળ કેમ છે? હાલની ટીમમાં બીજા પણ ખેલાડીઓ છે, જેઓ પણ સખત મહેનત કરે છે, પણ કોહલીની નિકટ પણ એમાંનો કોઈ નથી.
કોહલીની સફળતામાં વિશેષતા એ છે કે તે સાથી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં, રમતની ટેકનિકની બાબતમાં કોઈ તકલીફ પડતી હોય તો એમને મદદરૂપ થવામાં એ જરાય પાછીપાની કરતો નથી. પછી એ આંતરરાષ્ટ્રીય મેચ હોય કે સ્થાનિક સ્તરની.
અહીં એ માટેનું એક દ્રષ્ટાંત જાણવું જરૂરી છે. 2018ની આઈપીએલ સ્પર્ધામાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ વખતનો પ્રસંગ છે. મેચ પૂર્વે RCB ટીમની નેટ પ્રેક્ટિસ ચાલુ હતી. કોહલીની સાથે બ્રેન્ડન મેક્યૂલમ અને પાર્થિવ પટેલ હતા.
પાર્થિવ એ વખતે બરાબર બેટિંગ કરી શકતો નહોતો. બોલને યોગ્ય રીતે ફટકારી શકતો નહોતો. વિરાટ એ જોયા કરતો હતો. પછી એની પાસે ગયો અને એને રમતો અટકાવ્યો.
કોહલીએ પાર્થિવનું બેટ લઈ લીધું અને એને અમુક ટિપ્સ જણાવી કે બેટને કેવી રીતે પકડવું કે જેથી બોલને વધારે ચોકસાઈપૂર્વક ફટકારી શકાય.
અને અમુક મિનિટો પછી, પાર્થિવ બોલને કરેક્ટ ટાઈમિંગ સાથે ફટકારવામાં સમર્થ બન્યો. બોલને એ પરફેક્ટ રીતે પોતાના બેટ પર લઈ શકતો હતો અને યોગ્ય રીતે બેકફૂટ ડ્રાઈવ, કટ, પૂલ ફટકા મારવામાં સફળ થયો.
પાર્થિવે રાહત સાથે આનંદનો અનુભવ કર્યો. આખરે એને ટિપ્સ કોણે આપી હતી? વર્લ્ડ ક્લાસ બેટ્સમેને.
વિરાટ કોહલીના આ સ્વભાવને કારણે જ એ ટીમના સાથીઓમાં પ્રિય બન્યો છે. ક્રિકેટ પ્રત્યે સમર્પિત છે માત્ર એટલું જ નહીં, કોહલી અંગત જીવનમાં શાંત સ્વભાવનો છે.
જોકે શાંત, ઠરેલ સ્વભાવ એ ક્યારેય લાઈવ મેચ વખતે બતાવતો નથી. માટે જ તો એ વિરાટ છે.