લંડન: એક સપ્તાહ પહેલા બ્રિટનના સાઉથપોર્ટ શહેરમાં ત્રણ યુવતી પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તેમના મોત થયા હતા. આ પછી શરૂ થયેલા હિંસક પ્રદર્શનો અટકવાનું નામ નથી લઈ રહ્યા. બ્રિટનના 17 શહેરોમાં આગચંપી અને પોલીસ સાથે ઘર્ષણના અહેવાલો સામે આવ્યા છે. જેમાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે અને એકની હાલત ગંભીર છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને સોમવારે વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 10, ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી. આ દરમિયાન એક વીડિયો સંદેશમાં વડાપ્રધાન કીર સ્ટારમેરે આ ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે વિરોધ પ્રદર્શનના નામે સંગઠિત હિંસા કરવામાં આવી રહી છે.
PM સ્ટારમેરે કહ્યું, “તેઓ આ ગુંડાઓને જેલમાં મોકલવા માટે જે પણ કરવાનું થશે તે કરશે. પોલીસ ધરપકડ કરશે, લોકોને રિમાન્ડ પર રાખવામાં આવશે, આરોપ ઘડવામાં આવશે અને સજા પણ આપવામાં આવશે. હું બાંહેધરી આપું છું કે તમે આ હિંસામાં ભાગ લેવા બદલ ખેદ કરશો, પછી ભલે તમે તેમાં પ્રત્યક્ષ કે ઓનલાઈન સામેલ થશો.”
રવિવારે, જમણેરી વિરોધીઓએ ઉત્તર ઇંગ્લેન્ડના રોધરહામ શહેરમાં શરણાર્થીઓ માટે બનાવવામાં આવેલી હોટેલમાં તોડફોડ કરી હતી. રવિવારે વિરોધીઓએ રોધરહામ શહેરમાં હોલિડે ઇન એક્સપ્રેસ નામની હોટલને નિશાન બનાવી હતી. તેઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને બોટલો ફેંકીને અનેક બારીઓના કાચ તોડી નાખ્યા હતા. આ હોટલમાં 500 શરણાર્થીઓ રહે છે.
શું છે સમગ્ર મામલો?
ગયા અઠવાડિયે સોમવારે સાંજે, લિવરપૂલ નજીક સાઉથપોર્ટમાં એક ડાન્સ ક્લાસમાં એક 17 વર્ષીય સગીરે ક્લાસમાં હાજર બાળકો પર ચાકુ વડે હુમલો કર્યો હતો. હુમલામાં 3 બાળકીઓના મોત થયા છે. આ સિવાય લગભગ 1 ડઝન લોકો ઘાયલ થયા છે.