બાંગ્લાદેશંમાં ઉપદ્રવીઓનો ત્રણ મંદિરો પર હુમલોઃ આઠ મૂર્તિઓ તોડી

ઢાકાઃ બાંગ્લાદેશમાં હિન્દુઓ અને તેમના ધાર્મિક સ્થળો પર સતત હિંસાના અહેવાલ છે. અહીંના મૈમનસિંહ અને દિનાજપુરમાં બદમાશોએ બે દિવસમાં ત્રણ હિન્દુ મંદિરો પર હુમલો કરીને આઠ મૂર્તિઓ તોડી નાખી છે. પોલીસે મંદિરમાં તોડફોડના મામલે એક વ્યક્તિની ધરપકડ કરી છે, અન્ય બધા ફરાર છે.  બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુ સમુદાય વિરુદ્ધ થઈ રહેલા અત્યાચારોને લઈને મોહમ્મદ યુનુસ સરકારની વૈશ્વિક સ્તર પર ટીકાઓ થઈ રહી છે.

અહેવાલ અનુસાર ગુરુવાર અને શુક્રવારની સવારે મૈમનસિંહના હલુઆઘાટ સબ-જિલ્લામાં બે મંદિરોની ત્રણ મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી હતી. મંદિરનાં સૂત્રો અને સ્થાનિક લોકોને ટાંકીને હલુઆઘાટ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ  અબુલ ખૈરે જણાવ્યું હતું કે શુક્રવારે સવારે બદમાશોએ હલુઆઘાટના શકુઈ સંઘમાં બોંદરપારા મંદિરની બે મૂર્તિઓ તોડી નાખી. તેમણે કહ્યું હતું કે આ ઘટનામાં હજુ સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી અને કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

અન્ય એક ઘટનામાં તોફાની તત્વોએ ગુરુવારે સવારે બેલડોરા સંઘમાં પોલાશકંદ કાળી માતાના મંદિરને ખંડિત કરી હતી. પોલીસે 27 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન અલાલઉદ્દીન નામના શખ્સે ગુનો કબૂલી લીધો હતો. તેને મૈમનસિંહ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. આ પ્રકારના હુમલાઓમાં બે દિવસોમાં ત્રણ મંદિરોમાં ઉપદ્રવીઓએ આઠ મૂર્તિઓને ખંડિત કરી હતી, પણ ધરપકડ માત્ર એક જ વ્યક્તિની થઈ હતી.ગયા અઠવાડિયે એજન્સીઓએ ઉત્તર બાંગ્લાદેશના સુનમગંજ જિલ્લામાં હિન્દુ મંદિર અને સમુદાયના ઘરો અને દુકાનોને તોડફોડ કરવા અને નુકસાન પહોંચાડવા બદલ ચાર લોકોની ધરપકડ કરી હતી. બાંગ્લાદેશમાં હિન્દુઓની વિરુદ્ધ હુમલાઓના અત્યાર સુધી 2200 કેસ સામે આવ્યા છે.