પ્લેઓફની મેચોમાં વરસાદની સ્થિતિમાં આ નિયમ લાગુ થશે, જાણો…
મુંબઈઃ IPL 2022ની સીઝનની લીગ મેચ પૂરી થઈ ચૂકી છે. 24 મેથી પ્લેઓફની મેચો શરૂ થશે. પહેલી ક્વોલિફાયર મેચમાં કોલકાતાના ઇડન ગાર્ડનમાં ગુજરાત ટાઇટન્સ (GT) અને રાજસ્થાન રોયલ્સ (RR)ની ટીમો સામસામે હશે. IPLના પ્લેઓફમાં ગુજરાત ટાઇટન્સ (GT), રાજસ્થાન રોયલ્સ (RR), લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) –ચાર ટીમો સામેલ છે. છેલ્લા બે દિવસથી કોલકાતામાં હવામાન બદલાયેલું નજરે પડી રહ્યું છે. હવે જો મેચમાં વરસાદનું વિઘ્ન પડશે તો પાંચ નિયમો લાગુ થશે, આ નિયમો નીચે મુજબ છે…
1 જો પ્લેઓફની ચારે મેચ ના રમાય તો એ સ્થિતિમાં પાંચ ઓવરની મેચ અથવા સુપર ઓવર થશે, પ્લેઓફની બધી મેચો માટે 200 મિનિટ વધુ મળશે, પણ જો વધારાના સમયમાં મેચ નહીં રમાય તો સુપર ઓવરથી મેચનો નિર્ણય થશે.
પ્લેઓફની મેચ મોડી શરૂ થશે તો પણ ઓવર ઓછી નહીં થાય, ફાઇનલ મેચ રાત્રે આઠ કલાકે શરૂ થશે, જ્યારે બાકીની ત્રણે મેચ7.30 કલાકે રમાશે.
બંને ક્વોલિફાયર સહિત એલિમિનેટર માટે અનામત દિવસ નથી.જો પાંચ ઓવરની મેચ નહીં થાય તો નિર્ણય સુપર ઓવરથી થશે. જો સુપર ઓવર પણ નહીં રમાય તો પોઇન્ટ્સને આધારે મેચનો નિર્ણય થશે, એટલે જે ટીમ ઉપર રહેશે , એને આગામી રાઉન્ડમાં જગ્યા મળશે.
પ્લેઓફની પહેલી ત્રણ મેચોમાં અનામત દિવસ નહીં હોય, પણ ફાઇનલમાં રિઝર્વ ડે હશે. જો વરસાદને કારણે 29 મેએ મેચ સંભવ નહીં હોય તો ફરી 30 મેના દિવસે મેચ રમાડાશે.
29 મેએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમાશે. જો વરસાદનું વિઘ્ન આવશે તો સુપર ઓવરથી નિર્ણય થશે. આ મેચ રાત્રે આઠ વાગ્યાથી શરુ થશે. આ પહેલા સાડા સાત વાગ્યે ટોસ થશે. બીસીસીઆઈ તરફથી કહેવામાં આવ્યું છે કે આ વર્ષે આઈપીએલનાં ફાઈનલ પહેલા સમાપન સમારોહ પણ આયોજિત કરવામાં આવશે.