USમાં 24 કલાકમાં ત્રીજો મોટો આતંકવાદી હુમલોઃ 11 લોકો જખમી

નવી દિલ્હીઃ ન્યુ યોર્કની એક નાઇટ ક્લબમાં સામૂહિક ગોળીબારમાં કમસે કમ 11 લોકોને ગોળી વાગી છે. આ ગોળીબાર ક્વીન્સની અમજુરા નાઇટ ક્લબમાં થયો હતો. પહેલી જાન્યુઆરીએ રાત્રે આશરે 11.45 વાગ્યે ઇવેન્ટ હોલની પાસે ગોળીબાર થયો હતો, જે 103 પ્રીસિંક્ટની અંદર છે.

આ પહેલાં ન્યુ ઓર્લિન્સમાં ટ્રકે લોકોને અડફેટે લીધા હતા, જેમાં 15 જણ ઘાયલ થયા છે. ત્યાર બાદ લાસ વેગસમાં ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટલની અંદર ટેસ્લાના સાઇબર ટ્રકમાં ધડાકો થયો હતો. આ ઘટનાઓના 24 કલાકમાં આ ત્રીજી ઘટના છે.

આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે અમને અમેઝર ઈવેન્ટ હોલમાં ફાયરિંગ થયાની જાણકારી મળી હતી. આ હુમલામાં ત્રણ અન્ય લોકો ઘાયલ હોવાની જાણકારી છે જેમની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલમાં પોલીસે ઘટનાસ્થળને ઘેરીને વધુ તપાસ હાથ ધરી છે. હુમલામાં બે લોકો સામેલ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હજુ સુધી કોઈ હુમલાખોર હાથમાં આવ્યો નથી. અમેરિકામાં નવા વર્ષની શરૂઆત લોહિયાળ આતંકવાદી હુમલા સાથે થઈ હતી. લુઇસિયાના રાજ્યમાં આવેલા ન્યુ ઓર્લિન્સમાં નવા વર્ષના પહેલા જ દિવસે પિક-અપ ટ્રક લઈ એક હુમલાખોર ઉજવણી કરતાં લોકોની ભીડ પર ફરી વળ્યો હતો જેમાં તેણે 15ને કચડી નાખ્યા હતા અને 30થી વધુને ઇજા પહોંચાડી હતી.