અમદાવાદ: ઈન્ડિયા કેમ 2024ના ભાગરૂપે, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ પર 13મું દ્વિવાર્ષિક આંતરરાષ્ટ્રીય એક્ઝિબિસન અને કોન્ફરન્સનું આયોજન કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલય અને FICCIના સહયોગથી કરવામાં આવ્યો. આજે અમદાવાદમાં ઈન્ડસ્ટ્રી મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટ, India Chem શ્રેણીનો એક મહત્વનો ભાગ છે, જેણે ભારતના રાસાયણિક અને પેટ્રોકેમિકલ ક્ષેત્રોમાં ગુજરાતના મહત્વપૂર્ણ યોગદાનને રેખાંકિત કર્યું હતું.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણ તેમજ ખાતર રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલ આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. તેમણે ભારતના 5 ટ્રિલિયન ડોલર અર્થતંત્રના વિઝનને હાંસલ કરવામાં રસાયણ ઉદ્યોગના મહત્વ પર ભાર મૂક્યો હતો અને આ ક્ષેત્રમાં ગુજરાતની મુખ્ય ભૂમિકાની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે અનુપ્રિયા પટેલે કહ્યું, “ગુજરાત ભારતના ઔદ્યોગિક લેન્ડસ્કેપમાં મોખરે છે, ખાસ કરીને રસાયણો અને પેટ્રોકેમિકલ ક્ષેત્રોમાં. ભારતના પેટ્રોકેમિકલ ઉત્પાદનમાં 62% હિસ્સો, રાસાયણિક ઉત્પાદનમાં 53% હિસ્સો અને ફાર્મા ઉત્પાદનમાં 45% હિસ્સો સાથે ગુજરાત અગ્રેસર છે. રાજ્ય રાસાયણિક અને પેટ્રોકેમિકલ નિકાસમાં પણ 41% હિસ્સો ધરાવે છે.”
વધુમાં તેમણે કહ્યું હતું, “કેન્દ્ર સરકાર રસાયણો અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રને પ્રાથમિકતા માને છે અને અડચણો ઘટાડવા, પાલનનો બોજ હળવો કરવા અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણ બનાવવા માટે અનેક પહેલ કરી છે.”
ગુજરાતના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત કાર્યક્રમમાં અતિથિ વિશેષ હતા, તેમણે આ ક્ષેત્રે રાજ્યની વ્યૂહાત્મક ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.
બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું, “ગુજરાત કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રે અગ્રેસર છે. રાષ્ટ્રીય જીડીપીમાં રાજ્યનો હિસ્સો 8.4% છે અને એકંદર ઉત્પાદનમાં 18% હિસ્સો છે. ભારતની કુલ નિકાસમાં પણ રાજ્યનો હિસ્સો 33% છે. રાજ્ય 100 થી વધુ ફોર્ચ્યુન 500 કંપનીઓ અને 19 લાખ MSMEનું ઘર છે. નિકાસ સજ્જતા અને લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઈન્ડેક્સમાં ગુજરાત પ્રથમ ક્રમે છે.”
અમદાવાદમાં ઈન્ડસ્ટ્રી મીટ India Chem 2024 શ્રેણીબદ્ધ ઈવેન્ટનો એક ભાગ હતો. આગામી ઇવેન્ટ મુંબઈમાં 17-19 ઓક્ટોબરના રોજ યોજાશે. મુખ્ય ઇવેન્ટ વૈશ્વિક કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રોમાં નવીનતમ તકનીકો, નવીનતાઓ અને ઉત્પાદનોનું પ્રદર્શન કરશે. આ ઇવેન્ટ નીતિ વિષયક મુદ્દાઓ, નિયમનકારી માળખાં અને મજબૂત નીતિઓ કે જે ઉદ્યોગના ભવિષ્ય માટે નિર્ણાયક છે તેની ચર્ચા કરવા માટેનું પ્લેટફોર્મ પણ પ્રદાન કરશે.
ભારત સરકારના રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સચિવ નિવેદિતા શુક્લા વર્મા, ભારત સરકારના રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સંયુક્ત સચિવ દીપાંકર એરોન, ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા, FICCIના નેશનલ કેમિકલ કમિટીના ચેરમેન દીપક સી. મહેતા અને FICCI ગુજરાત સ્ટેટ કાઉન્સિલના અધ્યક્ષ રાજીવ ગાંધી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.
ગુજરાતનું વ્યૂહાત્મક સ્થાન, મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બિઝનેસ-ફ્રેન્ડલી નીતિઓ તેને રોકાણ માટે પસંદગીનું સ્થળ બનાવે છે. ટકાઉ પ્રેક્ટિસ અને ગ્રીન કેમિસ્ટ્રીને પ્રોત્સાહિત કરવામાં રાજ્યની સક્રિય ભૂમિકા ઇન્ડસ્ટ્રી મીટમાં કેન્દ્રબિંદુએ હતી. જે વૈશ્વિક રાસાયણિક ઉદ્યોગમાં અગ્રણી તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.
ગુજરાતના કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રોમાં સતત વૃદ્ધિ અને નવીનતા માટે મંચ સુયોજિત કરતી India Chem 2024 તરફની સફરમાં ઈન્ડસ્ટ્રી મીટ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.