ભારતના તમિલનાડુમાં શરૂ થઈ હતી આ રમત, હવે પહોંચી દુબઈ..

રિયલ કબડ્ડી લીગ (RKL)ની શરૂઆત દુબઈ સ્થિત અલ અલી સ્પોર્ટ્સ ક્લબમાં એક પ્રદર્શની મેચ સાથે થવા જઈ રહી છે. આ મેચ રવિવારે સાંજે 6 વાગ્યાથી રમાશે. આ ઈવેન્ટ માટે બે ડમી ટીમો તૈયાર કરવામાં આવી છે, જેના નામ ઈન્ડિયન વોરિયર્સ અને ગલ્ફ ગ્લેડીયેટર્સ છે. આ ઈવેન્ટનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય સ્તરે કબડ્ડીના પ્રતિભાશાળી ખેલાડીઓને વિશ્વભરમાં લોકપ્રિયતા અપાવવાનો છે. આ અભિયાનને દુબઈ સ્પોર્ટ્સ કાઉન્સિલનું સમર્થન છે. જો કે કબડ્ડી રમતના મૂળ ખૂબ ઊંડા છે, જે હવે દુબઈમાં પ્રવેશી ચૂકી છે.

અત્યાર સુધી કબડ્ડીની રમત ભારત, ઈરાન અને બાંગ્લાદેશ સહિત માત્ર થોડા જ દેશોમાં પોતાની છાપ છોડી શકી હતી. પરંતુ હવે બે ટીમો વચ્ચે રમાતી આ રમત આરબ દેશોમાં પણ ફેલાવા માટે તૈયાર છે. ઈતિહાસમાં આ પ્રથમ વખત છે કે દુબઈમાં કબડ્ડી મેચ રમાશે. નોંધનીય છે કે, અત્યાર સુધી ભારત RKLની ત્રણ સીઝનનું આયોજન કરતું હતું, પરંતુ તે પહેલીવાર દુબઈમાં એન્ટ્રી લેવા જઈ રહ્યું છે.

રિયલ કબડ્ડી લીગના સહ-સ્થાપક લવેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, “RKLનો ઉદ્દેશ્ય હંમેશા યુવા પ્રતિભાઓને તકો પૂરી પાડવાનો રહ્યો છે. અમે તેમને વૈશ્વિક સ્તરે ઓળખ બનાવવા માટે એક પ્લેટફોર્મ આપવા માંગીએ છીએ.” એમના સિવાય આરકેએલના સ્થાપક શુભમ ચૌધરીનું કહેવું છે કે આ પ્રદર્શન મેચ ગલ્ફ દેશોમાં કબડ્ડીની પાયો નાંખી રહી છે. એમને વિશ્વાસ છે કે આરબ લોકો આ રમતને ખૂબ પસંદ કરશે.

કબડ્ડીની શરૂઆત તમિલનાડુમાં થઈ હતી

સદીઓ પહેલા ભારતના તમિલનાડુમાં જલ્લીકટ્ટુ નામની રમત રમાતી હતી. એમાંથી પ્રેરણા લઈને કબડ્ડીની રમતની શોધ થઈ અને કહેવાય છે કે ગૌતમ બુદ્ધ પણ આ રમતના શોખીન હતા. કબડ્ડીનો ઈતિહાસ 4000 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. કહેવાય છે કે અર્જુને ભગવાન કૃષ્ણ પાસેથી કબડ્ડીની યુક્તિઓ પણ શીખી હતી. નિયમોની વાત કરીએ તો પરંપરાગત કબડ્ડી માટી પર રમાય છે, પરંતુ હવે એ મેટ પર રમાય છે. બે ટીમો વચ્ચે મેચ રમાય છે અને દરેક ટીમમાં 7 ખેલાડીઓ હોય છે. ખેલાડીએ વિરોધી ટીમના ખેલાડીને સ્પર્શ કરીને મેટની વચ્ચેની સફેદ રેખા પાર કરીને એની ટીમના કોર્ટમાં પરત ફરવું પડે છે.