ટીમ ઇન્ડિયાની સજ્જડ હાર, ઓસ્ટ્રેલિયા સિરીઝમાં 2-1થી આગળ

મેલબોર્નઃ બોર્ડર-ગાવસકરની ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 184 રને હરાવી દીધું છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)માં પાંચમા દિવસે ટીમ ઇન્ડિયા 340 રનના ટાર્ગેટના જવાબમાં માત્ર 155 રનો પર ઓલઆઉટ થઈ હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં 2-1થી સરસાઈ મેળવી છે. હવે ભારત માટે WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ બની ગયું છે. હવે છેલ્લી મેચ સિડનીમાં ત્રીજી જાન્યુઆરીથી રમાશે.

ટીમ ઇન્ડિયા વતી બીજા દાવમાં યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 84 રન બનાવ્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સ અને સ્કોટ બોલેન્ડે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. નાથન લિયોને પણ બે વિકેટ મળી હતી. 13 વર્ષ બાદ મેલબોર્નમાં ટીમ ઈન્ડિયાની આ ટેસ્ટ હાર છે. આ પહેલાં ભારતીય ટીમ 2011માં હારી ગઈ હતી.રોહિતની કેપ્ટનશિપમાં છેલ્લા બે મહિનામાં છ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની આ પાંચમી ટેસ્ટ હાર છે. ન્યુ ઝીલેન્ડ સામેની 3-0ની હાર બાદ ભારત એડિલેડ અને હવે મેલબોર્નમાં હારી ગયું છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગ્સમાં 474 રન બનાવ્યા હતા. સ્ટીવ સ્મિથે સદી ફટકારી હતી. એના જવાબમાં ભારતે પ્રથમ દાવમાં 369 રન બનાવ્યા હતા. 21 વર્ષના નીતીશ રેડ્ડીએ શાનદાર સદી ફટકારી હતી.

પ્રથમ ઇનિંગ્સના આધારે ઓસ્ટ્રેલિયાને 105 રનની લીડ મળી હતી. આ પછી ભારતે બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાને 234 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ભારતને 340 રનનો ટાર્ગેટ મળ્યો હતો..

આ હાર સાથે ભારતની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પહોંચવાની આશાને પણ આંચકો લાગ્યો છે. હવે તેણે અન્ય ટીમોનાં પરિણામો પર નિર્ભર રહેવું પડશે. હવે સિડનીમાં ટીમ ઇન્ડિયાએ ટેસ્ટ જીતવી જ પડશે. ડ્રો કે હાર ટીમ ઈન્ડિયા રેસમાંથી બહાર થઈ જશે.