ગાંધીનગર: અમદાવાદ-ગાંધીનગર વચ્ચે આવેલું વિશ્વ પ્રસિધ્ધ કોબા તીર્થમાં ભગવાન મહાવીર સ્વામીના લલાટે સૂર્યકિરણો દ્વારા એકદમ અદ્ભૂત નજારો જોવા મળે છે. દર વર્ષે 22મી મેના રોજ બપોરે 2-07 મિનિટે મહાવીર સ્વામીની મૂર્તિના કપાળે સૂર્યતિલકના દર્શન કરવાનો લહાવો શ્રધ્ધાળુઓને મળે છે. મહાવીરાલય પ્રસાદના શીખર પર થઇ મહાવીર સ્વામીની મૂર્તિના કપાળના ભાગે પ્રકાશિત થતા આ તિલકે દૈદિપ્યમાન થઇ અવિસ્મરણિય નજારો સર્જયો હતો.પાટનગર ગાંધીનગરના રાજ માર્ગ પર આવેલ કોબા જૈન તીર્થ ખૂબ જ રમણીય છે. એ તીર્થના પ્રેરણાદાતા પૂજ્ય આચાર્ય શ્રી પદ્મસાગરસૂરિશ્વરજી મહારાજ સાહેબ છે. બે માળનું ભવ્ય જિનાલય છે. ઉપરના ભાગમાં મૂળનાયક શ્રી મહાવીર સ્વામી છે. નીચે ભૂમિગૃહમાં શ્રી આદિનાથ ભગવાનની રમણીય પ્રતિમા છે. કોબા જૈન આરાધના કેન્દ્ર જ્યાં જૈન ધર્મનું એક વિશાળ સંગ્રહાલય છે. મહાવીરાલય અને ગુરુમંદિર પણ કોબાના આ જૈન તીર્થમાં આવેલા છે.
આ દ્રશ્ય જોવા માટે મોટી સંખ્યામાં જૈન ધર્મના લોકો અહીં આવે છે. આ સમયે જૈન શાસન પ્રભાવક આચાર્ય કૈલાશસાગરસૂરિશ્વરજી મહારાજ સાહેબ કાળધર્મ પામેલ હતા. એમની સ્મૃતિમાં આ જૈન તીર્થ બનાવવામાં આવ્યું હતું. કોબાના આ તીર્થ પ્રાંગણમાં એમનું સમાધિ મંદિર છે. એમાં ગૌતમ સ્વામીની મૂર્તિ અને સ્ફટિકના ચરણ પાદુકા બિરાજમાન છે. કોબાના આ જૈન આરાધના કેન્દ્રમાં ભવ્ય અને વિશાળ જ્ઞાન મંદિર છે. આ જ્ઞાન ભંડારમાં આગમ, જ્ઞાન, દર્શન, યોગ, વ્યાકરણ, ઈતિહાસ આદિ વિષયોના ગ્રંથો છે. 3000થી વધુ તાડપત્રીય ગ્રંથો છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)