ફ્રેન્ડશીપની જીત કેવી રીતે થઈ?

જીત અને કુશ સ્કૂલ સમયના મિત્રો. જ્યાં હોય ત્યાં સાથે ને સાથે જ હોય! બન્નેના ઘર પણ પાસપાસે અને સ્કૂલ પણ એક જ એટલે સ્કૂલે આવે જાય કે ઘરે હોય આખો દિવસ બંને સાથે ને સાથે જ જોવા મળે. બન્ને રમતા પણ સાથે સાથે ને ઘણી વાર તો જમતા પણ સાથે! એકબીજાને ઘરે રમતા હોય તો સાથે જમી લે!

બન્નેને એટલું બને કે બીજા બધાં ફ્રેન્ડ્સ તેમને ચીડવતાં કહે પણ ખરાં કે, “તમે બન્ને તો મેઇડ ફોર ઇચ અધર છો!”

કોલેજમાં પણ બન્નેએ સાથે જ એડમિશન લીધું. બ્રાન્ચ પણ એક જ. એરોનોટિકલ એન્જિનિયરિંગ.બન્નેના શોખ પણ સમાન. મ્યુઝીક અને ટ્રાવેલિંગ.

કોલેજ પૂરી કર્યા પછી હવે વારો આવ્યો જોબ માટે ઇન્ટરવ્યૂ આપવાનો.‌ બંને એક જ કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા ગયા. આ શહેરની એક પ્રતિષ્ઠિત કંપની હતી કે જો તેમાં જોબ મળી જાય તો લાઇફ બની જાય! પણ મુશ્કેલી એક જ હતી. જગ્યા એક હતી અને ઉમેદવાર એ બે હતા!

તેમને બન્નેને આ વાતની ખબર પણ હતી કે ઇન્ટરવ્યૂ એમણે બંનેએ આપ્યો છે પણ નોકરી તો બેમાંથી એકને જ મળવાની છે. એકને નોકરી મળે તો બીજાને દુઃખ થાય એ સ્વાભાવિક હતું. આ વાત સારી રીતે જાણતા બન્ને મિત્રોએ જાણીજોઇને એવા પ્રયત્નો કર્યા કે પોતાના બદલે મિત્રને ચાન્સ મળે. બીજાને ચાન્સ મળે. ક્યારેય એકબીજાથી એક પણ વાત ન છૂપાવતા મિત્રોએ જિંદગીમાં પહેલીવાર આ વાત એકબીજાથી છૂપાવી.‌

જીત ઇચ્છતો હતો કે કુશ સેટ થઇ જાય અને કુશ મનોમન જીતની સફળતા માટે પ્રાર્થના કર્યા કરતો! એટલી હદ સુધી કે, જ્યારે ઇન્ટરવ્યૂ આપવા ગયા ત્યારે જ્યુરીને છેલ્લે કહીને પણ આવ્યા કે મારા કરતાં આ જોબની મારા ફ્રેન્ડ્ને વધુ જરૂર છે!

છેવટે રીઝલ્ટનો દિવસ આવ્યો. સૌ પ્રથમ જીતના હાથમાં અપોઇન્ટમેન્ટ લેટર આવ્યો એટલે એ સૌ પ્રથમ ખબર આપવા દોડ્યો કુશ પાસે, પણ સામેથી કુશ પણ દોડતો દોડતો અધવચ્ચે જ મળી ગયો. એ પણ નોકરી મળ્યાની ખુશખબર આપવા જીત પાસે આવતો હતો! એને પણ અપોઈન્ટમેન્ટ લેટર મળ્યો હતો.

નોકરીની જગ્યા એક અને અપોઈન્ટમેન્ટ બન્નેની? આ વાંચીને બન્ને શોક્ડ થઇ ગયા.

પછી ધ્યાનથી લેટર વાંચ્યો તો ખબર પડી કે કંપનીએ‌ ચાલાકી વાપરીને બન્નેને પાર્ટટાઇમ જોબ ઓફર કરી હતી. એકબીજાને નોકરી આપવાના બન્ને મિત્રોના આગ્રહથી કંપનીના સંચાલકો પણ પ્રભાવિત થયા હતા!

એક કંપનીના નીતિ નિયમો સામે જીત અને કુશની સાચી ફ્રેન્ડશીપ જીતી ગઈ હતી!

(અમદાવાદસ્થિત નૃતિ શાહ ઉગતી પેઢીની તેજસ્વી લેખિકા છે. કવિતાઓ અને વાર્તાઓ લખવા ઉપરાંત એ કમ્પોઝર, વોઇસ આર્ટીસ્ટ અને ગુજરાતી ફૂડ બ્લોગર તરીકે પણ કાર્યરત છે. કવિતા અને માઇક્રોફિક્શનના એમનાં બે પુસ્તકો પણ પ્રકાશિત થયા છે.)