“સુરાહી આવી ગઇ? જીતને ખૂબ તાવ છે જોને જરા.” જેવી સુરાહી કારમાંથી ઉતરી એટલામાં પતિ અખિલે આમ કહ્યું એટલે સુરાહી સીધી જ સીડી ચઢીને ઉપરના રૂમમાં ગઇ. “જીત… જીત… આર યુ ઓકે બેટા? જો મમ્મા આવી ગઇ છે..”
તાવમાં ધગધગતો હોવા છતાં મમ્માને જોઇને જીતના ચહેરા પર સ્મિત અને આંખોમાં સૂકુન આવી ગયું. સુરાહી આખી રાત જીત પાસે જ બેસી રહી. એકતરફ જીતની ચિંતા તો બીજી તરફ આજે જે કાંઇ થયું એને લઇને મનમાં ઊભો થયેલો વિચારોનો વંટોળ. દુનિયા માટે તો જીત એ સુરાહી અને અખિલના સાત વર્ષના સુખી લગ્નજીવનનું સુંદર ફળ હતો. પતિ અખિલ બેંકમાં મેનેજર હતો. ખૂબ સારું કમાતો. વ્યસ્તતા વચ્ચે પણ જવાબદાર પતિ અને પિતા તરીકેની ફરજ બરાબર અદા કરતો.
સુરાહી એક અતિ આધુનિક, સુંદર, આકર્ષક અને સમજદાર હતી. પ્રેમાળ માતા હતી અને સાથે સાથે એક અત્યંત નટખટ મોજીલી પ્રેમિકા.
હા, પણ એ પ્રેમિકા અખિલની નહીં, શહેરના ખૂબ જાણીતા સિંગર રોહિત મખીજાની હતી! છેલ્લા આઠેક વર્ષથી રોહિત અને સુરાહી એકબીજાના પ્રેમમાં પાગલ બની જીવન વિતાવી રહ્યા હતાં. આજે પણ એ સાંજે રોહિતના ઘરે જ ગઇ હતી. જીતની તબિયતની ખબર પડતાં જ એ દોડીને ઘરે આવી હતી. સુરાહી માટે અખિલ ફરજ હતો તો રોહિત પ્રેમ. એ અખિલના ઘરની ક્વિન હતી તો રોહિતના દિલની પ્રિન્સેસ.
વાત એમ હતી કે, કોલેજમાં જ્યારે અખિલ અને રોહિત બંન્નેને સુરાહી ગમતી હતી અને યોગાનુયોગ બન્નેએ સુરાહીને લગભગ એકસાથે જ પ્રપોઝ કર્યું ત્યારે સુરાહીએ અખિલની પસંદગી કરી. બે વર્ષની અંદર અખિલ સાથે લગ્ન પણ કરી લીધાં. લગ્નના બીજા જ વર્ષે અખિલે તેને ખૂબ જ આકર્ષક બંગલો અને કાર ગીફ્ટ કર્યા અને ત્રીજા વર્ષે સુરાહીએ એને જીતના રૂપમાં ગિફ્ટ આપી. કોઇની પણ નજર લાગી જાય એ હદે ત્રણેયના જીવનમાં બધું સરસ ચાલી રહ્યું હતું….
પરંતુ આજે સુરાહી ખૂબ વ્યાકુળ હતી. કારણ કે રોહિત હવે એની સાથે લગ્ન કરવા માંગતો હતો. હમણાંથી એ રોજ સુરાહીને ફોન પર કે રૂબરૂમાં એક જ વાત કરતો, “સુરાહી, તું મારી બની જા,લગ્ન કરી લે ડિયર!” પણ એમ કાંઇ સુરાહી અખિલને છોડી થોડો શકે એમ હતી? રોહિત પ્રેમી હતો, અખિલ પતિ. રોહિત હવે પોતાની જવાબદારી લેવા તૈયાર હતો તો પણ શું? એને સમજાયું નહીં કે અચાનક રોહિતને લગ્ન કરવાનું શું ભૂત વળગ્યું ? જેમ ચાલે છે તેમ ચાલવા દેવામાં સુરાહીને વાંધો નહોતો. એ રોહિતને પ્રેમ કરતી હતી અને કરતી રહેવા માગતી હતી.
વળી, સુરાહી માટે સૌથી મોટો પ્રશ્ન જીતનો હતો. શું રોહિત પોતાની મર્યાદિત આવકમાં જીતનું ને પોતાનું બરાબર ધ્યાન રાખી શકશે? બીજા કેટલાંયે પ્રશ્નો હતાં મનમાં, પણ ઓહ! રોહતિ એટલો જીદ્દી હતો કે ન પૂછો વાત…
આખી રાત જીતની ફિકરમાં ને આ ઉલઝનમાં સુરાહી જાગતી પડી રહી. વહેલી સવારે સહેજ આંખ મળી ત્યાં જીતે અવાજ લગાવ્યો, “મમ્મા… જો મને તાવ ગાયબ!” આહ! આંખો નચાવતાં બોલવાની એ જ સ્ટાઇલ અને એવું જ સ્માઇલ! જાણે નાનો રોહિત જોઇ લો! હા, જીત એ રોહિત અને સુરાહીના પ્રેમનું પુષ્પ હતું. સુરાહીએ જીતના માથે પ્રેમાળ હાથ ફેરવ્યો અને નિર્ણય લીધો કે એ જીતને લઇને રોહિતની સાથે રહેવા જશે. પરંતુ આટલો મોટો નિર્ણય અખિલને પણ જણાવવો જ પડશે ને?
પણ કેવી રીતે? મનને મકક્મ કરવાનો પ્રયત્ન કરતાં કરતાં એ ધીમે પગલે સીડી ઉતરી રહી હતી એ જ વખતે એને અખિલનો અવાજ સંભળાયો. એ કોઇની સાથે મોટા અવાજે ફોન પર વાત કરી રહ્યો હતો. “તું આવો હોઇશ સાવ જ? મેં તને જે પૈસા આપ્યા એ તને એકલાને દૂર જવા માટે આપ્યા છે. સુરાહીને સાથે લઇ જવા નહીં. મેં આજ સુધી બધું સહન કર્યું. પણ હવે આઇ વોન્ટ સુરાહી વીધાઉટ યુ ઓકે… ?”
આટલી વાતમાં સુરાહી ઘણું સમજી ગઇ. એવામાં એના કાને અખિલનું વાક્ય અથડાયું, “હા, જીતમાં ભલે મારું બ્લડ નથી, પણ બાપ હું એનો સવાયો છું. તું હાથ તો લગાડ એને… જોઉં છું કેમ હાથ અડાડે છે એ!”
અચાનક સજળ થયેલી સુરાહીની આંખો આગળ ભૂતકાળના દ્રશ્યો તરવરી રહ્યા. અખિલ સાથે લગ્ન… અખિલમાં કદી પિતા ન બનવાની ક્ષમતા અને રોહિત સાથેના તેના રિલેશન સામે આંખ આડા કાન…. જીતનો જન્મ… અખિલના જીવનમાં જીતનું સ્થાન અને પોતાનું અખિલના જીવનમાં માનપાન…
અખિલે જ કદાચ રોહિતને… ઓહ માય ગોડ… એક ફ્રેન્ડ્ની આ રીતે મદદ લેવી અને મારાથી છૂપાવીને આ બધું જ હસતાં મોઢે સહન કરવું? એ અખિલ છે! ઓહ ઇશ્વર! હું મૂર્ખી એમ માનતી હતી કે અખિલને મારા અને રોહિતના પ્રેમ વિષે કંઇ ખબર જ નથી પણ તે તો આ બધું જ જાણતા હતા!
સુરાહી સમજી ગઇ કે રોહિત પૈસાના લઇને બદલાઇ ગયો હતો. તે દોડીને નીચે ગઇ અને અખિલને ભેટી પડતાં બોલી, “હું આજથી આ બધું કાયમ માટે છોડી રહી છું, અખિલ!”
“શું સુરાહી શું?”
સુરાહી રડી પડી અને બોલી, “હું આજથી રોહિતને છોડું છું!”
અખિલ નિસ્તબ્ધ ચહેરે સુરાહીને જોઇ રહ્યો. એ કાંઇક બોલવા જતો હતો ત્યાં તેની નજર સામે જીત આવ્યો અને….
…. અને તેણે તરત સુરાહીને કહી દીધું, “થેંક્સ સુરાહી !”
(અમદાવાદસ્થિત નૃતિ શાહ ઉગતી પેઢીની તેજસ્વી લેખિકા છે. કવિતાઓ અને વાર્તાઓ લખવા ઉપરાંત એ કમ્પોઝર, વોઇસ આર્ટીસ્ટ અને ગુજરાતી ફૂડ બ્લોગર તરીકે પણ કાર્યરત છે. કવિતા અને માઇક્રોફિક્શનના એમનાં બે પુસ્તકો પણ પ્રકાશિત થયા છે.)