સદાચાર અને સંયમ: જીવનના બાગની રક્ષા કરતી વાડ

 

કબીર ખેત કિસાન કા, મિરગન ખાયા ઝારિ,

ખેત બિચારા ક્યા કરે, ધની કરે નહીં વારિ.

 

આપણે આપણા શરીરના માલિક છીએ. શરીરનું ધ્યાન રાખવું તે કર્તવ્ય છે. જીવનને સુખી રીતે જીવવા માટે પરિશ્રમયુક્ત કાળજી કરવી જોઈએ. કબીરજી કહે છે કે, જેમ વાડ વગરના ખેતરમાં હરણાં ચરી જાય છે તેમ જીવન—બાગને અવગુણરૂપી મૃગો ઉજાડી મૂકે છે.

સદાચાર અને સંયમની વાડ વિના સદ્ગુણોનું રક્ષણ થતું નથી. એક વનિપાત સો નિપાન તરફ દોરી જાય છે. આવી અધોગતિ ક્ષણિક ચૂકના કારણે પણ થઈ શકે છે. સારા ગુણોનું સિંચન સતત કરવું પડે છે.

આપણામાં રહેલી પાશવી વૃત્તિ ક્યારે ભૂલ કરાવી દે તેનો ભરોસો નથી. ભગવદ્ગીતામાં મનની ચંચળતા રોકવાના કાર્યને દુષ્કર લેખ્યું છે. જીવનમાં સદ્ગુણોનું સિંચન કરતા રહેવામાં શ્રદ્ધા, અભ્યાસ, સુવિચાર અને સદ્કાર્યમાં મગ્ન રહેવું જરૂરી છે.

મન નથી સ્થિર રહેતું કે નથી નવરું બેસતું. મનના મર્કટવેડાને રોકવા માટે ધર્મશાસ્ત્રએ વિવિધ ઉપાયો દર્શાવ્યા છે. આજના સંજોગોમાં સવિશેષ કાળજી જરૂરી છે, કારણ કે પ્રસાર અને પ્રચાર માધ્યમોમાં હિંસા, અશ્લીલતા, વિલાસ અને વિકારનો ધોધ વહે છે. સંસ્કારોની વાડ તોડીને સમાજને છિન્નભિન્ન કરે છે. તેનાથી સાવધ રહેવું આવશ્યક છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)