કબીરવાણી: જેવા આદર્શ ગુરુની તલાશ છે તે ક્યાં મળે?

 

જૈસા ઢૂંઢત મેં ફિરું, તૈસા મિલા ન કોય,

તતવેતા તિરગુન રહિત, નિરગુન સોં રત હોય.

 

આ સાખી દ્વારા કબીરજી વાસ્તવિક્તાની વ્યથાને વાચા આપે છે. સાચા ગુરુની શોધ કઠિન છે. જેવા આદર્શ ગુરુની તલાશ છે તે ક્યાં મળે ? તેની ઓળખ શું ? કબીરજી કહે છે કે, “તતવેતા’” જેને મૂળ વસ્તુનું જ્ઞાન છે, સ્વની સાચી ઓળખ છે. જે સત્-રજસ્ અને તમસ્ જેવા તિરગુણથી મુક્ત છે.

ભગવાન ગીતામાં મનુષ્ય દ્વારા અને વિશ્વમાં થતા તમામ કર્મો ત્રિગુણમાંથી જન્મે છે તેમ કહે છે. આ પ્રકૃતિદત્ત વૃત્તિમાંથી મુક્તિ મળે તો એ જ નિજાનંદ, સચ્ચિદાનંદ કે સમાધિ છે. રજનીશજી વૃત્તિઓને પંપાળીને શાંત કરવાની સલાહ આપે છે પણ કબીરજી તો તેનાથી છૂટવાની જરૂર સમજાવે છે.

સાધક માટે યોગ્ય માર્ગદર્શક શોધવામાં વારંવાર નિરાશા થાય, કારણ કે નિરગુણ સ્થિતિ પ્રાપ્ત કરવી સહેલી નથી. શરીર અને મન સાથે જોડાયેલી વૃત્તિઓ સહેલાઈથી સંતોષાતી નથી. તૃપ્તિની જગ્યાએ તૃષ્ણાની આગમાં ઇચ્છાવૃત્તિનું ઘી હોમાતાં તે વધારે પ્રજ્વલિત થાય છે. મનુષ્ય જ જાગૃત રીતે જીવન જીવી પાંશુ વૃત્તિને પરાજિત કરી શકે છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)