કબીરવાણી: શાશ્વત સુખશાંતિ પામવા શું કરવું?

 

વિષય ત્યાગ વૈરાગ હૈ, સમતા કહીયે જ્ઞાન,

સુખદાયી સબ જીવ સોં, યહી ભક્તિ પરમાણ.

 

પાંચ ઇન્દ્રિયોમાં અલગ અલગ પ્રકારની આસકિત છે. સ્વાદ, ગંધ, સ્પર્શ, શ્રવણ અદૃશ્ય દ્વારા આસક્તિ પાંગરે છે. વૈરાગ્ય અને જ્ઞાનની વ્યાખ્યા કરતા કબીરજી કહે છે કે, વિષયોનો ત્યાગ કરીએ તો જ વૈરાગ્ય થાય. “નિરાહારી દેહીના વિષયો ટળે છતાં, રસ રહી જતો તેમાં, જે ટળે દેખતા પરં.” આ ગીતા- વાક્ય સાર્થક છે.

વૈરાગ્ય સ્મશાનમાં થતી ગ્લાનિમાંથી ક્ષણિકરૂપે થયો હોય અને સમજણથી દૃઢપણે અનાસકત થયેલ વ્યક્તિમાં ફેર છે. તે જ રીતે જ્ઞાન એ શબ્દો કે પોથીઓમાં નથી. જ્ઞાન તો મનની સમતા છે. જે સંસારમાં સાર નથી જોતાં તે સાક્ષીભાવે કર્તવ્ય બજાવી તેનું ફળ કૃષ્ણાર્પણ કરી બંધનમુક્ત રહે છે.

આવી વ્યક્તિ દરેક માટે સુખદાયી હોય તો તે ભક્તિનું સાચું પ્રમાણ જાણવું. ‘વિષય તજો – પ્રભુને ભજો’ એ સૂત્ર અપનાવે છે તે સાચો ભક્ત છે. પહેલા સાચું સમજો પછી ભાવથી ભજો તો જ મુક્તિ છે. વૈશ્વિકીકરણમાં સ્પર્ધાનું, સંપત્તિનું અને સત્તાનું મહત્ત્વ છે પણ હવે એવો સમય આવ્યો છે કે, એકબીજાના સુખે સુખી અને દુ:ખે દુ:ખી થઈએ તો શાશ્વત સુખશાંતિ પામીશું.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)