વિતંદય ધરમક ધ્વજા, ધીરજવાન પ્રમાન, સંતોષી સુખ દાયકા, સેવક પરમ સુજાન. |
સેવક ધર્મની સાક્ષાત્ મૂર્તિ સમાન હોય તેમજ ધીરજવાન હોય તો જ તેનું વ્યક્તિત્વ તેજોમય બને છે. સેવક સ્વભાવથી સંતોષી, સુખદાયી હોવો જોઈએ. બાર ગુણોના સંપુટથી કબીરજીએ સેવકને નવાજ્યો છે તે નરસિંહ મહેતાના વૈષ્ણવજન સાથે સરખાવી શકાય.
ગાંધીજી આ સાખીમાં દર્શાવેલા તમામ ગુણો અગિયાર મહાવ્રતો દ્વારા સાકાર કરવા પ્રયત્નશીલ રહ્યા હતા. ગાંધીજીને આપણે રાષ્ટ્રપિતા કહીએ છીએ પણ આ સાખીઓનું અને ગાંધીજીના જીવનનો અભ્યાસ કરીએ તો આપણે તેમને ખરા અર્થમાં રાષ્ટ્રસેવક ગણી શકીએ.
સેવાનો માર્ગ કઠિન છે તે હકીકત કબીરજી ગુણોની યાદીથી સ્પષ્ટ કરે છે. આ લક્ષણો કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ સ્થાને, કોઈ પણ સમયે ગરિમા બક્ષે છે. સમાજનું માળખું આવા નિષ્ઠાવાન સેવકથી જ ટકી રહે છે. રામાયણમાં હનુમાનજીનું પાત્ર આવી પરીક્ષામાંથી સાંગોપાંગ પાર ઊતરે છે. સેવકની મહાનતા તેની મહત્ત્વાકાંક્ષામાં નહીં પણ તેના સમર્પણમાં રહી છે. ગુરુ નાનકે આ જ વાત ધ્યાને રાખી ગુરુ અંગદની પસંદગી અનુગામી તરીકે કરી હતી, નહીં કે પોતાના પુત્રની.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)
