કબીરવાણી: મોક્ષની પૂર્વ શરત તૃષ્ણાનો ત્યાગ

બંધે કો બંધા મિલા, છૂટે કૌન ઉપાય,
કર સેવા નિરબંધ કી, પલમેં લેત છુડાય.

 

તૃષ્ણા બંધનનું કારણ છે, તૃષ્ણાનો ત્યાગ એ મોક્ષની પૂર્વ શરત છે. જે મોહ-માયાના પાશમાં બંધાયેલ છે તેને ગુરુ કરીને મુક્તિ કેમ મળે ? ધર્મનો અર્થ ધન-પ્રાપ્તિનું સાધન એમ માનીને સંપત્તિ અને ચેલાઓનું સામ્રાજ્ય નિર્માણ કરતાં મહંતો-સ્વામીઓ – મુલ્લાઓ કે ગાદીપતિઓ પાસે જનાર મુમુક્ષો અનેક પ્રકારનાં બંધનોમાં ફસાય છે. સંસારનાં બંધનો તો વૈરાગ્ય વિના છૂટે નહીં. બ્રહ્માનંદજીએ કહ્યું કે, “ત્યાગ ટકે નહીં વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાયજી.”

જેમણે જ્ઞાન પ્રાપ્ત કરી આસક્તિમાંથી છૂટકારો મેળવ્યો છે તેવા ગુરુનો અલ્પ સત્સંગ પણ મુક્તિનાં દ્વાર ખોલી આપે છે. મોક્ષના માર્ગે ચાલતા-ચાલતા પણ ઇચ્છાઓની તીવ્રતા ગમે તેવા તપસ્વીને રસ્તો ભૂલવાડી દે છે. સ્થિતપ્રજ્ઞ કે ભક્ત માટે ગીતામાં ભગવાને જે લક્ષણો વર્ણવ્યાં છે તેમાં સર્વ ઇચ્છાઓ તજી, સમતા ધારણ કરી, પરોપકાર માટે પ્રવૃત્તિમય રહેવાનું જરૂરી છે. કબીરજી કોઈ પાખંડ સહન કરી શકતા નથી તેથી તેનો આક્રોશ છે કે, ખોટા માર્ગે કેમ છો ? સાચા માર્ગે ચાલો તો મુક્તિ તો પળવારમાં મળે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)