કબીર લહરી સમુદ્ર કી, મોતી બિખરે આય, બગુઆ પરખ ન જાનઈ, હંસા ચુનિ યુનિ ખાત. |
સારાસારનો વિવેક જીવનમાં જરૂરી છે. કબીરજી કાશીમાં રહ્યા છે. સમુદ્રથી દૂર રહ્યા હોવા છતાં સાગરની આ ઉપમા સાથે રાજહંસના ક્ષીરનીર અંગેની પરખશક્તિને જોડીને કબીરજી એક અનોખું દર્શન કરાવે છે. માનસરોવરનો હંસ પાણી અને દૂધ અલગ કરી દૂધનું પાન કરે છે તેવી લોકોક્તિ છે. સમાજમાં દરેક વ્યક્તિને સંજોગો અનુસાર પસંદગીની તક મળે છે. જે રીતે સમુદ્રમાં સતત લહેર ઉદભવે છે તેમ જીવનમાં તકો પ્રાપ્ત થતી રહે છે.
દરેક તક મોતી સમાન છે. બગલા જેવી વૃત્તિ ધરાવનાર માછલી-જીવ-જંતુ પકડવા એકાગ્ર થાય છે. હંસ જેવી વિવેકયુક્ત બુદ્ધિ ધરાવનાર મોતીરૂપે મૂલ્યવાન ચીજને અલગ તારવીને ગ્રહણ કરે છે. કબીરજીના મતે ભક્તિ દ્વારા આધ્યાત્મિક ઉન્નતિ એ જ સાચો માર્ગ છે. જીવનની સફળતામાં વિવેકનું મહત્ત્વ ખૂબ મોટું છે. વિવેકથી જ સાચો નિર્ણય કરી શકાય છે, સદ્ભાર્ગે ચાલી શકાય છે, ન્યાય કરી શકાય છે, ઉચ્ચ આદર્શો સાકાર કરી શકાય છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)