સાધુ શબ્દ સમુદ્ર હૈ, જામેં રતન ભરાય, મંદ ભાગ મુઠ્ઠી ભરૈ, કંકર હાથ લગાય. |
સાધુ જંગમ વિદ્યાપીઠ છે. સતત પરિભ્રમણ સાધુજીવનનું આગવું અંગ છે. કોઈ સ્થાનની માયા ન થાય, સર્વ સુખાય જ્ઞાનનું વિતરણ થાય તે માટે સાધુ તો ચલતા ભલા એમ કહીએ છીએ. સાધુનો ઉપદેશ શબ્દો દ્વારા પ્રાપ્ત થાય છે. સાધુના અનેક શબ્દોનો વ્યાપ સમુદ્ર સમાન હોય પણ તેમાંથી રત્નો મેળવી લેવાની કાળજી ગૃહસ્થે કરવાની છે. પૂજ્ય જલારામ બાપાનો ઉપદેશ, ‘દે રોટલાનો ટુકડો તો છે ઈશ્વર ઢૂંકડો’. આવું રત્ન છે. જેને તેનું મૂલ્ય સમજાય છે તેનો બેડો પાર થઈ જાય છે.
સાધુના વ્યક્તવ્યમાં ઘણું બિનજરૂરી પણ હોઈ શકે. કબીરજી તેથી કહે છે કે, જે ચિંતનમાં મંદ છે – અંધશ્રદ્ધા ધરાવે છે તેના હાથમાં રત્નો નથી આવતાં પણ કશી કિંમત વિનાના કાંકરા જ પકડાય છે.
જ્ઞાન વિનાની ભક્તિ બાહ્ય આડંબરમાં પરિણમે છે. ભક્તિ વિનાનું જ્ઞાન અહમ્ અને બેજવાબદારી ભણી દોરી જાય છે. કબીરજીના ઉપદેશનું હાર્દ વિવેકબુદ્ધિ છે. વિચારશીલ મનુષ્ય સાચી સાધના કરી શકે છે. જોકે જૈન સંપ્રદાયનો મત અને પદ્ધતિ અલગ છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)
