કબીરવાણી: પરમાર્થની ભાવના

 

સરવર તરવર સંત જન ઔર ચોથા બરસે મેહ,

પરમારથ કે કારને, ચારોં ધારી દેહ.

 

કબીરજીની આ જાણીતી સાખી આપણને સંસ્કૃત સુભાષિતનું સ્મરણ કરાવે છે. નરસિંહ મહેતાએ વૈષ્ણવજનનું પ્રથમ લક્ષણ-‘જે પીડ પરાઈ જાણે રે’ એમ દર્શાવ્યું છે. પરોપકારથી જ આપણું જીવન ધન્ય બને છે. પરદુઃખ નિવારવામાં સદાય તત્પર એવાં ચાર ઉદાહરણ કબીરજી આપે છે.

સરવરમાં પાણીનો સંગ્રહ થાય છે. વર્ષાઋતુ બાદ શિયાળા અને ઉનાળામાં આ જળ માણસો, પશુઓ અને પંખીઓનું જીવન ટકાવી રાખે છે. તરવર-વૃક્ષનાં પાંચ અંગો મૂળ, થડ, પાન, ફૂલ અને ફળ અનેક ઉપયોગમાં આવે છે. ધોમધખતા તાપમાં શીતળ છાંય આપે છે. વરસાદ વરસે છે તેથી ધરા તૃપ્ત થઈ લીલીછમ થાય છે. ખેતી દ્વારા કણનું મણ અનાજ પાકે છે. સૌ જીવો માટે પોષણનું માધ્યમ બને છે.

આ જ રીતે સંત સંસારી જેમ સ્વાર્થમાં રચ્યાપચ્યા નથી રહેતા પણ પરોપકાર અર્થે જ તેમની દરેક પ્રવૃત્તિ હોય છે. જનસેવા એ જ ઈશ્વરસેવા જેવો મુદ્રાલેખ આ સાખીમાં સમાયેલો છે. સંતજનની સાચી ઓળખ પરમાર્થની ભાવના જ છે. અન્યના સુખે સુખી, દુ:ખે દુ:ખી થાય તે સંત.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)