કબીરવાણી : સમર્પણ વિના પ્રેમ નહીં

 

પ્રેમ પિયાલા સો પિયે, શીશ દચ્છિના દેય,

લોભી શીશ ન દે સકે, નામ પ્રેમ કા લેય.

 

કબીરજીની સાખીમાં પ્રેમનો ખ્યાલ એટલો વિશાળ છે કે, તેને કોઈ વ્યાખ્યાના ચોગઠામાં સમાવી ન શકાય. સૌ પ્રેમનો ઢોંગ કરી શકે છે, કરે જ છે. જ્યારે એકાકાર થઈ સમર્પણ કરવાનો પ્રસંગ આવે ત્યારે અહમ્-લોભરૂપી બે હાથ પ્રેમને રોકી લે છે.

કબીરજી કહે છે કે, પ્રેમનો પ્યાલો નિઃશુલ્ક નથી મળતો. તે માટે માથું મૂકવાનું છે. પ્રેમની સાચી દક્ષિણા અહરૂપી શીશને ભૂલી જવાની છે. અહમ્ છોડવો છે પણ કાંઈક મેળવી લેવાનો લોભ થાય છે.

આપણે સૌને કાંઈક બનવું છે – સાથે સાથે કાંઈક બનાવવું પણ છે. આ એષણા છૂટે તો પ્રેમનું દ્વાર ખૂલે. કબીરજી સમર્પણની મહત્તા સાથે આપણા કૃપણ મન તરફ અંગૂલિનિર્દેશ કરે છે. જ્યારે મન સંકુચિત થાય, દરેક વસ્તુમાં શંકા કરે – ભેદ પાડે અને સ્વમાં રત રહે ત્યારે અનર્થ થાય છે.

દૈનિક જીવનમાં આપણા સાંકડા થયેલા મનના કારણે આપણે અતિમનસના અવતરણથી વંચિત રહીએ છીએ. પ્રકાશને બદલે અંધકાર, શ્રદ્ધાને બદલે ભય, પરમાર્થને બદલે સ્વાર્થ અને પ્રેમના બદલે હિંસાના વાતાવરણમાં અટવાયા કરીએ છીએ.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)