વિમર્શથી દૃષ્ટિ સુધી : યુધિષ્ઠિરનું નેતૃત્વ આજના યુગ માટે

મહાભારતના ઉદ્યોગ પર્વમાં યુદ્ધ પહેલાં યુધિષ્ઠિર અને સંજય વચ્ચેનો સંવાદ માત્ર રાજકીય ઔપચારિકતા નથી, પરંતુ નેતૃત્વની ઊંડાણભરી શાળા છે, જ્યાં યુધિષ્ઠિરની મૌન દૃષ્ટિ, તીખા પ્રશ્નો અને વિચારશીલતા સ્પષ્ટ કરે છે કે સાચો નેતા ઉતાવળે નિર્ણય લેતો નથી; તે પહેલા સાંભળે છે, માહિતી એકત્ર કરે છે, વિવિધ દૃષ્ટિકોણને તોલે છે અને ત્યારબાદ જ દિશા નક્કી કરે છે. આ જ વિમર્શ છે, જે વિઝનને જન્મ આપે છે.

આજના સમયમાં સંચાલન ઘણીવાર ઝડપ, નિર્ણાયકતા અને તત્કાળ લેવાતા પગલાંને મહત્વ આપે છે, પરંતુ અનુભવ બતાવે છે કે ચર્ચા વિના લેવાયેલા નિર્ણયો ટૂંકા ગાળે ભલે અસરકારક લાગે છતાં લાંબા ગાળે જોખમી સાબિત થાય છે.

અમેરિકન રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકને ગૃહયુદ્ધના કઠિન સમયમાં ‘Team of Rivals’ બનાવી, પોતાનો વિરોધ કરનારા નેતાઓને પણ કેબિનેટમાં સામેલ કર્યા, કારણ કે વિવિધ મતોથી જ સંતુલિત નિર્ણય શક્ય છે; ઓટોમોબાઈલ ઉદ્યોગમાં, ફોર્ડ મોટર કંપનીના એલન મ્યુલાલીએ ગંભીર આર્થિક સંકટ દરમિયાન ખુલ્લી ચર્ચા સંસ્કૃતિ ઉભી કરી, જ્યાં ખરાબ સમાચાર છુપાવવાને બદલે બોર્ડરૂમમાં રજૂ થતા, પરિણામે કંપની સરકારી બેલઆઉટ વિના પુનઃજીવિત થઈ.

ભારતીય સંદર્ભમાં જોઈએ તો ચૂંટણી પંચના પૂર્વ મુખ્ય ચૂંટણી આયુક્ત એસ.વાય. કુરૈશીએ સંવેદનશીલ નિર્ણયો લેતા પહેલા તમામ હિતધારકો સાથે વિસ્તૃત ચર્ચા પર ભાર મૂક્યો, જેથી લોકશાહી પ્રક્રિયામાં વિશ્વાસ જળવાયો.

આ તમામ ઉદાહરણો એક જ સત્ય તરફ ઈશારો કરે છે કે ચર્ચા-વિમર્શ નબળાઈ નથી, પરંતુ પરિપક્વતાની નિશાની છે—જ્યાં નેતા પ્રશ્નોથી ડરે નહીં, ત્યાં દિશા સ્પષ્ટ બને છે.

આજના યુગમાં અવાજ ઉંચો રાખનારને શક્તિશાળી માનવામાં આવે છે, જ્યારે યુધિષ્ઠિર યાદ અપાવે છે કે શાંત મન, ખુલ્લા કાન અને વિચારશીલ હૃદય ધરાવતો નેતા જ સંસ્થા અને સમાજને સુરક્ષિત ભવિષ્ય આપી શકે છે, કારણ કે વિમર્શથી જ દૃષ્ટિ જન્મે છે અને દૃષ્ટિ વિના નિર્ણય અંધકારમાં ભરેલું પગલું બની રહે છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ઝરણીઅને ચિંતનકણિકાના સંગ્રહ નિજાનંદઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)