હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા

આજે કોઈ પણ કુટુંબ કે સંસ્થા અથવા કંપનીમાં કોઈ એક વ્યક્તિ પોતાને કારણે જ બધું ચાલે છે એ મનોવૃત્તિ એટલે કે, ‘હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે,’

જેવી મનોવૃત્તિથી ચાલતો હોય તે સરવાળે ખૂબ નુકસાનકારક નીવડે છે. એક મશીનમાં જુદા જુદા ચક્કર હોય તે એ ચક્રો એકબીજા સાથે તાલમેલથી ચાલે તો જ મશીન સારી કામગીરી કરી શકે. આ બધાં ચક્કરો, જે કોઈ ચોક્કસ ધાતુના બનેલા હોય છે, પણ એમનો એકબીજા સાથેનો તાલમેલ અને સંવાદિતા જ કાર્ય સાધે છે તેમ કોઈ પણ સ્પર્ધા કે યુદ્ધ જીતવા માટે આ પાયાનું પરિબળ છે.

આમાં એક ચક્ર જો મોંઘામાં મોંઘી ધાતુ પ્લેટીનમનું બનાવો પણ જો એ બીજા સાથે સંવાદિતા ન સાધે તો મશીન ચાલી જ શકે નહીં. મત્સ્યવેધ કર્યા બાદ અર્જુનના મનમાં પણ કંઈક આવું જ ભરાયું હતું કે પોતાની ક્ષમતાથી જ આ થયું છે. એણે મૂછે તાવ દેતા કૃષ્ણને કહ્યું કે, ‘હે સખા! આ સિદ્ધિ તો માત્ર ને માત્ર મારી જ છે ને?’ ત્યારે પેલા ચિરપરિચિત મંદ મંદ હાસ્ય સાથે શ્રીકૃષ્ણએ એને જવાબ આપ્યો, ‘પાર્થ! તું જ્યારે ત્રાજવામાં બે પગ મૂકી સંતુલન અને નિશાન લેવા પ્રવૃત્ત બન્યો ત્યારે જે પાણીમાં જોઈને તારે આ નિશાન તાકવાનું હતું તે પાણીને મેં સ્થિર કરી દીધું હતું, તેનો તને ખ્યાલ છે?’

દરેક કંપની, સંસ્થા, સરકાર કે કુટુંબમાં કેટલાક વ્યક્તિઓનું કામ બહાર દેખાય છે, એટલે એમના કા૨ણે બધું જ ચાલે છે એવો ભ્રમ ઊભો થતો હોય છે પણ એની પાછળ પેલું પાણી સ્થિર કરી નાખનાર કૃષ્ણબળ ક્યાંક ને ક્યાંક પડેલું છે અને એ શક્તિ અથવા ક્ષમતા કોઠાસૂઝ અને અનુભવથી આવે છે, હોદ્દા અને સિનિયોરિટીથી નહીં.

કોઈ પણ સંસ્થામાં એક પટાવાળા જેવા નાના વ્યક્તિથી માંડી પર્સનલ સેક્રેટરી કે સ્ટેનોગ્રાફર અથવા નાના અધિકારીઓનું સંચિત જ્ઞાન/ અનુભવ ઘણા બધા મોટા સાહેબો કે મંત્રીઓની સફળ કામગીરી માટે જવાબદાર હોય છે, એ આપણે એ જાણીએ છીએ ખરા?

આ છુપા પણ નિર્ણાયક કૃષ્ણબળ વિશે સભાન બનો અને એને સ્વીકારો.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ઝરણીઅને ચિંતનકણિકાના સંગ્રહ નિજાનંદઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)