કેટલીક વખત ચર્ચાઓ કરતાં deadlock situation (મડાગાંઠ) ઊભી થતી હોય છે. ડેડલોક સિચ્યુએશન એટલે ગમે એટલી ચર્ચાઓ કરવા છતાં કોઈ પરિણામ ન આવવું. આવી પરિસ્થિતી ઊભી થાય ત્યારે આપણે એક પાયાનો સિદ્ધાંત ભૂલી જઈએ છીએ કે કોઈપણ સમસ્યા એના જોડિયા ભાઈ ઉકેલ સાથે જ જન્મે છે. એવું કહેવાય છે કે જો કોઈ સમસ્યાનું કોઈ સમાધાન જ ના હોય તો એ સમસ્યા અસ્તિત્વમાં જ નથી. ઉકેલ ન હોવો એવું સ્વીકારી લેવું એ આપણા મનની ઉકેલ ના શોધવાની અસમર્થતા દર્શાવે છે. એટલે ઉકેલ તો છે જ.
ઉકેલને શોધવો, સ્વીકારવો અને તેનો તમારા હિતમાં ઉપયોગ કરવો એ તમારી બુદ્ધિમત્તા અને સારાસારનો વિવેક માંગી લે છે.
શ્રીકૃષ્ણ તો બધું જાણતા હતા. એમને ખબર હતી કે મહાભારતનું યુદ્ધ હવે નિશ્ચિત છે, વિનાશ પણ એટલો જ નિશ્ચિત છે છતાં પણ એ દૂત બનીને કૌરવસભામાં ગયા. એમણે યુદ્ધ રોકવાના અંતિમ પ્રયાસ તરીકે પાંડવોને માત્ર પાંચ ગામડાં આપવાની માંગણી કરી. . [અહીં કૃષ્ણ આવવાના છે એ જાણ થતા, એ સંદર્ભે આખી કૌરવસભાએ મંત્રણા કરી ત્યારે વિદુરજીએ ‘તેઓ પાંચ ગામડા તો ભાગરૂપે માંગે છે’ એમ કહ્યું હતું.] (દિનકર જોશી રચિત- ઉદ્યોગપર્વ પા.નં 495) પાંડવો પાંચ ગામ સ્વીકારીને પણ સમાધાન માટે રાજી હતા. દુર્યોધને જો શ્રીકૃષ્ણની એ માંગણી સ્વીકારી લીધી હોત તો યુદ્ધ ટાળી શકાયું હોત. એટલે એમ કહી શકાય કે મહાભારતના યુદ્ધમાં પણ સમાધાન અથવા ઉકેલ તો હતો જ પણ સામે પક્ષે નિર્ણાયક ભૂમિકા ભજવી રહેલા લોકો એટલા સ્વાર્થી અને અભિમાની હતા અથવા પરિણામને જોઈ શકતા નહોતા.
એટલે કોઈપણ સંસ્થા કે સમાજના કિસ્સામાં જે વ્યક્તિ પાસે નિર્ણય લેવાની શક્તિ છે તે તટસ્થ હોવો જોઈએ. વિવેક અને સારાસારનું ભાન રાખનાર હોવો જોઈએ, નહીં તો ટ્રમ્પ અને ઝેલેન્સ્કી જેવુ થાય. શ્રીકૃષ્ણ તો તટસ્થ દૂત તરીકે વર્ત્યા પણ સામે કૌરવોના પક્ષે કોઈ તટસ્થતાપૂર્વક નિર્ણય ન લઈ શક્યું. જો એવું થયું હોત તો મહાભારતનું યુદ્ધ પણ ટાળી શકાયું હોત. યાદ રાખો, કોઈ પણ ચર્ચામાં બેસો તો ખુલ્લા મનથી, તટસ્થતાથી સારાસારનો વિચાર કરીને બેસો. તો ક્યારેય ડેડલોક પરિસ્થિતી ઊભી નહીં થાય. કોઈપણ ધંધાકીય સંચાલન માટે પણ આ જરૂરી છે. ક્યારેક બે ભાગીદારો વચ્ચે મતભેદ થઈ શકે પણ થોડુંઘણું બંને પક્ષે જતું કરી ઉકેલ લાવવાની ભાવનાથી પ્રયાસ કરવામાં આવે તો વિનાશ અટકી શકે અને ભાગીદારી બચી જાય.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)
