માણસના છ દુશ્મનો છે. કામ, ક્રોમ, મોહ, લોભ, મદ અને મત્સર. આ દુશ્મનો વત્તેઓછે અંશે દરેક વ્યક્તિમાં મોજૂદ હોય છે. કેટલાક પોતાની દૃઢ ઇચ્છાશક્તિથી એમના પર કાબૂ રાખી શકે છે. આમ છતાંય કોઈ નબળી પળે આમાંનો એકાદો એમના પર હાવી થઈ જાય છે.
અર્જુનવિષાદ યોગ- શ્રેષ્ઠ ધનુર્ધર અને યોદ્ધા અર્જુનને બંને બાજુ ગોઠવાયેલ સેનાઓ જોતાં લાગણીસભર બનાવી મોહમાં બાંધી લે છે. તમે મોહમાં પડો એટલે ચિત્તની સ્વસ્થતા અને તટસ્થતા ગુમાવો છો. કોઈ પણ માણસ માટે સંપૂર્ણપણે તટસ્થ હોવું શક્ય નથી. પોતાનાં ચાર સંતાનો હોય તો એમાં પણ થોડોઘણો પક્ષપાત તો રહેવાનો. આ જ રીતે કોઈપણ ધંધો કે ઉદ્યોગના મેનેજમેન્ટમાં તમે કોઈ ચોક્કસ વ્યક્તિના મોહમાં આવશો અને નિર્ણયની પ્રક્રિયા એને આધીન થશે તો એક નેતૃત્વ પૂરું પાડનાર ચીફ એક્ઝિકયુટિવ અને મેનેજર તરીકેની વિશ્વસનિયતા નંદવાશે.
યાદ રાખોઃ ‘ઈટ ઈઝ નોટ સફિશિયન્ટ ધેટ યુ આર ન્યુટ્રલ. યુ મસ્ટ અપીયર ટુ બી ન્યુટ્રલ ઓલ્સો.’
કૃષ્ણ અર્જુનના સખા હોવા છતાં એને સ્પષ્ટ કહી શકતા હતા. તમારા સલાહકારો પણ તમને સ્પષ્ટ કહી શકે. ઘરમાં દીકરો કે દીકરી પણ પોતાનો અભિપ્રાય મુક્તમને વ્યક્ત કરી શકે તો તમે કોઈ પણ કટોકટી શરૂ થાય તે પહેલા જ જીતી જશો.
વિજયી ભવઃ!!
યાદ રાખો, જ્યારે તમારી તટસ્થતામાં તિરાડ પડે છે, ત્યારે એનો સૌથી પહેલો ભોગ તમારી વિશ્વસનિયતા બને છે. કૃષ્ણ અર્જુનના સારથી હતા. સારથી એટલે રથને દોરનાર અને એમની બળૂકી યાદવ સેના દુર્યોધનપક્ષે લડતી હતી છતાંય પોતે શસ્ત્ર નહીં ઉપાડે એ પ્રતિજ્ઞા સાથે કૃષ્ણ અર્જુનના સારથી બન્યા હતા. જ્યાં કૃષ્ણ જેવા માર્ગદર્શક હોય ત્યાં વિજય અથવા સફળતા દોડતી આવે છે. તમે તમારા કુટુંબના કે વેપારી સાહસના મોભી છો તો ધૃતરાષ્ટ્ર ન બનશો કૃષ્ણ બનજો. વિજય તમારો જ છે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)