ગીતાનો કર્મયોગનો સિદ્ધાંત આજે પણ એટલો જ પ્રસ્તુત છે. આધુનિક સમયમાં ટીમ માટે રમવાનું છે, પોતાની સિદ્ધિ માટે નહીં. આમ થાય તો મહત્તમ સફળતા મળી શકે. આ ભાવથી જ અન્યત્ર પણ સમજાવ્યું છે તે રીતે ‘કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેષુ કદાચના’ કહેવાયું છે. ટીમના સભ્ય તરીકે તારું કામ તારે જે કરવાનું છે, તે સારામાં સારી રીતે સંપન્ન કરવાનું છે. બાકી જેને જે ક૨વાનું છે તે ક૨શે તો ઉત્તમ ફળ મળશે જ.
હળવાશની પળોમાં એક પ્રસંગ યાદ આવે છે. મારી સોસાયટીમાં કામ કરતા એક વ્યક્તિએ જન્માષ્ટમીનો ઉપવાસ કર્યો. મેં એને કહ્યું, ‘ફળ તો ખા.’ તે સામે તેનો જવાબ હતો, ‘બેન, ભગવાને જ કહ્યું છે કે, ફળ ઉપર તારો અધિકાર નથી! જો ફળ ખાઈશ તો વ્રતનું પુણ્ય નહીં મળે.’ આ એની સમજ હતી કે વ્રત કરવું હોય તો ફળ ભગવાન આપશે.
ફળાહાર પણ ન થાય, જ્યારે આપણામાંના મોટા ભાગના લોકો ઉપવાસને બદલે ‘અપવાસ’ કરીને છીએ. જાતજાતની વાનગીઓ પેટ ભરીને ઝાપટીએ! ટીમ તરીકે સારામાં સારો દેખાવ કરવો હોય તો પોતાની સદી થાય એમ ધીમે ધીમે રમીને ટાર્ગેટ અશક્ય કરી નાખવો તેને બદલે ચોગ્ગા અને છગ્ગા ફટકારીને આઉટ થઈ જવું અને ટીમને પોતાની સદી ભલે ન થઈ પણ જીતના બારણે લાવી દેવું એ જ આ ‘કર્મણ્યે વાધિકારસ્તે’નો સિદ્ધાંત છે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)