અઢારમાં અધ્યાયમાં શ્રીમદ્ ભગવદ ગીતા સમાપ્ત થાય છે. આ મહાભારતનો અંત કેમ પાંડવોના વિજયમાં આવ્યો તે માટે છેલ્લા શ્લોકમાં નીચે મુજબ કહેવાયું છે:
यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः।
तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम।। (અધ્યાય: ૧૮, શ્લોક: ૭૮)
હવે ભૂતકાળ તરફ પાછા ફરીએ. મહાભારતનું યુદ્ધ નિશ્ચિત હતું. શ્રીકૃષ્ણ અને બલરામજી તેમજ યાદવસેના અતિબળવાન કહી શકાય એવું પરિબળ હતું. બંને પક્ષે શ્રીકૃષ્ણને વિનંતી કરવા માટે પાંડવો તરફથી અર્જુન અને બીજી તરફથી દુર્યોધન કૌરવો વતી ગયા. ભગવાન આરામમાં હતા. દુયોધને એમના ઓશીકે સ્થાન જમાવ્યું. અર્જુન અત્યંત વિનમ્રતાપૂર્વક પગ તરફ એટલે કે પાંગથે બેઠો. સ્વાભાવિક છે, ભગવાનની આંખ ખૂલી એટલે પહેલી નજર અર્જુન પર પડી. ત્યાર બાદ દુર્યોધનની હાજરી નોંધાઈ. બંનેએ પોતપોતાની વાત મૂકી એટલે શ્રીકૃષ્ણે અત્યંત ઠાવકાઈપૂર્વક કહ્યું કે, ‘મારી બે શરત છે. પહેલી, એક તરફ અમારી સેના હશે તો સામી ત૨ફ હું હોઈશ. પણ હું શસ્ત્ર નહીં ઉપાડું અને બીજી શરત, મારી નજર અર્જુન પર પહેલી પડી છે એટલે પસંદગીનો પહેલો અધિકાર એનો છે.’ સ્વાભાવિક રીતે દુર્યોધનના પેટમાં ફાળ પડી. અર્જુન યાદવસેવા જ માગી લેશે. પછી આ એકલા નિઃશસ્ત્ર કૃષ્ણને લઈ જઈને અમે કરીશું શું?
પણ.. અર્જુને એવું ના કર્યું. એણે શ્રીકૃષ્ણને માગ્યા. દુર્યોધનને મનમાં ને મનમાં અર્જુનની મૂર્ખતા પર હસવું આવ્યું. પણ એને જે જોઈતું હતું તે મળી ગયું. મહાભારતના યુદ્ધમાં શ્રીકૃષ્ણ અર્જુનના સારથિ બન્યા. સારથિ એટલે માત્ર રથ હાંકનાર જ નહીં પણ રસ્તાની આંટીઘૂંટીનો જાણકાર અને ઘોડાને ક્યાં કેટલા દોડાવવા તે વિશે જેને જ્ઞાન હોય તે.
સરવાળે એક મહાબળવાન સંયોજન ઊભું થયું. અર્જુન અને એના સલાહકાર સારથિ એવા શ્રીકૃષ્ણ નિઃશસ્ત્ર કર્ણ ઉપર હથિયાર ચલાવવાથી માંડીને ધર્મરાજ યુધિષ્ઠિરને ‘નરો વા, કુંજરો વા’ કહેવાની સલાહ આપનાર આ જ શ્રીકૃષ્ણ. જો કર્ણ એ દિવસે ન રોકાયો હોત અથવા મહાભયંકર યુદ્ધ કરી રહેલા દ્રોણાચાર્યને, તેમનો પુત્ર હણાયો એના આઘાતથી હતપ્રભ ન કરી દેવાયા હોત તો મહાસંહાર થયો હોત અને પાંડવ સેનાનો સફાયો થઈ ગયો હોત.
મૂળ તો હતાશ અર્જુનને લડવા માટેની પ્રેરણા આપી ત્યાર પછીના પગલે પગલે દોરવણી આપનાર શ્રીકૃષ્ણ જ હતા અને એટલે જ લેખની શરૂઆતમાં જ શ્રીમદ્ ભગવદ્ગીતાજીના અઢારમાં અધ્યાયમાંથી આ આખાય યુદ્ધમાં પાંડવોનો વિજય કેમ થયો તેનો નિષ્કર્ષ આપતા શ્લોકથી ચર્ચાની શરૂઆત કરી છે.
કોઈ પણ સંસ્થા, રાજ્ય, કુટુંબ અથવા કંપનીને એના સલાહકારો તારે પણ છે અને ડૂબાડે પણ છે. તમે સેના અને સલાહકાર એ બેની પસંદગીમાં જો ગૂંચવાયા તો એ દુર્યોધની નિર્ણય ભારે પડી જશે. તમને નિર્ભિકપણે સાચું પણ સ્પષ્ટ કહેનાર સલાહકાર તમારા માટે મોટી મૂડી છે અને એ રીતે જો અર્જુન તેમજ શ્રીકૃષ્ણનો સંબંધ ઊભો થાય તો વિજય ત્યારે જ નક્કી થઈ જાય છે.
ગોબલ્સની સલાહે હિટલરનો દાટ વાળ્યો. જર્મન સેનાપતિને અવગણીને હેડક્વાર્ટરે નોર્મન્ડી બીચનું યુદ્ધ હારવાનો નિર્ણય કરી નાખ્યો. તમારા સલાહકાર કોણ છે અને એને એક વખત પૂરી ચકાસણી બાદ પસંદ કરી લીધા ત્યાર બાદ એના પર તમે કેટલો વિશ્વાસ મૂક્યો છે, એની સલાહને કેટલું વજન આપો છો એ ખૂબ અગત્યનું છે. ખોટા સલાહકારોએ અનેક ઔદ્યોગિક સામ્રાજ્યો ડૂબાડ્યા છે. અનેક કુટુંબોને ફના-ફાતિયા કરી નાખ્યા છે. સલાહકારની યોગ્ય પસંદગી અને ત્યાર બાદ એનામાં સંપૂર્ણ વિશ્વાસ સાથેનું ટીમવર્ક તમારો વિજય નિશ્ચિત કરી આપે છે. એટલે જ કહેવાયું છે કેઃ ‘નમન નમન મેં ફેર હે, બહુત નમે નાદાન.’
મીઠાબોલા લુચ્ચા સલાહકારોથી દૂર રહો. તમારી ભૂલ થતી હોય ત્યાં નિર્ભિક રીતે પોતાનો મત આપે એવા સક્ષમ સલાહકારની પસંદગી જ તમે યુદ્ધના મેદાનમાં ઉતરો તે પહેલા યુદ્ધ જીતાડી દે છે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)
