મહારાષ્ટ્રમાં ભાજપને બહુમતી મળ્યા છતાં શિંદેની નારાજગીના કારણે સરકાર ગઠનમાં મોડુ થઈ રહ્યું છે તેવી અટકળો ચાલી રહી હતી. એકનાથ શિંદેને મુખ્યમંત્રી પદ ન મળવાનું હોવાથી નારાજ હોવાની અટકળો ચાલી રહી હતી. શિંદે જૂથ સતત એકનાથ શિંદેને મુખ્યંમંત્રી બનાવવાની માગ કરી રહ્યુ હતું. જેને લઈને પાર્ટીના નેતાઓ તરફથી નારાબાજી અને ટીકા-ટિપ્પણીઓ પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર બાબતનું નિરાકરણ લાવવા દિલ્હીમાં મહાયુતિની સહયોગી પાર્ટીની બેઠક યોજાઈ હતી, જેમાં ભાજપનો નેતા મુખ્યમંત્રી બનશે તેવું નક્કી થયું હતું. જ્યારબાદ એવી પણ વાત સામે આવી હતી કે, શિંદેએ ગૃહ મંત્રાલય માગ્યું પરંતુ ભાજપે ગૃહ મંત્રાલયનો ઈનકાર કરી દીધો છે. જોકે, આ વિષય બંને પાર્ટી તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નહતું.
જોકે, હવે આ તમામ અટકળોનો અંત આવી ગયો છે. એકનાથ શિંદેએ પોતાનું નિવેદન રજૂ કરી આ અટકળોનો અંત લાવ્યો છે. શિંદેએ કહ્યું કે, જે પણ મુખ્યમંત્રી બનશે તેને મારૂ સમર્થન રહેશે. એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદની રાજકીય ઘમાસાણો પર પૂર્ણ વિરામ મુકતા જણાવ્યું હતું કે, “હું મારી ભૂમિકાને લઈને ક્લિયર છું. PM મોદી અને અમિત શાહ મુખ્યમંત્રીના પદ માટે જે પણ નિર્ણય લેશે, હું મજબૂતી સાથે તેનો સાથ આપીશ. મહાયુતિમાં ત્રણેય પક્ષો વચ્ચે સમન્વય છે.” નોંધનીય છે કે, શનિવારે એનસીપીના નેતા અજિત પવારે કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભાજપનો જ હશે. આ સિવાય બે નાયબ મુખ્યમંત્રી શિવસેના અને એનસીપીમાંથી હશે. જોકે, હવે શિંદેએ ખુલીને વાત કરી છે કે, મુખ્યમંત્રી પદને લઈને વડાપ્રધાન મોદી અને અમિત શાહ નિર્ણય લેશે.
દિલ્હીમાં બેઠક પૂર્ણ થતાં જ એકનાથ શિંદે કંઈ પણ કહ્યા વિના મુંબઈમાં શિવસેનાના ધારાસભ્યની મિટીંગ રદ કરી સતારા તેમના ગામડે જતા રહ્યા હતાં. જેને લઈને એકનાથ શિંદે કંઈ નવીજૂની કરશે તેવી અટકળો ચાલી રહી હતી. જોકે, હાલ શિંદેએ સ્પષ્ટ કરી દીધું છે કે, મોદી અને અમિત શાહ જે નિર્ણય લેશે તેમાં મારૂ સમર્થન છે. જોકે, કંઈપણ કહ્યા વિના ગામડે પહોંચી જવાની અટકળો વિશે એકનાથ શિંદેએ પોતે સ્પષ્ટતા કરી છે. શિંદેએ કહ્યું કે, મારી તબિયત સારી છે. હું ગામડે આરામ કરવા આવ્યો હતો. ચૂંટણીના કામ અને અઢી વર્ષમાં રજા ન લેવાના કારણે હું આરામ કરવા આવ્યો હતો. મારી તબિયત થોડી ખરાબ હતી જે હવે સારી છે. જોકે, ગૃહ મંત્રાલયને લઈને શિંદેએ હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી.