સ્માર્ટફોનમાં મેસેજીસની આપ-લે કરવા માટે ઈમોજીસનો યુઝ કોઇથી અજાણ્યો નથી. ઉલ્ટાનું, વધારે શબ્દો ટાઇપ કરવાની માથાકૂટ કરવા કરતાં લોકો ઇમોજી દ્વારા ટૂંકમાં જ જે કહેવાનું જે એ કહી દેવાનું વધારે પસંદ કરે છે. કહ્યા વગર મનની વ્યથા કે પ્રેમ વ્યકત કરવા માટે ઇમોજીસનો ઉપયોગ કરવામાં ભારતીયો પણ પાછળ નથી. દર વર્ષે 17 જુલાઈ સમગ્ર વિશ્વમાં ઈમોજી ડે તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે ચાલો આ ઇમોજીની દુનિયામાં ડોકિયું કરીએ..
દરરોજ ટેકનોલોજીમાં નવા નવા અવિષ્કાર થતાં જ રહે છે. આજના ઝડપી અને ટેકનોલોજીના યુગમાં દરેક વ્યક્તિ એન્ડ્રોઈડ મોબાઈલ ફોનથી પરિચિત બની છે. વોટ્સેએપ , ફેસબુક, અને બીજી ઘણી એપ્લીકેશનનો ઉપયોગ કરતો થયો છે. ત્યારે મેસેજમાં ઈમોજી વગર વાત કરવાની કલ્પના પણ શક્ય નથી. ભાગ્યે જ કોઈ એવું વ્યક્તિ જોવા મળશે જે ચેટીંગ દરમિયાન ઈમોજીનો ઉપયોગ ન કરતું હોય.
ઇમોજી દિવસની શરૂઆત ક્યારે થઈ?
જાપાનની ટેલિકોમ કંપની NTT ડોકોમોમાં કામ કરતા શિગેતાકા કુરિતાએ પ્રથમ ઈમોજીની શોધ કરી હતી. એ ઈમોજીના પિતા તરીકે ઓળખાય છે. શિગેતાકાને ઈમોજી દ્વારા મોબાઇલ પર ટેક્સ્ટ મોકલવાનો વિચાર આવ્યો. 22 ફેબ્રુઆરી 1999ના રોજ એમણે 176 રંગબેરંગી ઈમોજીનો સેટ તૈયાર કર્યો. એમનો આ પ્રયોગ લોકોને પસંદ આવ્યો. ત્યાર પછી 2016 માં, શિગેતાકાના ઇમોજી સેટને ન્યૂયોર્કના મ્યુઝિયમ ઑફ મોડર્ન આર્ટમાં રાખવામાં આવ્યો હતો. આ પછી ઈમોજી વિશ્વમાં ફેમસ થઈ. ત્યારથી 17 જુલાઈને વિશ્વ ઈમોજી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
કેવી રીતે કરવામાં આવે છે ઇમોજીનો ઉપયોગ?
ઈમોજી બે જાપાનીઝ શબ્દો ‘e’ એટલે કે ‘ઈમેજ’ અને ‘મોજી’ એટલે કે ‘પાત્ર’થી બનેલું છે. જે એક નાનું ડિજિટલ ચિત્ર અથવા આઇકન છે જેનો ઉપયોગ લોકો લાગણી દર્શાવવા માટે કરે છે. હાસ્ય, આનંદ, ઉદાસી, આભાર, આવકાર જેવી અનેક વાતોને રજૂ કરવા માટે અલગ-અલગ ઈમોજીસનો ઉપયોગ કરવામાં આવે છે.
ઇમોજી એટલે?
સામાન્ય રીતે ઘણા લોકો ઈમોજીને ઈમોટિકન સ્માઈલ કહે છે. પરંતુ એ માત્ર હસતા ચહેરાની જ ઈમેજ નથી. હકીકતમાં એ માનવમનની અભિવ્યક્તિનું ચિત્રણ પણ કરે છે. જેના દ્ધારા મનુષ્યની વિવિધ લાગણીઓ સ્પષ્ટ થાય છે.
ભારતમાં ક્યું ઈમોજી છે સૌથી લોકપ્રિય?
ડિજિટલ વિશ્વમાં ચેટિંગ અને ઇમોજીનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. બોલ્યા કે લખ્યા વિના તમારી વાત કોઈની સાથે શેર કરવી હોય કે પછી તમારી લાગણીઓ વ્યક્ત કરવી હોય, ઈમોજી બંને કાર્યોને ખૂબ જ સરળતાથી વ્યક્ત કરે છે. જો કે ચેટિંગ, મેઇલ, સોશિયલ મીડિયા, ટેક્સ્ટ મેસેજ વગેરેમાં ઘણા પ્રકારના ઇમોજીનો ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વમાં યુનિકોડ સ્ટાન્ડર્ડમાં હાલમાં 3500થી વધુ ઈમોજીસ ઉપલબ્ધ છે. ‘ફેસ વિથ ટીઅર્સ ઓફ જોય’ એ વિશ્વનો સૌથી જાણીતું ઈમોજી છે, જેનો ઉપયોગ ફક્ત એક્સ હેન્ડલ પર 2 અબજ કરતા પણ વધારે વખત કરવામાં આવ્યો છે.
ક્રોસવર્ડ સોલ્વર દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું કે ભારતમાં સૌથી વધુ હાથ જોડીને પ્રાર્થના કરતા ઈમોજીનો ઉપયોગ કરવામાં આવે છે. એનો ઉપયોગ સામાન્ય રીતે આભાર માનવા, કોઈને વિનંતી કરવા, કોઈને અભિવાદન કરવા, આશા, આદર વગેરે માટે થાય છે. વધુ ઔપચારિક ચેટિંગ દરમિયાન એનો ઘણો ઉપયોગ થાય છે.
જયારે ઇમોજીપીડિયા અનુસાર ટિયર્સ ઓફ જોય ઇમોજી એટલે હસતી વખતે આંખોમાં આંસુનો ઉપયોગ લોકો ચેટિંગ કે મેસેજિંગ દરમિયાન કરે છે. મિત્રો સાથે વાતચીત કરવાથી માંડીને અમુક પ્રકારના રમુજી જોક્સ કે વીડિયો પર કોમેન્ટ કરવા સુધી, લોકો તેનો ઘણો ઉપયોગ કરે છે. આ ઈમોજીને વર્ષ 2021માં વર્લ્ડ ઈમોજી એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
થમ્બ્સ અપ ઇમોજીનો ઉપયોગ અભિપ્રાય સાથે સંમત થવાની લાગણી વ્યક્ત કરવા માટે થાય છે. ઉપરાંત આ ઇમોજીનો ઉપયોગ વિવિધ સંપર્કોમાં પણ થાય છે ઉદાહરણ તરીકે આક્રમકતા અથવા કટાક્ષ માટે કરાય છે. આ સિવાય લાલ, ગુલાબી હાર્ટ અને બ્લશ કરતી ઇમોજી પણ ભારતીયોની પ્રિય છે.
ઈમોજીની લોકપ્રિયતાનો અંદાજ એ પરથી પણ લગાવી શકાય છે કે ઈન્ટરનેટ પર ઘણી એપ્લિકેશનો છે જે ઈમોજી સેટિંગ્સ નિર્માતા અને અનુવાદક તરીકે કામ કરે છે. જે કંઈ પણ કહેવાતું હોય, જે પણ ભાવના હોય, આ એપ્લિકેશન્સ તરત જ ડિજિટલ વિશ્વની ઇમોજી ભાષામાં ભાષાંતર કરે છે. હકીકતમાં ઈમોજીએ લાગણીનો સંચાર એટલો સરળ બનાવ્યો છે કે શબ્દોની જરૂરિયાત ધીમે ધીમે ઓછી થઈ ગઈ છે.
હેતલ રાવ