કમિટમેન્ટ ફોબિયાઃ એ વળી કઇ બલા છે?

આજે ફરી સાચીએ મેરેજ મીટિંગ કેન્સલ કરી. આ પહેલીવાર નથી. સાચી વારંવાર કોઈને કોઈ બહાને મીટિંગ રદ કરે છે. 30 વર્ષની સાચી, એક મલ્ટીનેશનલ કંપનીમાં સિનિયર મેનેજર તરીકે કામ કરે છે. માતા સુધાબેન અને પિતા રાજેશભાઈની એકમાત્ર લાડકી દીકરી સાચી આર્થિક રીતે સ્વતંત્ર અને બંગલા, ગાડી, નોકર-ચાકર સાથે વૈભવશાળી જીવન જીવે છે.

એની ઉંમર વધતી જાય છે એટલે માતા-પિતાને સાચીના લગ્નની ચિંતા સતાવે છે. કરોડોની સંપત્તિ હોવા છતાં તેઓ ઈચ્છે છે કે સાચીને જીવનસાથી મળે. દીકરી માટે ઉત્તમ યુવકોના પ્રસ્તાવો આવે છે. એને ઘણા યુવકો પસંદ પણ પડે છે. પરંતુ અંતે એ કોઈ ને કોઈ કારણ આગળ ધરી લગ્ન માટે ના પાડી દે છે.

સાચીની આ આદતથી માતા-પિતા કંટાળી ગયા હતા. સાચીને સમજાવવા છતાં એ કંઈ બોલતી નહોતી એટલે આખરે સુધાબેને ડોક્ટરની સલાહ લેવાનું નક્કી કર્યું.

કાઉન્સેલિંગમાં ચોંકાવનારો ખુલાસો થયો. સાચી કમિટમેન્ટ ફોબિયાથી પીડાતી હતી. એને લગ્ન કરવાની ઈચ્છા હતી. યુવકો પણ પસંદ હતા, પરંતુ એને ડર હતો કે લગ્નજીવનમાં એ લાઈફ પાર્ટનરને સંબંધ વિશે કમિટમેન્ટ આપી શકશે? સપ્તપદીના ફેરામાં એ કેવી રીતે જીવનભર સાથ નીભાવવાનું વચન આપશે? આવી અનેક મથામણ એના મનમાં ચાલી રહી હતી. જેના કારણે એ ગમતા પાત્રને પણ ના કહી રહી હતી.

જાણીને થોડી નવાઈ જરૂર લાગે પણ એ હકીકત છે કે આજની યુવતીઓ અને મહિલાઓ કમિટમેન્ટ ફોબિયાથી પીડાય છે. એ પછી લગ્નજીવનની વાત હોય કે ઓફીસમાં કામ કરવાની જવાબદારી હોય, કોલેજનો પ્રોજેક્ટ હોય કે પછી શાળાનું હોમ વર્ક હોય, કમિટમેન્ટ ફોબિયાની અસર જોવા મળે છે.

જરૂર છે માત્ર સ્વને ઓળખવાની

કમિટમેન્ટ ફોબિયા શબ્દને આપણે શુધ્ધ ગુજરાતી ભાષામાં પ્રતિબદ્ધતાનો ડર કહી શકીએ. આ એક એવી અજીબોગરીબ બિમારી છે કે જે આજની પેઢી માટે ખાસ કરીને યુવતીઓ માટે લગ્ન અથવા અન્ય કોઈપણ પ્રકારના સ્થાયી સંબંધો બાંધવામાં અડખીલીરૂપ સાબિત થઈ રહી છે. પરિણામ સ્વરૂપે આજની યુવતીઓ લગ્ન કે જે આપણી સામાજિક વ્યવસ્થાનો પાયો છે એમાં જોડાવવાને બદલે લીવ-ઇન રીલેશનશીપ જેવી પાશ્રાત્ય વિચારધારાને અનુસરવાનું પસંદ કરવા લાગી છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ન્યૂમરોલોજિસ્ટ નેહા ઠક્કર કહે છે કે, “આની પાછળના કારણોમાં ભૂતકાળનો કોઈ નકારાત્મક અનુભવ, વિશ્વાસધાત, સ્વતંત્રતા ગુમાવવાનો ડર કે આત્મ વિશ્વાસની ઉણપ હોઇ શકે છે. આ પરિસ્થિતિ લગ્ન, મિત્રતા, પ્રેમ કે નોકરી જેવા તમામ ક્ષેત્રોમાં નિર્મિત થતી જોવા મળે છે.  આ વિષચક્રમાંથી છૂટવા માટે જરૂર છે માત્ર સ્વને ઓળખવાની સ્વ સાથે વાર્તાલાપ કરવાની. જે નિર્ણયક્ષમતા વધારવામાં અને સ્વસ્થ વિચારસરણી વિકસીત કરવામાં ખૂબ સહાયક સિધ્ધ થશે.”

આત્મવિશ્વાસ જાળવવો અગત્યનું છે

કમિટમેન્ટ ફોબિયા એ એક મનોવૈજ્ઞાનિક સ્થિતિ છે, જેમાં વ્યક્તિ લગ્ન કે લાંબા ગાળાના સંબંધો જેવી જવાબદારીઓથી ડરે છે, જેના કારણે તે બાંધછોડ ટાળવા બહાના શોધે છે. આ ભય સ્વતંત્રતા ગુમાવવાની ચિંતા, માતા-પિતાની ભાવનાત્મક નજીકી ગુમાવવાનો ડર, ભવિષ્યની અનિશ્ચિતતા કે ભૂતકાળના ખરાબ અનુભવોમાંથી ઉદ્ભવે છે, જેના લક્ષણોમાં નિર્ણય લેવામાં મુશ્કેલી અને ચિંતા અનુભવાય છે. આ ફોબિયા વ્યક્તિના અંગત જીવન અને ભાવનાત્મક સ્વાસ્થ્યને અસર કરી શકે છે, પરંતુ કાઉન્સેલિંગ, સેલ્ફ-રિફ્લેક્શન, પરિવારના સપોર્ટ અને ધીમે-ધીમે એક્સપોઝર દ્વારા તેનો સામનો કરી શકાય છે.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા મેરેજ બ્યુરોના ઓનર જક્ષા શાહ કહે છે, “હું મેરેજ બ્યુરો ચલાવુ છું. સાથે અનેક સામાજિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલી છું. માટે હું માનું છું કે દરેક પરિસ્થિતિને શાંત ચિત્તે સમજવી જરૂરી છે. સૌથી પહેલાં, પરિસ્થિતિનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરો. પછી, ત્રણ સ્પષ્ટ સ્ટેપ પર કામ કરો. પહેલા તો સમસ્યાને ઓળખો, બીજુ એના ઉકેલ માટે વૈકલ્પિક રસ્તાઓ શોધો, અને ત્રીજુ નિર્ણય લઈને એનો અમલ કરો. આ ઉપરાંત, પોતાના નિર્ણયો પ્રત્યે અડગ રહેવું અને આત્મવિશ્વાસ જાળવવો અગત્યનું છે. પોતાની જાતને ક્યારેય ઓછી ન આંકો. સૌ પ્રથમ તો પોતાની જાત સાથે જ કમિટમેન્ટ કરતા શીખવુ જરૂરી છે.  દરરોજ પોતાને કહો, I can do everything, I achieve everything, I am the best, I am a powerful woman!”

ડરને નાથવાથી જીત શક્ય બને છે

કમિટમેન્ટ ફોબિયા એ માત્ર ડર નથી, પરંતુ અંદરની અનિશ્ચિતતા અને ભૂતકાળના અનુભવોનું પરિણામ છે. અનેક યુવતીઓ લગ્નના નિર્ણયોમાં ખચકાટ અનુભવે છે, કારણ કે એમને લાગતું હોય છે કે એમની સ્વતંત્રતા અને કારકિર્દી જોખમમાં મૂકાઈ શકે છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અર્ચના બારોટ કહે છે રે, વર્તમાન સમયમાં કોઈને વચનમાં બંધાવવુ ગમતુ નથી. પરિવારથી લઈને દરેક ક્ષેણે હું કરીશ જ, એમ કહેતા ખચકાટ અનુભવે છે. જો કે એ યોગ્ય નથી. પોતાની જવાબદારી સ્વ લેવી એ જરૂરી છે. કોઈ પણ પ્રકારના ભયના ઓથાળા નીચે જીવવા કરતા કાઉન્સેલરની મદદથી પોતાના ડરનું મૂળ શોધવુ ઉત્તમ છે.  ધીમે-ધીમે એનો સામનો કરવો જોઈએ. પોતાની જાત પર વિશ્વાસ રાખવાથી આ સમસ્યામાંથી જરૂર બહાર નીકળી શકાય છે. કારણ કે દરેક યુવતીને ક્યારેકને ક્યારેક પ્રકિબદ્ધ થતા ડર તો લાગે જ છે. પરંતુ ડરને નાથવાથી જીત શક્ય બને છે.”

હેતલ રાવ