વિવિધતામાં એકતા: મકરસંક્રાંતિનો તહેવાર

મકરસંક્રાંતિ એટલે અંગ્રેજી નવા વર્ષનો પહેલો તહેવાર જે ભારતના વિવિધ રાજ્યોમાં ઉજવવામાં આવે છે. પરંતુ દરેક રાજયમાં મકરસંક્રાંતિની ઉજવણી જુદી જુદી રીતે થાય છે. ગુજરાતીઓ આ દિવસે ધાબા પર ચઢીને પતંગ ઉડાવતાં અને ‘કાપ્યો છે..’ના આહ્વાન સાથે ઉત્સાહમાં મગ્ન રહે છે, ત્યારે ભારતના અન્ય રાજ્યોમાં પણ વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે.

આ દિવસ દેશમાં વિવિધ સાંસ્કૃતિક અને પરંપરાગત તહેવારોના મેળાનું પ્રતિક છે. તો આવો જાણીએ ક્યાં રાજયમાં કઈ  રીતે ઉજવાય છે મકરસંક્રાંતિ?

ગુજરાત-ઉતરાયણ(મકરસંક્રાંતિ)

ડિસેમ્બરની શરૂઆતથી જ ગુજરાતમાં પતંગનો માહોલ છવાઈ જાય છે. અને બે દિવસના ઉતરાયણના તહેવારમાં ગુજ્જુ લોકો  પતંગ ઉડાળી અને બીજાની પતંગ કાપીને મજા કરે છે સાથે સાથે “કાઇપો છે”, “ લપેટ” જેવા શબ્દોથી માહોલ છવાયેલો રહે છે. પતંગ ઉડાડવા સિવાય 14-15 જાન્યુઆરીના દિવસે ઊંધિયું અને ચીકી ખાવાનું પણ મહત્વ રહેલું છે. ગુજરાતમાં અમદાવાદ,સુરત,વડોદરા,રાજકોટ, ખંભાત અને જામનગરમાં ઉતરાયરની ખાસ ઉજવણી કરવામાં આવે છે. ધાર્મિક રીતે પણ આ દિવસની મહિમા છે. કેહવાય છે કે આ દિવસે સૂર્યની પૂજા કરવી અત્યંત શુભ છે. આ દિવસે કરેલા પુણ્યનું ફળ બે ઘણું મળે છે. ઉતરાયણના દિવસે ગાયને ઘાસ ખવડાવવું અને તલનું દાન કરવું અત્યંત શુભ મનાય છે.

તમિલનાડુ-પોંગલ

પોંગલ તહેવાર તમિલનાડુ રાજ્યમાં ખૂબ જ ભવ્યતા અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર ખેડૂતો માટેનો સૌથી મોટો તહેવાર છે. ખેતરોમાંથી પાકની કાપણી કર્યા પછી આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. એટલુ જ નહીં આ દિવસે લોકો ઘરમાં સાફ સફાઈ કર્યા બાદ આંગણામાં ચોખાના લોટથી રંગોળી બનાવે છે. આ પછી માટીના વાસણમાં ખીર બનાવવામાં આવે છે. જેનો ભોગ પહેલાં સૂર્યદેવને ચઢાવવામાં આવે છે. તમિલનાડુમાં આ તહેવાર 4 દિવસ સુધી ઉજવવામાં આવે છે.

આસામ-બિહુ

આસામના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે બિહુ. જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આસામમાં, લણણી અને લગ્નનો શુભ સમય આ દિવસથી શરૂ થાય છે. ભોગાલી બિહુનો તહેવાર જાન્યુઆરીમાં મકર સંક્રાંતિની આસપાસ ઉજવવામાં આવે છે. બિહુના અવસરે ખેડૂતો ભવિષ્યમાં સારા પાકની ઉપજ માટે ભગવાનને પ્રાર્થના કરે છે. આ પછી, આ તહેવાર આખા અઠવાડિયા સુધી ઉજવવામાં આવે છે. આ ખાસ પ્રસંગે તલ, નાળિયેર, ચોખા અને દૂધનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે. આસામના લોકો આ દિવસે વિશેષ નૃત્ય પણ કરે છે.

ઉપરાંત તહેવારમાં ગાયની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે ખેડૂતો ગાયોને નદી પર લઈ જાય છે અને કાચી હળદરથી નવડાવે છે. અને એને ગોળ, રીંગણ જેવા લીલા શાકભાજી ખવડાવવાનો પણ રિવાજ છે. આની પાછળ આસામના લોકોની ધાર્મિક માન્યતા છે કે જો ઘરના જાનવર એટલે કે ગાયનું સ્વાસ્થ્ય સારું રહે તો પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહે છે.

પંજાબ-લોહરી

પંજાબ, હરિયાણા અને ઉત્તર ભારતના અમુક ક્ષેત્રોમાં લોહરીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે દક્ષ રાજા પોતાના જમાઈ ભગવાન શિવનું અપમાન કર્યુ, ત્યારે દિકરી સતીએ ગુસ્સામાં આવીને આગ્નિસ્નાન કર્યુ હતું. ત્યાર પછી રાજા દક્ષે શ્રાપ ભોગવવો પડ્યો. આ ભૂલ સુધારવા માટે માતાઓ લોહરીના દિવસે દિકરીઓને સાસરે ભેટ મોકલે છે. એટલુ જ નહીં માતા પોતાના નાના બાળકોને ખોળામાં લઈને લોહરીની આગની ચારેબાજુ ફેરા ફરે છે. માનવામાં આવે છે કે આમ કરવાથી બાળકો બીમારી અને ખરાબ નજરથી બચે છે.  લોહરીનું નામ લ(લાકડી)+ ઓહ (સૂકાયેલુ ગોબર) +રી (રેવડી)ને મેળવીને ‘લોહરી’  બન્યું છે. સાંજના સમયે હોલિકા દહનની જેમ લાકડીઓ, સૂકાયેલા છાણનો એક ઢગલો કરી એને પ્રગટાવીને આગની ચારે બાજુ લોકો ભાંગડા કરે છે. લોહરીની આગમાં રવિ પાકને અર્પણ કરવાની પણ પ્રથા છે. આ સમયે રવિ પાકની લણણી કરીને એને ઘરે લાવવાની હોય છે.

કેરળ- મકર વિલક્કુ

કેરળમાં મકર સંક્રાંતિની ઉજવણી મકર વિલક્કુ તરીકે થાય છે. છે. આ દિવસે સબરીમાલા મંદિર લાખોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે. આ કેરળમાં ઉજવાતો એક મહત્વપૂર્ણ ધાર્મિક તહેવાર છે. જે શ્રી અય્યપ્પાના પુજારી માટે વિશેષ મહત્વ ધરાવે છે. શ્રદ્ધાળુ મકર વિલક્કુના દિવસે શ્રદ્ધા અને પવિત્રતા સાથે આ મંદિરમાં દર્શન માટે પહોંચે છે. એટલુ જ નહીં  આ  દિવસે વિશિષ્ટ દિવો પ્રગટ કરવામાં આવે છે. જેને મકર વિલક્કુ કહેવાય છે. જે સૂર્યના મકર રાશિમાં પ્રવેશને આવકારવાનું ચિહ્ન છે.

કર્ણાટક-ઈલુ બિરોધુ

ઈલુ બિરોધુ કર્ણાટક રાજ્યના દક્ષિણ કન્નડ જિલ્લામાં મનાવવામાં આવતો પરંપરાગત તહેવાર છે. આ તહેવાર જ્યારે મકર રાશિમાં સૂર્ય પ્રવેશ કરે છે. આ તહેવારની મુખ્ય પરંપરાઓમાં ખેતી અને કૃષિની આદરપુર્વક ઉજવણી છે. આ દિવસે લોકો ઘર અને ખેતરની સફાઈ કરી એની સજાવટ કરે છે. આ દિવસે મહિલાઓ ઓછામાં ઓછા 10 પરિવારો સાથે શેરડી, તલ, ગોળ અને નાળિયેરમાંથી બનેલી વસ્તુઓની આપ-લે કરે છે. કુટુંબના સભ્યો અને નજીકના લોકો સાથે મળીને મીઠાઈ બનાવીને ભોજન કરે છે. ખાસ કરીને ખેતી કરતા લોકો માટે આ તહેવાર વિશેષ રીતે મહત્વપૂર્ણ છે.

પશ્વિમ બંગાળ-પૌષ સંક્રાંતિ

પશ્ચિમ બંગાળમાં લોકો આ તહેવારને પૌષ સંક્રાંતિ તરીકે ઉજવે છે. અહીં સ્નાન કર્યા બાદ તલનું દાન કરવાની ખાસ પરંપરા છે. અહીં દર વર્ષે ગંગાસાગરમાં વિશાળ મેળો ભરાય છે અને લાખો લોકો ગંગાસાગરમાં સ્નાન કરવા આવે છે. એવું કહેવાય છે કે, ઉત્તરાયણના દિવસે ગંગાજી ભગીરથની પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમ થઈ સમુદ્રને મળ્યા હતા. માટે આ દિવસે અહીં સ્નાન કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે.

બિહાર- ખીચડી

બિહારમાં  લોકો મકરસંક્રાંતિને ખીચડી તરીકે ઓળખે છે. આ દિવસે બિહારમાં ખીચડી ખાવાની અનોખી પરંપરા છે. એટલું જ નહીં અહીંના લોકો અડદની દાળ, ચોખા, તલ, અને ઊની કપડાનું દાન કરે છે. સગા સંબંધી લોકો એકબીજાના ઘરે શુભચ્છા માટે ખીચડી મોકલે છે. જેને સુખ-શાંતિનું પ્રતીક માનવામાં આવે છે.

ઉત્તરાખંડ- ઉત્તરાયણી

અહીં મકરસંક્રાંતિને લોકો ઉત્તરાયણી તરીકે ઓળખે છે. આ દિવસે લોકો પુરી, વડા, પૌંઆ અને ગોળની મીઠાઈઓ બનાવે છે, જે બાળકો દ્વારા કાગડાને ખવડાવવામાં આવે છે. અહીંના લોકોનું માનવું છે કે, જે બાળક કાગડાને સૌથી પહેલા આ મીઠાઈ ખવડાવે એ સૌથી નસીબદાર ગણાય. આ સિવાય આ દિવસે લોકો દાળ, ચોખા અને અન્ય ખાદ્ય પદાર્થોનું દાન પણ કરે છે.

આંધ્રપ્રદેશ-પેડ્ડા પાડુંગા

આંધ્રપ્રદેશના લોકો મકરસંક્રાંતિને પેડ્ડા પાંડુગા કહે છે. આ દિવસે મહિલાઓ ઘર આંગણે જુદા-જુદા રંગની રંગોળી બનાવે છે. નવા કપડા પહેરીને પરિવાર એક સાથે આ તહેવારની ઉજવણી કરે છે. આ દિવસે આંધ્રપ્રદેશમાં પુલિહિરો, અરસેલુ, બોબાતુલ્લુ, પરમન્નમ જેવી વાનગીઓ બનાવવાની પરંપરા છે.

હેતલ રાવ