ટ્રમ્પના આવવાથી વેપારમાં ફરક નહીં પડે: તેજિન્દરપાલસિંહ ઓબરોય

ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘણી વખત પોતાના મિત્ર તો કહ્યા છે, પરંતુ સાથે સાથે તેઓ ભારતની નીતિઓ ઉપર પ્રહાર પણ કરતા રહ્યા છે. ટ્રમ્પ એમના ભાષણોમાં અમેરિકાની આર્થિક નીતિઓ ‘અમેરિકા ફર્સ્ટ’ પર કેન્દ્રિત રહેશે એવું હંમેશા કહેતા આવ્યા છે. પ્રથમ કાર્યકાળમાં પણ એમણે અમેરિકન ઉદ્યોગોને રક્ષણ આપવાની નીતિ અપનાવી હતી અને ચીન-ભારત સહિત ઘણા દેશોમાંથી આયાત થતી વસ્તુઓ ઉપર ભારે ટેરિફ લાદ્યા હતા.

સ્વાભાવિક રીતે જ સવાલ ઉઠે કે, શું ટ્રમ્પ હવે બાઇડનના સમયની ભારત માટેની નીતિઓ બદલી નાખશે? ટ્રમ્પ 2.0 માં ભારત સાથેના અમેરિકાના વેપારી સંબંધો કેવા રહેશે? ચિત્રલેખા.કોમએ ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોર્મસના ગુજરાત શાખાના અધ્યક્ષ તેજિન્દરપાલસિંહ ઓબરોય સાથે ‘છોટી સી મુલાકાત’માં વાત કરી.

 

ચિત્રલેખા.કોમ:  ટ્રમ્પ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે ત્યારે ભારત-અમેરિકાના સંબંધો પર કેવી અસર પડશે?

તેજિન્દરપાલસિંહ ઓબરોય: ઓવરઓલ મને એવું લાગે છે ભારત માટે તો ટ્રમ્પના આવવાથી સારો જ સમય રહેશે. ભારતને અત્યારે જે તકો મળે છે તેનાં કરતાં વધુ તકો પણ મળી શકે છે. હા, કેટલીક પોલીસીમાં ફેરફાર આવી શકે છે. અમેરિકા ચીન સાથેના તેનાં સંબંધોને પણ બેલેન્સ કરવાનો પ્રયત્ન કરશે. એવામાં ભારત પોતાની બાજી કઈ રીતે રમે છે તેના પર ઘણું બધું નિર્ભર રહેશે. જો કે ઓવરઓલ મને એવું લાગે છે કે માર્કેટ શેરમાં વધારો થશે, નવી તકોમાં વધારો થશે. વિદેશ મંત્રાલય પણ અમેરિકા સાથેના આપણા સંબંધોને વિકસાવવા પર ધ્યાન આપી જ રહ્યું છે તેથી ભારત માટે તો ચોક્કસથી સારો જ સમય રહેશે.

તાજેતરમાં જ ટ્રમ્પે ભારત પર આયાત જકાત વધારવાની વાત કરી હતી તેના પર આપનું શું કહેવું છે?

ટેરિફમાં વધારો થાય તેવી સામાન્ય વાતો બની શકે છે. જો કે આ બધી વાતોમાં પણ એ વાતનું તો ધ્યાન રાખવામાં આવશે જ કે મેનુફેક્ચરિંગ ચાલુ રહે. કારણ કે અમેરિકા પાસે તેની જ જરૂરિયાતોના મેનુફેક્ચરિંગને પહોંચી વળવા માટેનો મેન પાવર નથી. આથી જેટલી તેમની જરૂરિયાતો છે તેટલું તો તેમણે ઇમ્પોર્ટ તો કરવું જ પડશે. જો કે એ જોવું રહ્યું કે એવી કઈ પ્રોડક્ટ છે અથવા તો કઈ જરૂરિયાત છે જેમાં તેઓ ટેરિફ વધારી શકે છે. પરંતુ ઈન જનરલ તો તેમણે ઇમ્પોર્ટ તો કરવું જ પડશે.

સાથે જ જો અમેરિકા ટેરિફ વધારે પણ છે તો તે એકલા ભારત માટે તો નહીં જ હોય. બીજા દેશોને પણ તેની અસર પડી શકે છે. અમેરિકા પોતે પણ મેનુફેક્ચરિંગ કરવા માગે છે પરંતુ તે વેલ્યુ એડડ મેનુફેક્ચરિંગ રહેશે. બીજું તો એમણે બહાર કરાવવું જ પડશે. કારણ કે અમેરિકા પાસે ન તો એવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે કે ન તો મેન પાવર છે. સાથે જ તેઓ કોસ્ટ કોમ્પિટિટિવ પણ નથી. ફાઈનલ કન્ઝ્યુમર સુધી પહોંચતા સમયે તો કોસ્ટ જ જોવામાં આવે છે. આથી ઘણી વસ્તુઓ માટે અમેરિકાએ ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ચીન જેવા એશિયાઈ દેશો પર નિર્ભર રહેવું પડશે. જો કોઈ નવી સરકાર આવે છે તો થોડી ઘણી તો અનિશ્ચિતતાઓ જોવા મળે છે. આથી નવી કોઈ પાર્ટી સતામાં આવે છે તો થોડાઘણા તો ફેરફારો થવાના જ છે. પણ ભારત-અમેરિકાના વેપાર ઉપર કોઈ મોટી અસર થાય તેવું મને નથી લાગી રહ્યું. અમેરિકા એક હાઈ કન્ઝમ્પશન દેશ છે તો તેમને પૂરતા પ્રમાણમાં પ્રોડક્ટ્સ પણ જોઈએ. આથી તેમને સર્વાઈવ કરવા માટે પણ વિશ્વના સૌથી મોટાં સપ્લાયરમાંના એક એવાં ભારત ઉપર નિર્ભર તો રહેવું જ પડશે. સાથે જ જો તેમને ચીન ઉપરની પોતાની નિર્ભરતા ઓછી કરવી હોય તો ભારત તેમના માટે એક સારો ઓપ્શન છે.

ભારતના ક્યા સેક્ટર્સની વેપાર નીતિ પર અસર થઈ શકે છે?

મને એવું લાગે છે કે ફાર્માસ્યુટિકલ, આઈ.ટી. કે ટેક્સટાઈલ સેક્ટરને જો ટ્રમ્પ સરકાર નવી ઇમ્પોર્ટ ડ્યૂટી નાખે છે તો તેની અસર થઈ શકે છે. બાકી તો મને લાગે છે કે ટેરિફ જો થોડું ઘણું વધે છે તો પણ કરેક્શન તો આવી જ જાય છે. એવો કોઈ મેજર ઈસ્યુ મને હાલમાં તો લાગી રહ્યો નથી. કારણ કે સપ્લાય ચેઈન પણ જોઈએ ને?

હાલમાં ભારત-અમેરિકા વચ્ચે લગભગ 200 અબજ ડોલરનો વેપાર થાય છે. જો ટ્રમ્પ ટેરિફના નવા નિયમો લાગુ કરે છે તો તેની અસર ભારતના GDP પર કેવી પડી શકે છે?

અમેરિકાની જરૂરિયાતો પ્રોડક્ટ્સ માટેની ઘટવાની નથી. જે લોકો વસ્તુઓ ત્યાંના લોકો ખાય છે, પહેરે છે કે વાપરે છે તે સેક્ટર તો તેમના તેમ જ રહેવાના છે. હા, આઇ.ટી. સેક્ટરમાં અસર થઈ શકે છે. કારણ કે આઇ.ટી.માં આપણી પાસે મેન પાવર છે. ટેક્નોલોજી અપગ્રેડ થશે તો એ કામ પણ ચાલુ તો રહેવાનું જ છે. હા, જો અમેરિકા કોઈ વસ્તુની આયાત બંધ પણ કરી દે છે તો પણ એમની પાસે ડિમાન્ડને પહોંચી વળવા માટેની પોતાના દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. જો ભારત પાસેથી નહીં લે તો બીજા કોઈ પાસેથી લેશે. પરંતુ તેમને આઉટસોર્સિંગ તો કરવું જ પડશે.

બીજું કે મને નથી લાગતું કે ભારત સરકાર પણ આ બધાં પાસાઓ વિશે વિચાર નહીં કર્યો હોય. સરકાર હાથ ઉપર હાથ રાખીને તો નહીં જ બેસી રહે. તેઓ પણ ભારતીય બજારો પણ કોઈપણ પ્રકારની નેગેટિવ ઈમપેક્ટ ના પડે તે માટે એગ્રેસિવલી એક્શન તો લેશે જ એટલે મને નથી લાગતું કે ભારતના વેપાર કે GDP પર મોટો નકારાત્મક ફરક પડે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)