દિવાળીમાં ઓછા ખર્ચે ક્યાં જઇ શકાય?

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, આ સમયગાળો આનંદ, ઉમંગ અને પરિવાર સાથે યાદગાર પળો વીતાવવાનો છે. સાથે જ રજાઓની મજાનો પણ સમય છે. રજાઓના આ સમયમાં, વિદેશ યાત્રાનું આયોજન કરવું એક ઉત્તમ વિચાર છે, પરંતુ જો બજેટની ચિંતા હોય, તો નિરાશ થવાની જરૂર નથી!

કારણે કે એવા અનેક દેશ છે, જે બજેટ ફ્રેન્ડલીની સાથે સાંસ્કૃતિક વૈવિધ્ય, પ્રાકૃતિક સૌંદર્ય સાથે સંપૂર્ણ સંગમ આપે છે.

 તો, આ દિવાળીએ રોશનીની જેમ તમારા પ્રવાસને પણ ઝળહળતો બનાવો! આ દેશોના મુસાફર બનીને, જ્યાં તમે તમારા ખિસ્સા પર વધુ ભાર આવવા દીધા વિના દુનિયાને માણી શકશો….

ઇન્ડોનેશિયા

ઇન્ડોનેશિયાનું બાલી હિન્દુ સંસ્કૃતિ અને દિવાળીની ઉજવણી માટે જાણીતું છે. ઉલુવાતુ મંદિર, તનાહ લોટ અને બાલીના દરિયાકિનારા તમને મંત્રમુગ્ધ કરશે. અહીંની પરંપરાગત વાનગીઓ, જેમ કે નાસી ગોરેંગ, અને નાઇટલાઇફ તમારી સફરને રોમાંચક બનાવશે. દિવાળીના સમયે અહીં અનેક વિધિઓ અને પરંપરાગત તહેવારો ઉજવવામાં આવે છે. અહીં ઘણા મંદિરો પણ છે જ્યાં મુલાકાત લઈ શકો છો. દિવાળી દરમિયાન અંદાજિત ખર્ચ રૂપિયા પ્રતિ વ્યક્તિ 35 હજારથી 60 હજાર થશે.

વિયેતનામ

છેલ્લા થોડા સમયથી વિયેતનામ ગુજરાતીઓ માટે વિદેશ પ્રવાસનું ફેવરીટ  સ્પોટ બની ગયું છે.  વિયેતનામ એ એક ઐતિહાસિક અને કુદરતી સૌંદર્યથી ભરપૂર દેશ છે. એની રાજધાની હનોઈ એના સ્ટ્રીટ ફૂડ, નહેરો અને રંગબેરંગી શેરીઓ માટે જાણીતી છે. હા લોંગ બેનું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળ અને હો ચી મિન્હ સિટીની ઐતિહાસિક ઇમારતો પ્રવાસીઓને આકર્ષે છે. અહીંના આકર્ષણો માત્ર ઈતિહાસ અને પ્રકૃતિ સુધી મર્યાદિત નથી, પરંતુ મનોરંજન અને મસ્તી માટે પણ ઘણા વિકલ્પો પ્રદાન કરે છે. જો દિવાળી દરમિયાન અંદાજિત ખર્ચની વાત કરીએ તો રૂપિયા 30,000થી 50,000 થઈ શકે છે.

થાઈલેન્ડ

થાઈલેન્ડ ભારતીય પ્રવાસીઓ માટે સૌથી લોકપ્રિય સ્થળોમાંનું એક છે. બેંગકોકના વોટ અરુણ, ફૂકેટના દરિયાકિનારા અને ચિયાંગ માઈના મંદિરો દિવાળીને વધુ રંગીન બનાવે છે. થાઈ ભોજન અને બજારોનો અનુભવ અહીંની ખાસિયત છે. સામાન્ય દિવસ કરતા દિવાળી દરમિયાન ખર્ચ થોડો વધુ થાય છે. અંદાજિત ખર્ચની વાત કરીએ તો રૂપિયા 25 હજારથી લઈને 45 હજાર થઈ શકે.

કંબોડિયા

કંબોડિયા એ દક્ષિણપૂર્વ એશિયાનો એક સુંદર દેશ છે. નોમ પેન્હ એની રાજધાની છે, જે એના ઐતિહાસિક સ્મારકો, સંસ્કૃતિક વારસો અને આધુનિક શહેરી વિકાસથી ઓળખાય છે. અંગકોર વાટ, વિશ્વવિખ્યાત હિન્દૂ મંદિર કોમ્પ્લેક્સ, સિયેમ રીપ શહેરના નજીક આવેલા છે, જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્ય છે. અહીં આવતા પ્રવાસી આકર્ષણોની યાદી ઘણો લાંબી છે, જેમાં કોહ રોંગ જેવા આઈલેન્ડ બીચ, અંગકોર વાટના પ્રાચીન મંદિરો અને ફ્લોટેંગ વિલેજનાઅનોખા અનુભવો સમાવેશ થાય છે. કંબોડિયા વિશ્વભરનાં પ્રવાસીઓને આકર્ષે છે. અંદાજિત 30થી 50 હજાર રૂપિયામાં દિવાળી દરમિયાન આ દેશની મુલાકાત લઈ શકાય છે.

દુબઈ

દુબઈ એટલું મોંઘું નથી જેટલું એ વૈભવી લાગે છે. હા, દિવાળીની રજાઓમાં દુબઈ ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. દુબઈના વર્લ્ડ ક્લાસ મોલ્સ, બુર્જ ખલીફા અને રણ વિશ્વભરમાં પ્રખ્યાત છે. આખા વર્ષ દરમિયાન અહીં પ્રવાસીઓનો સતત પ્રવાહ રહે છે. દિવાળી દરમિયાન અહીં ભારતીય સમુદાય દ્વારા ખાસ ઉજવણીઓ થાય છે. કુલ અંદાજિત ખર્ચ રૂપિયા 40 હજારથી 70 હજાર થઈ શકે.

શ્રીલંકા

શ્રીલંકા એના મનમોહક દરિયાકિનારા, વન્યજીવન અને ઐતિહાસિક સ્થળો માટે પ્રખ્યાત છે. કેન્ડીનું શ્રી દલદા મલિગાવા (ટૂથ ટેમ્પલ), સિગિરીયાનું લાયન રોક અને દમ્બુલ્લા ગુફા મંદિરો પ્રવાસીઓને આકર્ષે છે. ભારતથી શ્રીલંકા માટે સસ્તી ફ્લાઇટ્સ પણ ઉપલબ્ધ છે, જે બજેટમાં સરળતાથી ફિટ થઈ શકે છે. દિવાળીની રજાઓમાં અહીંની શાંતિ અને સૌંદર્ય સફરને યાદગાર બનાવશે. દિવાળી દરમિયાન શ્રીલંકાની ટૂરનો અંદાજિત ખર્ચ રૂપિયા 25થી 45 હજાર થઈ શકે છે.

નેપાળ

ભારતનો પડોશી દેશ નેપાળ દિવાળીની ઉજવણીમાં ભારત જેવો જ ઉત્સાહ ધરાવે છે. કાઠમંડુના પશુપતિનાથ મંદિર, બૌદ્ધનાથ સ્ટૂપ અને દરબાર સ્ક્વેર જેવા સ્થળો આધ્યાત્મિક અને ઐતિહાસિક અનુભવ આપે છે. નેપાળની યાત્રા માટે બજેટ ફ્રેન્ડલી ફ્લાઇટ્સ અથવા મૈત્રી એક્સપ્રેસ ટ્રેનનો વિકલ્પ પસંદ કરી શકાય. સ્થાનિક નેપાળી ભોજન અને બજારો તમારી સફરને વધુ રોમાંચક બનાવશે. દિવાળીમાં નેપાળની યાત્રા અંદાજિત 18થી 35 હજારમાં કરી શકાય છે.

હેતલ રાવ